અમદાવાદમાં કોલ્ડપ્લેની ટીમનું ગ્રાન્ડ વેલકમ, હોટલમાં ટીમ પર ગુલાબની પાંદડીઓનો વરસાદ થયો, જુઓ વીડિયો

  • January 24, 2025 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દુનિયાભરમાં ધૂમ મચાવનાર બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેની ટીમનું અમદાવાદમાં આગમન થઈ ચૂક્યું છે. આશ્રમ રોડ પરની હયાત રિજન્સી હોટલમાં કોલ્ડપ્લેની ટીમની એન્ટ્રી થઈ ત્યારે હોટલ સ્ટાફે તેમના પર ગુલાબની પાંદડીનો વરસાદ કર્યો હતો. ઉષ્માભર્યું સ્વાગત જોઈ કોલ્ડપ્લેની ટીમ પણ અભિભૂત થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, 25 અને 26 જાન્યુઆરી એમ બે દિવસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાશે. જેને લઈને તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તેમજ કોન્સર્ટની કાળા બજારમાં ખરીદેલી ટિકિટ વેચવા લોકો હવે ટિકિટ વેચવા વોટ્સએપ પર હવાતિયા મારી રહ્યા છે. 


કોલ્ડપ્લેની ટીમ રિવર ક્રૂઝની મજા માણશે
ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર યોજાઈ રહેલા કોલ્ડપ્લે કોન્સર્ટની ટીમ અમદાવાદના રિવરફ્રન્ટ પર ક્રૂઝ સવારીની મજા માણશે. શક્યતા તો એવી પણ છે કે તેઓ અટલબ્રિજની મુલાકાત લેશે અને ફ્લાવર શો પણ જોવા જશે. જોકે અટલબ્રિજ અને ફ્લાવર શોની મુલાકાત અંગે હજુ કોઇ સત્તાવાર માહિતી નથી મળી, પરંતુ ટીમ ક્રૂઝ સવારી કરશે એ નક્કી છે. કોલ્ડપ્લેની ટીમ અમદાવાદની હયાત રિજન્સી હોટલમાં રોકાઈ છે, જ્યાંથી રિવરફ્રન્ટ લગભગ એકાદ કિલોમીટર દૂર જ છે એટલે ટીમ ત્યાં જશે.


રિવરફ્રન્ટ દેખાય એ રીતના રૂમ ફાળવાયા
ટીમને રિવર ફ્રન્ટ દેખાય એ રીતે ખાસ રૂમ ફાળવાયા છે. શેફ સૂર્યા નારાયણ કહે છે કે હયાત રિજન્સીનું લોકેશન પણ એવી જગ્યાએ છે, જેના કારણે અહીંથી આખો રિવરફ્રન્ટ જોવા મળે છે અને પ્રાઈમ લોકેશન દેખાય છે. તેમના તરફથી ઇમ્પોર્ટન્ટ ગેસ્ટનું લિસ્ટ આપવામાં આવ્યું છે. હોટલની ટીમે તે ગેસ્ટને એ રીતના રૂમ ફાળવ્યા છે. અહીં ટીમના જે પણ સભ્યો રોકાવાના છે તેમાંથી કોઇનો બર્થ ડે કે કંઇ સ્પેશિયલ દિવસ હશે તો તેના સેલિબ્રેશન માટેનું પણ અમે આયોજન કર્યું છે.



કોન્સર્ટ માટે સ્ટેડિયમમાં પહોંચતા પહેલાં વાહન ક્યાં પાર્ક કરવું?

  • પાર્કિંગ માટે 14 ખાનગી પ્લોટ
  • 2-વ્હીલર પાર્કિંગના: ₹150 રૂપિયા
  • 4-વ્હીલર પાર્કિંગના: ₹500 રૂપિયા
  • 16,300 વાહનો સચવાઈ શકે તેવી વ્યવસ્થા
  • આ રીતે ઓનલાઈન પાર્કિંગ કરો
  • શો માય પાર્કિંગ એપ ડાઉનલોડ કરો
  • "કોલ્ડપ્લે કોન્સર્ટ" પર ક્લિક કરો.
  • વાહનની વિગતો દાખલ કરીને પાર્કિંગ બુક કરો.
  • બુકિંગ કન્ફર્મ કર્યા પછી પેમેન્ટ કરો.


આ સિવાય પાર્કિંગ વિસ્તારોમાંથી, નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગેટ નંબર 1 સુધી ચાલીને અથવા સાત પાર્કિંગ પ્લોટથી મફત શટલ સેવાનો ઉપયોગ કરી પહોંચી શકે છે. ઉબેર અથવા ઓલા જેવી રાઇડ શેર સેવાઓનો ઉપયોગ કરતા લોકો માટે, ડ્રોપ-ઓફ 4D મોલ પર ઉપલબ્ધ રહેશે.​​​​​​​


કોન્સર્ટમાં પહોંચતા પહેલાં આ વાતનું રાખો ખાસ ધ્યાન

  • 5 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે પ્રવેશ પ્રતિબંધિત છે.
  • બેગ, પાવર બેંક, મોબાઇલ ફોન, પર્સ, તબીબી વસ્તુઓ અને પારદર્શક પાણીની બોટલ લઈ જઈ શકાશે.
  • પ્રતિબંધિત વસ્તુઓમાં મોટી બેગ અને બહારનો ખોરાક સામેલ છે.


આ કોન્સર્ટમાં આવનારા પ્રેક્ષકોએ ટિકિટ-પાર્કિંગની સાથે સાથે હોટેલ રૂમ બુક કરી લીધા છે. જેથી શહેરની હોટલોમાં આવેલા 15 હજાર જેટલા રૂમ્સ લગભગ ફુલ થઈ ગયા છે. આ સ્થિતિને કારણે સ્ટેડિયમ પાસે આવેલા છાપરાવાળાં ઘરોમાં પણ કોલ્ડપ્લે પ્રેમીઓ રૂમ બુક કરી રહ્યા છે.



નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સામે 400થી 500 નાનાં મોટાં ઘર આવેલાં છે. જ્યાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વર્લ્ડ કપ-2023 ફાઇનલ સમયે પણ આસપાસના રહીશોએ રૂમ ભાડે આપ્યા હતા. જેને કારણે પ્રેક્ષકોને સ્ટેડિયમથી નજીક જ રહેવાની સુવિધા મળે છે અને આસપાસના લોકો નાના-મોટા ધંધા દ્વારા કમાણી પણ કરી શકે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મુખ્ય પ્રવેશદ્વાર એટલે કે ગેટ નંબર-1 સામે જ ભાડેથી રૂમ મળી રહે છે. જેનું ભાડું રૂ.2,000 થી લઈને 5000 સુધીનું રહે છે તથા કેટલીક વખત થોડું દૂર ઘર હોય તો તેનાથી પણ ઓછા ભાવમાં ઘર અથવા તો રૂમ મળી રહે છે.


નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી 3-4 કિલો મીટરના અંતરમાં અનેક Airbnb એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન કરાવેલા ઘર અથવા રૂમ ઉપલબ્ધ છે. જેનું ભાડું પણ 2500થી લઈને 30 હજાર રૂપિયા સુધીનું છે. જોકે કેટલાંક ઘરમાં જમવાની સુવિધા હોતી નથી પણ બેડ, એસી અને સીસીટીવી કેમેરા સહિતની વિવિધ સુવિધા હોય છે. Airbnb એપ્લિકેશનમાં 25 અને 26 જાન્યુઆરી દરમિયાન બે લોકો માટે રહેવાનો ખર્ચ 40 હજાર સુધી પણ થઈ શકે છે, તેમાં જેવું ઘર એટલું ભાડું ચૂકવવું પડી શકે છે. તેના માટે પણ એડવાન્સ બુકિંગ જરૂરી છે. Airbnb પરના રૂમ અગાઉથી જ બુક થઈ ગયા છે. ખાસ કરીને અન્ય રાજ્યમાંથી આવતા પ્રેક્ષકો ઘરથી ચાલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી શકાય તેવા સ્થળની પસંદગી વધુ કરી રહ્યા છે.


આ કોન્સર્ટમાં શોદીઠ 1.25 લાખ લોકો ઉપસ્થિત રહેવાના હોવાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસની હોટલમાં રૂમ મળતા નથી. કોલ્ડપ્લેને કારણે કેટલીક મોટી હોટલોમાં સામાન્ય દિવસો કરતાં ભાડું બેથી ત્રણ ગણું થયું છે. જ્યારે કેટલીક હોટલોમાં 1થી 2 ટકા જેટલા વધારો થયો છે. હાલ કેટલીક હોટલના રૂમનાં ભાડાં તો 40થી 50 હજાર સુધી પહોંચી ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application