મહાશિવરાત્રી પર્વે ગોહિલવાડ બન્યુ શિવમય

  • March 08, 2024 02:29 PM 

આજે શુક્રવારે મહાશિવરાત્રી પર્વ નિમિતે ગોહિલવાડ શિવમય બન્યુ હતુ. ગોહિલવાડના ગામેગામમાં વહેલી સવારથી જ શિવજીની વિવિધ પ્રકારે પૂજા અર્ચના કરવામાં આવી હતી. શિવાલયો હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી ગૂંજી ઉઠયા હતા. ભાવનગર શહેરમાં શિવજીની બે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. ભાવિકોએ ઉપવાસ રાખી અને ભાંગનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. શિવરાત્રી નિમિત્તે શ્રીખંડ, મહક્કો અને કેરીના રસનું ઘૂમ વેચાણ થયું હતું.


  મહાશિવરાત્રી પર્વની આજે શુક્રવારે પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. ભાવિકો ભોળાનાથની ભક્તિમાં લીન બન્યા હતા. ગોટિલવાડના ગામે ગામ શિવાલયોમાં વિવિધ પ્રકારે ભોળાનાથની ભક્તિ કરવામાં આવી હતી. વહેલી સવારથી જ શિવાલયોમાં પૂજા, અર્ચના અને દર્શન માટે ભાવિકોની ભારે ભીડ જામી હતી.


  શિવજીને જળ, દુધ,કાળા તલ, મધ, શેરડીના રસથી અભિષેક કરી બિલિપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.ઓમ નમ: શિવાય અને હર હર મહાદેવના નાદથી શિવાલયો ગૂંજી ઊઠયા હતા. શિવાલયોમાં તેમજ અને કેટલીક જ્ઞાતિની વાડીઓમાં લઘુરુદ્ર, મહારુદ્ર અને મહાપ્રસાદના આયોજનો કરવામાં આવ્યા હતા. શહેરના અનેક શિવાલયો જેવા કે ભીડભંજન મહાદેવ, તખ્તેશ્વર મહાદેવ, નારેશ્વર મહાદેવ, થાપનાથ મહાદેવ, કૃષ્ણેશ્વર મહાદેવ, ઓમકારેશ્વર મહાદેવ, ચંદ્રેશવર મહાદેવ, સર્વેશ્વર મહાદેવ તેમજ શિહોરના નવનાથ સહિતના શિવાલયોમાં મહાઆરતી, દીપમાળા સહિતના આયોજનો કરવામાં આવ્યા હતા. શિવજીની ચાર પ્રહરની પૂજા કરવામાં આવશે.


 મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભાવીકો એ ઉપવાસ કે એકટાણું કર્યું હતું. ખાસ કરીને ભાવિકો શકારિયા અને દૂધ તેમજ શક્કરિયાનો શીરો રાજગરાની પૂરી, સુકી ભાજી, શ્રીખંડ, મઠઠો વગેરેનું ફરાળ કર્યું હતું. ભાંગનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. શિવાલયો નજીક ભાંગના વેચાણની લારીઓ વહેલી સવારથી ઉભી રહી હતી.


  આજે બપોર બાદ શહેરના જશોનાથ મંદિરથી શિવજીની શોભાયાત્રા નીકળશે. શહેરના રાજમાર્ગો પર ફરી ભીડભંજન મહાદેવ ખાતે મહાઆરતી કરી પૂર્ણ થશે. શહેરના ભરત નગર ખાતે આવેલા યોગેશવર નગરમાં મહાકાલંવર મહાદેવના મંદિરેથી સાંજે ૫ કલાકે ૧૫મી શોભાયાત્રાનો પ્રારંભ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application