ગો ફર્સ્ટ એરલાઇન્સને ફરીથી ઉડાનની મંજુરી મળી, હવાઈ ભાડા સસ્તા થશે

  • July 22, 2023 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એન્જીનોની સપ્લાય ઠપ્પ થતાં ગત ત્રીજી મેથી એરલાઇન્સ બંધ હતી



હવાઈ પ્રવાસ કરવા માંગતા લોકો માટે રાહતના સમાચાર છે. તાજેતરમાં બંધ થયેલી એરલાઈન ગો ફર્સ્ટને ફરીથી ઉડાન શરૂ કરવા માટે ડીજીસીએએ મંજૂરી આપી દીધી છે. જોકે, તેના માટે એરલાઈને કેટલીક શરતોનું પાલન કરવું પડશે. ગો ફર્સ્ટ પાસે કામગીરી ચલાવવા માટે કોઈ નાણાં ન હોવાના કારણે તેની ઉડાન બંધ કરવામાં આવી હતી. તાજેતરમાં ત્રીજી મેએગો ફર્સ્ટની ઉડાન બંધ થઈ તે અગાઉ તે 17 વર્ષથી સર્વિસમાં સક્રિય હતી.



ડીજીસીએએ એક નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું છે કે ગો ફર્સ્ટની સર્વિસ ફરી શરૂ કરવાની દરખાસ્ત સ્વીકારવામાં આવી છે. દરમિયાન આ અંગેની રિટ પિટિશનો હજુ હાઈ કોર્ટ અને એનસીએલટી સમક્ષ પેન્ડિંગ છે.



ડીજીસીએએ જણાવ્યું કે એર ઓપરેટર સર્ટિફિકેટ જાળવી રાખવું હોય તો ગો ફર્સ્ટએ લાગુ પડતી રેગ્યુલેટરી જરૂરિયાતો પૂરી કરવી પડશે. એરલાઈને એરક્રાફ્ટની એરવર્ધીનેસ જાળવી રાખવી પડશે. કંપની સંતોષજનક રીતે ફ્લાઈટ હેન્ડલિંગ કરશે તો જ એરક્રાફ્ટને સર્વિસમાં રાખી શકશે. આ ઉપરાંત તેના પ્લાનમાં કોઈ ફેરફાર થાય તો પણ ડીજીસીએને જાણ કરવી પડશે.



ગો ફર્સ્ટપાસે લગભગ 4200 કર્મચારીઓનો સ્ટાફ છે. માર્ચ 2022માં સમાપ્ત થયેલા નાણાકીય વર્ષમાં કંપનીની ઓપરેશન્સમાંથી આવક રૂ. 4183 કરોડ રૂપિયા હતી. કંપની પર રૂ. 11,463 કરોડ રૂપિયાનું દેવું છે. મે મહિનામાં કંપનીએ એનસીએલટી સમક્ષ સ્વૈચ્છિક દેવાળું જાહેર કર્યું હતું. કંપનીએ દાવો કર્યો હતો કે અમેરિકા સ્થિત એન્જિન ઉત્પાદક કંપની તેને એન્જિન સપ્લાય કરી શકી ન હોવાથી તેના વિમાનોનો ઉપયોગ થઈ શકતો નથી.



ગો ફર્સ્ટના આર પી શૈલેન્દ્ર અજમેરાએ તાજેતરમાં એરલાઈનના વેચાણ માટે સંભવિત બિડર્સ પાસેથી બિડ મગાવી હતી. આ બિડ સોંપવાની છેલ્લી તારીખ 9 ઓગસ્ટ છે અને સંભવિત રિઝોલ્યુશન એપ્લિકેશનનું સંભવિત લિસ્ટ 19 ઓગસ્ટે જાહેર કરવામાં આવશે. ગો ફર્સ્ટ પાસે એરબસ પ્રકારના વિમાનો છે પરંતુ તેના એન્જિનનો સપ્લાય ન હોવાના કારણે 54 એરબસ નીઓમાંથી અડધા વિમાન ઉડાન ભરી શકે તેમ ન હતા. તેના કારણે કંપનીની રેવન્યુને ફટકો પડ્યો હતો. એન્જિન ઉત્પાદક કંપનીએ જણાવ્યું કે ગો ફર્સ્ટ એરલાઈનના દાવા ખોટા છે અને તેની આ નાણાકીય સ્થિતિ માટે કંપની જ જવાબદાર છે.


ગો ફર્સ્ટની સર્વિસ શરૂ થઈ જાય તો પ્રવાસીઓને ઘણી રાહત મળશે કારણ કે એરલાઈન બંધ થઈ ત્યારથી વિમાનની ટિકિટના દરમાં મોટો ઉછાળો આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application