રાજકોટ એઇમ્સ ખાતે ઓર્થોપેડિક સર્જરી વિભાગમાં રોજના 250 થી વધુ કેસ સાથે 22 હજારથી વધુ દર્દીઓનું થયું નિદાન

  • October 06, 2024 07:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એઇમ્સ માત્ર ઓ.પી.ડી. જ નહી પરંતુ ૨૫૦ બેડની ઈન્ડોર સુવિધા સાથે ટર્શરી ટ્રીટમેન્ટ આપવા માટે સજ્જ છે. પ્રવર્તમાન સમયમાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે, ત્યારે એઇમ્સ ખાતે ઈજાગ્રસ્ત લોકો માટે ૨૪X૭ ઇમર્જન્સી વિભાગ કાર્યરત છે અહીં ટ્રોમા ઇમર્જન્સી કેસ અને ખાસ કરીને હાડકાને લગતા કેસમાં તજજ્ઞ ડોક્ટર્સની ટીમ દ્વારા સેવા પુરી પાડવામાં આવી રહી છે.


એઈમ્સના ડિરેક્ટર ડો. સી.ડી.એસ. કટોચે ઇન્ડોર વિભાગમાં ઓર્થોપેડિકસ, આંખ  કાન નાક ગળા, ગાયનેક સહિતના વિવિધ વિભાગ કાર્યરત હોવાનું જણાવ્યું છે. જેમાં ખાસ કરીને હાડકાના વિભાગ અંગે તેઓએ  જણાવ્યું છે કે, ઓર્થોપેડિક સર્જરી વિભાગ રાજકોટ ખાતે ડિસેમ્બર ૨૦૨૧ થી કાર્યરત થયો છે. અહીં હાડકા અને સાંધા સંબંધિત તકલીફો અર્થે  સેવાઓ આપવામાં આવી રહી છે. જેનો રોજના ૨૫૦ થી વધુ દર્દીઓ લાભ લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં ૨૨,૧૯૩  જેટલા દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું છે .


જયારે ઇન્ડોર વિભાગનો પ્રારંભ સાથે એઇમ્સ ખાતે સ્પોર્ટ્સ ઇન્જરી, ઓર્થોપેડિક ટ્રોમા, પેડિયાટ્રિક ઓર્થોપેડિક્સ, આર્થ્રોપ્લાસ્ટી અને ઓર્થોઓન્કોલોજીના ક્ષેત્રમાં હાલ સુવિધાઓ વિકસાવી રહ્યા હોવાનું ડિરેક્ટરશ્રીએ જણાવ્યું છે . ઓર્થોપેડિક્સ વિભાગે ઓન્કોલોજી સંબંધિત સારવારની સફળ શરૂઆત સાથે વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં, અસ્થિ/સોફ્ટ ટિશ્યુ ટ્યુમરના અસંખ્ય કેસોની સારવાર અને ફોલોઅપ કરવામાં આવ્યું છે. તાજેતરમાં ફેમોરલ હેડના જાયન્ટ સેલ ટ્યુમરના એક દુર્લભ કેસમાં આઉટ ઓફ ધ બોક્સ અભિગમનો ઉપયોગ કરીને ઓપરેશન કરવામાં આવ્યું હોવાનું છે. આ સાથે દર્દીઓને અત્યાધુનિક કેન્સર કેર ઓફર કરવાની દિશામાં વધુ એક પગલું આગળ ભર્યું હોવાનું ડિરેક્ટરશ્રીએ ઉમેર્યું છે. અત્યાર સુધીમાં ગોઠણ અને થાપાના રિપ્લેસમેન્ટના ૨૭૦ જેટલા ઓપરેશન કરવામાં આવ્યા છે.



તબીબી સારવાર સાથોસાથ એઇમ્સ  મેડિકલ કોલેજના અંડર ગ્રેજ્યુએટ તેમજ અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે  ફેલોશીપ અર્થે ખાસ ઓર્થોપેડિક્સ શિક્ષણ પ્રોગ્રામ ચાલી રહ્યા છે. આવનારા સમયમાં ઓર્થોપેડિકસ વિભાગ ક્રિટિકલ સેવાઓના વિસ્તરણ સાથે ઉત્કૃષ્ઠ સારવાર પુરી પાડવા માટે ગતિશીલ હોવાનું ડો. કટોચે જણાવ્યું છે . 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News