ગુજરાત સરકારનો શહેરી વિકાસને વેગ: 69 નગરપાલિકાઓનું અપગ્રેડેશન, 467.5 કરોડની વધારાની ગ્રાન્ટ

  • March 10, 2025 09:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકારે રાજ્યના સર્વગ્રાહી વિકાસને ધ્યાનમાં રાખીને શહેરીકરણના વધતા વ્યાપ અને શહેરી જનસંખ્યાને વધુ નાગરિકલક્ષી સુવિધાઓ આપવા માટે 69 નગરપાલિકાઓનું અપગ્રેડેશન કર્યું છે. આ નિર્ણયથી રાજ્યની અ-વર્ગની નગરપાલિકાઓમાં 21, બ-વર્ગમાં 22 અને ક-વર્ગમાં 26 નગરપાલિકાઓનો ઉમેરો થયો છે.


આ અપગ્રેડેશનમાં 7 જિલ્લા મથકો, પ્રવાસીઓની વધુ અવરજવર ધરાવતા 4 યાત્રાધામો અને ઐતિહાસિક-સાંસ્કૃતિક વારસો ધરાવતા વડનગરનો અ-વર્ગની નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી આ નગરપાલિકાઓના વિકાસને વેગ મળશે અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે.


સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આ નગરપાલિકાઓને વિવિધ વિકાસ કામો માટે કુલ 467.5 કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ મળવાપાત્ર થશે. આ ગ્રાન્ટનો ઉપયોગ આંતરમાળખાકીય વિકાસ, આઉટગ્રોથ વિસ્તારના કામો, આગવી ઓળખના કામો અને નગર સેવાસદનના કામો માટે કરવામાં આવશે.


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારતના સંકલ્પમાં વિકસિત ગુજરાતની વિકાસયાત્રાથી અગ્રેસર રહેવાની પ્રતિબદ્ધતા સાથે રાજ્યના શહેરોને ગતિશીલ, જીવંત અને સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટથી લિવેબલ બનાવવાના અભિગમ સાથે ૬૯ નગરપાલિકાઓનું અપગ્રેડેશન કર્યુ છે. 


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં ઉત્તરોત્તર વધતા જતા વિકાસને પરિણામે શહેરોમાં વસનારા લોકોની સંખ્યા પણ વધતી જાય છે ત્યારે નગરપાલિકા વિસ્તારોમાં વસતા નાગરિકોને વિવિધ માળખકીય સુવિધાઓ પૂરી પાડી શકાય અને જનસુવિધાઓમાં વધારો થાય તેમજ વિકાસલક્ષી કામો વધુ ઝડપી અને સુચારુ રીતે થઈ શકે તેવા ઉદાત્ત અભિગમ સાથે આ નગરપાલિકાઓનું અપગ્રેડેશન કરવામાં આવ્યુ છે. 


નગરપાલિકાઓના આ અપગ્રેડેશનને પરિણામે ૧ લાખથી વધુ વસતિ ધરાવતી અ-વર્ગની નગરપાલિકાઓમાં વધુ ૨૧ નગરપાલિકાઓ, ૫૦ હજારથી ૧ લાખ સુધીની વસતિ ધરાવતી બ-વર્ગની નગરપાલિકાઓમાં વધુ ૨૨ અને ૨૫ હજારથી ૫૦ હજારની વસતિ ધરાવતી ક-વર્ગની નગરપાલિકાઓમાં વધુ ૨૬ નગરપાલિકાઓનો ઉમેરો થયો છે.


એટલું જ નહિ, જે નગરપાલિકાઓ જે-તે જિલ્લાના મુખ્ય મથકની નગરપાલિકાઓ એવી ખંભાળીયા, લુણાવાડા, મોડાસા, વ્યારા, છોટા ઉદેપુર, દાહોદ તથા રાજપીપળાને અ-વર્ગમાં અપગ્રેડ કરવામાં આવી છે.


આ ઉપરાંત, મુલાકાતીઓ-યાત્રાળુઓની વધુ અવર-જવર ધરાવતા દ્વારકા, પાલીતાણા, ચોટીલા તથા ડાકોર જેવા ધાર્મિક-પ્રવાસન સ્થળોની નગરપાલિકાઓનો પણ અપગ્રેડેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 


વડનગરના ૨૫૦૦ વર્ષ જેટલા પૌરાણિક અને ઐતિહાસિક સાંસ્કૃતિક વારસો તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર વડનગરના સ્થાનને ધ્યાને લઇને તેને પણ “અ” વર્ગમાં અપગ્રેડ કરવામાં આવી છે.


નગરપાલિકાઓના આ અપગ્રેડેશનથી આંતરમાળખાકીય વિકાસ કામો, આઉટગ્રોથ વિસ્તારના કામો, આગવી ઓળખના કામો અને નગર સેવાસદનના કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અ-વર્ગની પ્રત્યેક નગરપાલિકાઓને અંદાજે કુલ રૂ.૨૮ કરોડ, બ-વર્ગની નગરપાલિકાઓને આશરે રૂ.૨૨ કરોડ, ક-વર્ગની નગરપાલિકાઓને રૂ.૧૫.૫ કરોડ અને ડ-વર્ગની નગરપાલિકાઓને રૂ.૧૦ કરોડની ગ્રાન્ટ મળી હવે કુલ અંદાજે ૨૮૮૨ કરોડ રૂપિયા આવા વિકાસ કામો માટે ફાળવવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application