દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સ્થિતિના પગલે હેમ રેડીયો ટીમ ફાળવાઈ

  • June 15, 2023 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું  છે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ કુદરતી આપદાના સમયે સંદેશા વ્યવહાર ખોરવાય નહિ તે માટે હેમ રેડિયો સિસ્ટમ (ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી) ગાંધીનગર દ્વારા ફાળવવામાં આવી છે.વાવાઝોડાના કારણે જયારે તમામ પ્રકારના કોમ્યુનિકેશન સિસ્ટમ બંધ થઇ જાય તો તેવા સંજોગોમાં સંદેશા વ્યવહાર માટે હેમ રેડિયો એક અસરકારક સાધન છે. હેમ રેડિયો ઓપરેટર પ્રતીક નીમ્બાર્ક, મનીષ જાની, ધવલભાઈ સહિતના સભ્યો સાથેની હેમ રેડીયો ટીમ સર્કીટ હાઉસ, દ્વારકા ખાતે કાર્યરત કરવામાં આવી છે.
**
હેમ રેડિયો કેવી રીતે કામ કરે છે
હેમ રેડિયો એક એવું વાયરલેસ ઉપકરણ છે કે જેના દ્વારા વિશ્વના કોઇ પણ ખૂણે વાત કરવા કે સંદેશો મોકલવા માટે વીજ પુરવઠાની, સંચાર સાધનો કે ઈન્ટરનેટની જરૂરિયાત રહેતી નથી. આ હેમ રેડિયો એક એવુ કોમ્યુનિકેશન માધ્યમ છે, કે જે  કુદરતી આપદામાં લોકો વચ્ચે કોમ્યુનિકેશનનું સાધન બની જાય છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની સ્થિતિમાં તમામ પ્રકારની સંભાવનાઓને ધ્યાને રાખીને પૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે. સંચાર સેવાઓ ખોવાઈ જવાની સ્થિતિમાં આ હેમ રેડિયો સિસ્ટમ આપાતકાલીન સંદેશાની આપ-લે માટે ખૂબ મહત્વની કડી બની રહેશે.
**
અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકો કોઈપણ ટેલીકોમ ઓપરેટર નેટવર્કનો ઉપયોગ કરી શકશે
રાજયમાં પ્રવર્તી રહેલ સંભવિત બિપરજોય વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્ત જિલ્લાઓમાં ટેલીકોમ નેટવર્ક ખોરવાય તો નાગરિકો કોઈપણ ટેલીકોમ ઓપરેટર નેટવર્કનો ઉપયોગ કરી શકશે એમ દૂર સંચાર વિભાગના ગુજરાત લાયસન્સ સર્વીસ એરિયાઝ દ્વારા જણાવાયું છે.
વધુમાં જણાવાયાનુસાર "બિપરજોય" વાવાઝોડા દરમિયાન સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકોને કોઈ તકલીફ ન પડે તેને ધ્યાનમાં લઇ ટેલિકોમ સેવાઓએ આ મહત્વનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત જો કોઈ નાગરિકે સબસ્ક્રાઈબ કરેલી ટેલિકોમ સેવા કામ ન કરે અથવા અસ્થાઈ રીતે બંધ હોય તો બીજા કોઈ પણ ટેલિકોમ ઓપરેટરની સેવાનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સેવાનો લાભ લેવા મોબાઇલ સેટિંગ્સ  સિમ કાર્ડ  મોબાઇલ નેટવર્કને મેન્યુઅલી પસંદ કરવાનું રહેશે. આ સેવાઓ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જુનાગઢ અને મોરબી જિલ્લામાં તા. ૧૭ જૂન ૨૦૨૩ના રોજ રાત્રે ૧૧:૫૯ વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application