રૂપેણ બંદર ખાતે શેરીમાં છોકરાઓ રમવા બાબતે બે પરિવારો વચ્ચે જૂથ અથડામણ: મહિલાઓ સહિત 19 સામે ગુનો

  • September 22, 2023 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોખંડના પાઇપ, કોસ જેવા હથિયારોનો થયો ઉપયોગ



દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં શેરીમાં રમતા છોકરાઓના રમવા બાબતે બુધવારે થયેલી જૂથ અથડામણમાં ત્રણ મહિલાઓ સહિત કુલ 19 સામે રાયોટીંગ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.


આ પ્રકરણમાં દ્વારકાના રૂપેણબંદર વિસ્તારમાં આવેલી મસ્જિદ સામે રહેતા આમદ સુલેમાનભાઈ ઇસબાની નામના 25 વર્ષના માછીમાર યુવાન દ્વારા નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના બહેન સાહેદ નજમાબેન તથા આરોપી જેનમબેન વિગેરેના છોકરાઓ શેરીમાં રમી રહ્યા હતા. ત્યારે જેનમબેને છોકરાઓને શેરીમાં રમવાની ના પાડતા આ બાબતે થયેલી બોલાચાલી પછી જેનમબેન કારા ઇસબાની, કારા ઓસમાન ઇસબાની, સલીમ લાખા, હારુન લાખા, અવેશ લાખા, અબુભખર લાખા, અબુ લાખા, અસરફ હારુન, આસીફ ઇસ્માઈલ, રહીમ કાસમ અને મામદ ઈશા લુચાણી નામના કુલ 11 શખસોએ ઝઘડો કરી, આરોપીઓએ એકસંપ કરી, ગેરકાયદેસર મંડળી રચીને લોખંડના પાઇપ તથા કોસ જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા.


આ પ્રકરણમાં આરોપીઓએ ફરિયાદી આમદ તથા તેમના પરિવારજનો સાથે ઝઘડો કરી, બિભત્સ ગાળો કાઢી, સાહેદ સુલેમાનભાઈ, હાજીભાઈ, જુમાભાઈ, જાવેદ વિગેરેને નાની-મોટી ઇજાઓ પહોંચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.


જે સંદર્ભે દ્વારકા પોલીસે આમદ ઇસબાનીની ફરિયાદ પરથી મહિલા સહિત કુલ 11 શખ્સો સામે આઈપીસી કલમ 323, 324, 325, 504, 506 (2), 143, 147, 148 149 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.


આ પ્રકરણમાં સામા પક્ષે જેનમબેન કરીમભાઈ ઓસમાણભાઈ ઇસબાની નામના 40 વર્ષના મહિલાએ રૂપેણબંદર વિસ્તારમાં રહેતા સુલેમાન ઈસ્માઈલ ઇસબાની, હાજી સુલેમાન ઇસબાની, આમદ સુલેમાન, જુમા સુલેમાન, કાસમ જાકુબ, જાવિદ જાકુબ, નજમાબેન સુલેમાન અને ફરીદાબેન હાજીભાઈ ઇસબાની સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના દીકરા સાથે આરોપી નજમાબેનના દીકરા વિગેરે શેરીમાં રમતા હોય, તેઓને આરોપી જેમનબેને રમવાની ના પાડતા આરોપી શખ્સો દ્વારા ગેરકાયદેસર મંડળી રચી, લોખંડના પાઇપ જેવા હથિયારો વડે ફરિયાદી જેનમબેન તથા તેમની સાથે સાહેદ અયુબ, અભુભખર, અવેસ વિગેરે ઉપર હુમલો કરી અને ઈજાઓ પહોંચાડી હતી.

આ પ્રકરણમાં દ્વારકા પોલીસે રાયોટીંગ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એ.એલ. બારસીયા દ્વારા હાથ વધારવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application