જામનગરમાં જુની તકરારમાં વૃઘ્ધ પર હિંચકારો હુમલો
જામનગરના સૈયદફળી વિસ્તારમાં જુની તકરારનો ખાર રાખીને વૃઘ્ધ સહિત બે પર પાઇપ, ધોકા જેવા હથીયારોથી હુમલો કરીને ફ્રેકચર સહિતની ઇજા પહોચાડયાની સૈયદ ફળી વિસ્તારમાં રહેતા ૯ સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે, ઇજાગ્રસ્તને સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જામનગરના સૈયદ ફળી, અકબરશા મસ્જીદ પાસે રહેતા હાજી અકબરશા હાજી આમદમીયા કાદરી (ઉ.વ.૬૨)ને આરોપી આહમદશા બુખારી સાથે બે દિવસ પહેલા એક બીજા સામે જોવા બાબતે બોલાચાલી અને તકરાર થઇ હતી.
જે બાબતનો ખાર રાખીને આરોપીઓએ એક સંપ કરી ગઇકાલે ગેરકાયદે મંડળી રચી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા માટે ધોકા અને પાઇપ જેવા હથીયારો ધારણ કરી ફરીયાદી હાજી અકબરશાને સૈયદ ફળી રેસ્ટોરન્ટની બાજુના વિસ્તારમાં ધોકા અને પાઇપ જેવા હથીયારોથી બંને પગ અને શરીરે આડેધડ ઘા મારી ફ્રેકચર સહિતની ઇજાઓ પહોચાડી હતી.
આ વેળાએ સૈયદઅલી અજીજમીયા કાદરી છોડાવવા વચ્ચે જતા તેને પણ પગમાં મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી દઇ આરોપીઓએ એકબીજાને મદદગારી કરી હતી, ઇજાગ્રસ્તને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
દરમ્યાનમાં સૈયદફળીમાં રહેતા હાજી અકબરશા હાજી આમદમીયા કાદરીએ સીટી-એ ડીવીઝનમાં સૈયદફળી વિસ્તારમાં રહેતા આહમદશા યાસીન બુખારી, અઝદીન યાસીન બુખારી, એજાઝ યાસીન બુખારી, અક્રમ યાસીન બુખારી, અકીબ યાસીન બુખારી, સોહીલ મહમદઅલી બુખારી, મહદમદ સીદીક હૈદરમીયા કાદરી, મહમદઅલી ઇબ્રાહીમ બુખારી અને જેનુલ આબેદીન અમીરહુશેન કાદરીની વિરુઘ્ધ જુદી જુદી કલમો મુજબ ફરીયાદ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.