ઉત્તરખંડ બાદ ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે તેવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થાય પછી કાયદાના અમલીકરણ સંદર્ભે લોકોના સૂચન પર કમિટી કામ કરશે.
SCના નિવૃત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટીની રચના
યુનિફોર્મ સિવિલ કોડના અમલ માટે પહેલ કરનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે માટે સરકાર આગળ વધી રહી છે. ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદો તૈયાર કરવા સુપ્રિમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટી રચવાનો નિર્ણય કરાયો છે.
5 સભ્યોની કમિટીની રચના કરવામાંગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે. UCC લાગુ કરવા માટે 5 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. 45 દિવસમાં આ કમિટી રિપોર્ટ રજૂ કરશે.સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રંજના દેસાઇની અધ્યક્ષતામાં 5 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. 45 દિવસમાં UCC કમિટી સરકારને રિપોર્ટ સોપશે.
UCC કમિટીના અધ્યક્ષ અને સભ્યો
કમિટીના રિપોર્ટના આધારે રાજ્ય સરકાર નિર્ણય કરશે- મુખ્યમંત્રી
રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડનો મુસદ્દો તૈયાર કરવાનો છે એ અંગેના આયોજન અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં આઝાદીના 75માં વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે વડાપ્રધાન દ્વારા દેશના તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે કોમન સિવિલ કોડનો દેશ વ્યાપી અમલ કરવાનો નિર્ણય કર્યો છે. ભાજપ સરકાર જે કહે છે તે કરે છે. વન નેશન વન ઇલેક્શન, આર્ટિકલ 370, ત્રિપલ તલાક કાનૂન વગેરે માટે જે વચન આપ્યા હતા તે એક પછી એક પૂરા થયા છે. હવે સમાન નાગરિક ધારો અમલ કરવા માટે સંકલ્પ છે. ગુજરાત સંકલ્પ સાકાર કરવા માટે હંમેશા કટિબદ્ધ છે. રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે દિશામાં આગળ વધે છે. આ માટે ગુજરાતમાં કોમન સિવિલ કોડ ની આવશ્યકતા ચકાસવા તથા કાયદા માટે નો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈ ની અધ્યક્ષતામાં કમિટી રચાશે. 5 સભ્યોની આ કમિટીમાં વરિષ્ઠ નિવૃત્ત આઈ.એ.એસ. સી એલ મીણા, આર સી કોડેકર, દક્ષેશ ઠાકર, ગીતાબેન શ્રોફનો સમાવેશ થાય છે. આ કમિટી તમામ પાસાનો અભ્યાસ કરીને 45 દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ આપશે. આ રિપોર્ટના આધારે સરકાર નિર્ણય કરશે.
આદિવાસી સમાજને UCCથી બહાર રાખવાનો સંકેત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી એ કહ્યું હતું કે, તમામ વાયદા પૂરા કરવામાં આવી રહ્યા છે. સમયસર કામગીરી પૂર્ણ કરવામાં આવશે. એક જ નિયમોને આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. રંજનાબેન દેસાઈ ની નિમણૂક કરવા પાછળના કારણો અંગે જણાવ્યું હતું કે, તે ખૂબ અનુભવ ધરાવે છે. અનુભવના આધારે પસંદગી કરવામાં આવે છે. બહોળો અનુભવ છે અને સુપ્રિમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ છે. આદિવાસી અધિકારોને આ કાયદો અસર કરશે કે કેમ તે અંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઉત્તરાખંડ સરકારનું યુસીસી મોડેલ અદભુત છે. આ મોડેલમાં આદિવાસી સમાજના હકને યુ.સી.સી કાયદામાં લાવવામાં આવ્યો નથી. ગૃહ મંત્રીએ પણ ઝારખંડની સભા દરમિયાન કહ્યું હતું કે, આદિવાસી સમાજના રિવાજ તથા કાયદાનું સંરક્ષણ સંપૂર્ણ કરવામાં આવશે.ગુજરાતમાં ધર્મના આધારે રહેણાંકનું વિભાજન (અશાંત ધારો) છે એ ઘટના આધારિત નક્કી કરવામાં આવે છે એટલે આ મુદ્દો સુસંગત નથી. 45 દિવસમાં રિપોર્ટ આવ્યા પછી મુખ્યમંત્રી નિર્ણય કરશે અને વિધાનસભામાં બિલ રજૂ કરવામાં આવશે. એચ.યુ.એફ. નો પણ અલાયદો કાયદો છે. કોઈ એક સમાજ માટે આ કાયદો નથી. ધર્મ સાથે જોડાયેલા લોકોને પણ આ કમિટી મળશે. રિપોર્ટમાં તમામ રિવ્યૂ રજૂ કરવામાં આવશે.
કોણ છે જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ?
જસ્ટિસ રંજના દેસાઈ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ છે. તે 13 સપ્ટેમ્બર 2011થી 29 ઓક્ટોબર 2014 સુધી સુપ્રીમ કોર્ટમાં જજ હતા. તેમનો જન્મ 30 ઓક્ટોબર 1949ના રોજ થયો હતો. તેણે 1970માં મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી સ્નાતક (B.A.) પૂર્ણ કર્યું અને પછી 1973માં મુંબઈની સરકારી લૉ કૉલેજમાંથી બેચલર ઑફ લૉઝ (BA LLB)ની પરીક્ષા પાસ કરી. તે પછી તેણે વકિલાત શરૂ કરી.જસ્ટિસ રંજના દેસાઈ જમ્મુ અને કાશ્મીર પરના સીમાંકન આયોગના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. 70ના દાયકામાં પ્રેક્ટિસ શરૂ કરનારા જસ્ટિસ દેસાઈ સુપ્રીમ કોર્ટ પહેલા બોમ્બે હાઈકોર્ટના જજ રહી ચૂક્યા છે.
યુનિફોર્મ સિવિલ કોડ શું છે?
દેશમાં બે પ્રકારના કાનૂન છે- ક્રિમિનલ કાયદા અને સિવિલ કાયદા. ક્રિમિનલ કાયદામાં ચોરી, લૂંટ, મારામારી જેવા બનાવો સામે સુનાવણી થાય છે. દરેક ધર્મ, સમુદાયના લોકોને ક્રિમિનલ કાયદા લાગુ પડે છે, જ્યારે સિવિલ કાયદામાં લગ્ન અને સંપત્તિ સાથે જોડાયેલા કેસો ચાલે છે, છૂટાછેડા, ભરણ-પોષણ વગેરે. ભારતમાં અલગ અલગ ધર્મોમાં લગ્ન, રીતરિવાજ અલગ અલગ છે. આ જ કારણ છે કે આ પ્રકારના કાયદાને પર્સનલ લૉ પણ કહેવાય છે.
પર્સનલ લૉ એટલા માટે કે મુસ્લિમોમાં લગ્ન અને સંપત્તિના ભાગલા મુસ્લિમ લૉ મુજબ થાય છે. હિન્દુઓમાં હિન્દુ એક્ટ મુજબ કેસ ચાલે છે. ઈસાઈ અને શીખ માટે પણ અલગ પર્સનલ લૉ છે. યુનિફોર્મ સિવિલ કોડ મારફત પર્સનલ લૉ ખતમ થઈ જશે અને કોઈપણ ધર્મ હોય, કોઈપણ સમુદાય હોય, એ તમામ માટે એક સમાન કાયદા રહેશે, જેને યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) કહેવાય છે.
દેશનાં ભાજપશાસિત રાજ્યો યુસીસી બિલ લાવી શકે છે
આઝાદી પછી ઉત્તરાખંડ યુસીસી બિલ લાવનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે, જોકે ગોવામાં પણ પોર્ટુગીઝ શાસનના સમયથી યુસીસી અમલમાં છે. ગોવાને બંધારણમાં વિશેષ રાજ્યનો દરજ્જો હતો. આસામ સહિત દેશનાં ઘણાં ભાજપશાસિત રાજ્યોએ ઉત્તરાખંડ યુસીસીને મોડલ તરીકે અપનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ બિલમાં 400થી વધુ જોગવાઈઓ છે. લગ્નથી લઈને લિવ-ઇન-રિલેશનશિપ સુધીના કડક નિયમો બનાવવામાં આવ્યા છે, જોકે આ બિલમાં કરવામાં આવેલી વિશેષ જોગવાઈઓને લઈને વિવાદ થઈ શકે છે. મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડનું માનવું છે કે આ કાયદો મુસ્લિમો પર અત્યાચાર સમાન છે. જો આનો અમલ થશે તો મુસલમાનોના ઘણા અધિકારો જતા રહેશે. ઉદાહરણ તરીકે, કાયદેસરના છૂટાછેડા વગર એકથી વધુ લગ્નનો કોઈ અધિકાર રહેશે નહીં. શરિયત મુજબ મિલકતની વહેંચણી થશે નહીં.
યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાથી શું બદલાશે
6 મહિનાની અંદર લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે
યુસીસી લાગુ થતાં જ બધાં લગ્નોની નોંધણી ફરજિયાત બની જશે. લોકોને તેમના લગ્ન ઓનલાઈન રજિસ્ટર કરાવવામાં મદદ કરવા માટે સુવિધાઓ બનાવવામાં આવી છે, જેથી તેમને સરકારી કચેરીઓમાં જવું ન પડે. આ માટેનો કટ ઓફ 27 માર્ચ 2010 રાખવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે આ દિવસથી થનારાં બધાં લગ્નોની નોંધણી કરાવવી પડશે. લગ્નની નોંધણી 6 મહિનાની અંદર કરાવવી ફરજિયાત રહેશે.
લિવ-ઇન રિલેશનશિપનું રજિસ્ટ્રેશન ફરજિયાત
યુનિફોર્મ સિવિલ કોડમાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા માટે માતા-પિતાની પરવાનગી ફરજિયાત રહેશે. આ સંબંધમાં રહેતાં યુગલોએ રજિસ્ટ્રાર સમક્ષ તેમના સંબંધો જાહેર કરવા પડશે. જ્યારે પણ તેઓ સંબંધનો અંત લાવવા માગતા હોય તો આ માહિતી રજિસ્ટ્રારને પણ આપવી પડશે. લિવ-ઇન રિલેશનશિપથી જન્મેલા બાળકને કાયદેસર ગણવામાં આવશે. જો લિવ-ઇન રિલેશનશિપ તૂટી જાય તો સ્ત્રી ભરણપોષણની માગ કરી શકશે. કોઈને જાણ કર્યા વિના એક મહિનાથી વધુ સમય માટે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા બદલ 10,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. રજિસ્ટ્રેશન કરાવનાર કપલની માહિતી તેમનાં માતા-પિતા અથવા સંબંધીઓને અપાશે, આ માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.
પુત્ર અને પુત્રીને મિલકતમાં સમાન અધિકાર
મિલકતના અધિકારમાં બાળકોમાં કોઈપણ પ્રકારનો ભેદભાવ રહેશે નહીં, એટલે કે સમાજ માન્ય સંબંધોના આધારે જન્મેલાં બાળકો અથવા લિવ-ઇન સંબંધો દ્વારા જન્મેલાં બાળકો વગેરેને સંપત્તિ વહેંચણીમાં સમાન અધિકારો હશે. આ કાયદા હેઠળ બધા ધર્મો અને સમુદાયોમાં દીકરીઓને સમાન મિલકત અધિકારો આપવામાં આવ્યા છે.
માતા-પિતાને પણ સંપત્તિનો અધિકાર
કોઈપણ વ્યક્તિના મૃત્યુ પછી તેની મિલકત અંગે પરિવારના સભ્યો વચ્ચે કોઈ વિવાદ ન થાય એ માટે તેની પત્ની, બાળકો અને માતા-પિતાનો મૃતકની મિલકત પર સમાન અધિકાર આપવામાં આવ્યો છે.
હલાલા - બહુપત્નીત્વ પર પ્રતિબંધ
ઉત્તરાખંડમાં લાગુ કરાયેલા યુસીસીમાં ઇસ્લામમાં પ્રચલિત હલાલાની પ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હલાલા ઇસ્લામમાં એક પ્રથા છે, જેમાં જો કોઈ મહિલાને તેના પતિ દ્વારા તલાક આપવામાં આવે છે અને તે પછી તે સ્ત્રી ફરીથી તે જ પતિ સાથે લગ્ન કરવા માગે છે તો મહિલાએ પહેલા તો બીજી વ્યક્તિ સાથે લગ્ન કરવા પડશે અને પછી તલાક લેવા પડશે. આ પછી જ સ્ત્રી તેના ભૂતપૂર્વ પતિ સાથે ફરીથી લગ્ન કરી શકે છે. આ પ્રથાને હલાલા કહેવામાં આવે છે. આ ઉપરાંત મુસ્લિમોમાં એક પુરુષ ત્રણ કે ચાર પત્ની રાખી શકે છે. હવે આ બહુપત્નીત્વ પ્રથા પર પ્રતિબંધ આવી ગયો.
18 વર્ષની ઉંમર પહેલાં લગ્ન નહીં કરાવી શકાય
બધા ધર્મોના લોકો પોતાના રિવાજો મુજબ લગ્ન કરી શકે છે, પરંતુ બધા ધર્મોમાં છોકરાઓ માટે લગ્નની લઘુતમ ઉંમર 21 વર્ષ અને છોકરીઓ માટે 18 વર્ષ કરવામાં આવી છે. હવે મુસ્લિમ છોકરીઓના પણ 18 વર્ષની ઉંમર પહેલાં લગ્ન કરાવી નહીં શકાય.
સમગ્ર મિલકતના વસિયતની છૂટ
કોમન સિવિલ કોડ (UCC) લાગુ થયા પછી કોઈપણ વ્યક્તિ પોતાની સંપૂર્ણ મિલકત વસિયતમાં આપી શકે છે. સમાન નાગરિક સંહિતા લાગુ થયા પહેલાં મુસ્લિમ, ખ્રિસ્તી અને પારસી સમુદાયો માટે વસિયતનામાના અલગ અલગ નિયમો હતા. હવે આ નિયમો બધા માટે સમાન રહેશે.
લગ્નની જેમ છૂટાછેડાનું પણ રજિસ્ટ્રેશન
જન્મ અને મૃત્યુની નોંધણીની જેમ લગ્ન અને છૂટાછેડાની નોંધણી પણ કરાવવી પડશે. આ રજિસ્ટ્રેશન વેબ પોર્ટલ દ્વારા પણ કરી શકાશે.
બીજા ધર્મના બાળકને દત્તક લઈ શકાશે નહીં
યુસીસી હેઠળ બધા ધર્મોના લોકોને બાળકોને દત્તક લેવાનો અધિકાર હશે, જોકે બીજા ધર્મના બાળકને દત્તક લઈ શકાશે નહીં.
અનુસૂચિત જનજાતિઓ યુસીસીના કાયદાની બહાર
બંધારણના અનુચ્છેદ 342માં ઉલ્લેખિત અનુસૂચિત જનજાતિઓને UCCમાંથી બાકાત રાખવામાં આવી છે, જેથી તે જાતિઓ અને તેમના રિવાજોનું રક્ષણ થઈ શકે. આ સિવાય ટ્રાન્સજેન્ડરોની પરંપરાઓમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકારની બ્રેક લાઈટ, એર બેગમાં છુપાવેલો ૨૫૮ બોટલ દારૂ પોલીસે શોધી કાઢો
February 04, 2025 03:20 PMશેમળા પાસે કંપનીમાં દિવાલ–દરવાજા વચ્ચે માથું આવી જતા યુવાનનું મોત
February 04, 2025 03:19 PMદાગીના–રોકડ, મોબાઇલ સાથેની બેગ વૃધ્ધા રિક્ષામાં ભૂલી ગયા હોય પોલીસે શોધી કાઢી
February 04, 2025 03:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech