વોર્ડ નં.૧૧માં ભૂગર્ભ ગટરનું કામ નબળુ હોવાની પૂર્વ ડે.મેયરનો આક્ષેપ

  • November 07, 2023 12:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મ્યુ.કમિશ્નરને લખેલા પત્રમાં ૨૦૦૫થી ૨૦૨૧ સુધી ભૂગર્ભ ગટરનું લેવલ ચેક કરાયું નથી અને ગેપટીસ મુકાયા નથી: પૂર્વ ડે.મેયર દ્વારા હજુ પણ ડે.મેયરના લેટરનો ઉપયોગ

જામનગરમાં સતાધારી પક્ષના કોર્પોરેટરોને વોર્ડ નં.૧૧માંથી ચૂંટાઇને આવેલા પૂર્વ ડે.મેયર તપન જસરાજભાઇ પરમારે મ્યુ. કમિશ્નરને પત્ર લખીને એવો આક્ષેપ કર્યો છે કે વોર્ડ નં. ૧૧માં થયેલુ ભુગર્ભ ગટરનું કામ નબળું છે, ભુગર્ભ ગટરના ગંદા પાણીના નિકાલ અંગે હજુ કોઇ કાર્યવાહી કરાઇ નથી, આ અંગે તાત્કાલીક પગલા લઇ કાર્યવાહી કરવાની માંગણી ખુદ શાસકપક્ષના કોર્પોરેટર અને પુર્વ ડે. મેયરે આક્ષેપ કરતા સનસનાટી મચી ગઇ છે, બીજી તરફ તા. ૪-૧૧-૨૩નો પુર્વ ડે. મેયરનો પત્ર હજુ પણ ડે. મેયર તરીકે આવ્યો છે.
મ્યુ. કમિશ્નરને લખેલા પત્રમાં જણાવાયું છે કે વોર્ડ નં. ૧૧માં ભુગર્ભ ગટરનું કામ ડી.આર. અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું છે તે નબળી કક્ષાનું છે, અગાઉ પુર્વ નગરસેવક જશરાજભાઇ પરમારે પણ આ અંગે અનેક ફરીયાદો કરેલ છે તે વખતના મેયર અને વિરોધ પક્ષના નેતા દ્વારા નબળી કામગીરી તથા રોજકામ પણ કરાયું છે તેમજ ૨૦૦૫ થી ૨૦૨૧ સુધી ભુગર્ભ ગટરનું કામ લાઇન લેવન ચેક કરવામાં આવેલ નથી, ઉપરાંત ગેપ પીસ મુકવામાં આવ્યા નથી આ અંગે અનેક વખત રજુઆત કરવા છતા પણ ભુગર્ભ ગટરનું કામ નબળી ગુણવતાવાળુ કરાયું છે અને ભુગર્ભ ગટરના ગંદા પાણીના નિકાલ અંગે પણ કોઇપણ કાર્યવાહી લગત શાખા દ્વારા કરાઇ નથી.
આ પ્રશ્ર્નનો તાત્કાલીક ઉકેલ લાવવા ખુદ શાસકપક્ષના કોર્પોરેટરે પત્ર લખ્યો છે અને આ કામમાં જવાબદાર અધકારીઓ સામે શિક્ષાત્મક પગલા લેવા પણ માંગણી કરી છે, ભુગર્ભ ગટરની ત્રણ મહીનાની ટેન્ડર પ્રક્રિયા થયેલ છે તેમ છતા આજ સુધી કોઇપણ કાર્યવાહી કરવામાં આવી નથી માટે ભુગર્ભ ગટરનું કામ તાત્કાલીક કરાવવા માંગણી કરી છે. આ અંગે સાંસદ, ધારાસભ્ય અને મેયરને પણ પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application