જામનગરમાંથી પાંચ મોબાઈલ, ચાંદી સાથે એકની અટકાયત

  • November 25, 2023 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એલસીબીએ દબોચી લીધો : ૫૬ હજારનો મુદામાલ કબ્જે

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમના સ્ટાફે ચોરાઉ મનાતા પાંચ નંગ મોબાઈલ એક સ્કૂટર, તેમજ ચાંદી ના સાંકળા સાથે એક તસ્કર ને ઝડપી લીધો છે, અને ચોરાઉ સામગ્રી કબજે કરી લઈ તેની વિશેષ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમના અરજણભાઇ, મયુદીનભાઇ અને વનરાજભાઇને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગર નજીક લાલપુર બાયપાસ પાસે આવેલા પુલિયા નજીક એક શખ્સ ઉભો છે, જેની પાસે ચોરાઉ મનાતા મોબાઈલ ફોન, સ્કૂટર, ચાંદીના સાંકળા સહિતની સામગ્રી છે.
 જે બાતમીના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી જામનગરમાં અંબર ચોકડી પાસે રહેતા ઉદલ કનૈયાલાલ પરમાર નામના શખ્સને અટકાયતમાં લઈ લીધો હતો, જેની તલાસી લેતાં તેના કબજામાંથી ૧૦ ગ્રામ ચાંદીનું સાંકળું, બે વીંટી  મળી આવી હતી.
ઉપરાંત જુદી-જુદી કંપનીના પાંચ નંગ મોબાઈલ ફોન તેમજ એક એકટીવા સ્કૂટર નં. જીજે૧૦કે-૫૬૭૯ વગેરે મળી આવ્યા હતા. જેના બિલ આધાર વગરેની માંગણી કરતાં તેના બિલ રજૂ કરી શક્યો ન હતો, અને ઉપરોક્ત તમામ સામગ્રી ચોરી અથવા છળ કપટથી મેળવી લીધી હોવાનું જાણવા મળ્યું હતું. તેથી પોલીસે રૂપિયા ૫૬,૧૦૦ની માલમતા કબજે કરી લઇ આરોપીને વિશેષ પૂછપરછ હાથ ધરી છે.
***
જામનગર અને કાલાવડમાંથી બે મોટરસાયકલની ઉઠાંતરીથ ઠંડીની મોસમ સાથે જ વાહન ચોર ટોળકી સક્રિય
જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીની મોસમની શરૂઆતની સાથે જ વાહન ટોળકી ફરીથી સક્રિય બની ગઈ છે, અને છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરમાંથી એક બાઈક તસ્કરો ચોરી ગયા છે, તે જ રીતે કાલાવડના ગ્રામ્ય પંથક માંથી પણ એક મોટરસાયકલ ની ચોરી થઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
જામનગરમાં મયુરનગર વામ્બે આવાસ, આઠ માળીયા બ્લોકમાં રહેતા કાનજીભાઈ છગનભાઈ ઢાપાએ પોતાના બ્લોકના પાર્કિંગમાં રાખેલું પોતાનો જી.જે. ૧૦ સી.આર. ૦૫૮૩ નંબરનું બાઈક કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.જયારે કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામમાં રહેતા અને ખેતીકામ કરતા જયેશભાઈ ભીખાભાઈ સીતાપરા નામના ખેડૂતે પોતાના રહેણાક મકાન ની બહાર પાર્ક કરેલું પોતાનું જીજે -૩ બી.સી. ૫૮૪૧  નંબરનું બાઈક કોઈ તસ્કર ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાવી છે.
***
મીઠાપુરમાં તસ્કરોનો તરખાટ : ત્રણ સ્થળોએ હાથફેરો: સવા લાખના મુદ્દામાલની ચોરી : એફએસએલની મદદથી તપાસ
મીઠાપુર ટાઉન વિસ્તારમાં એક શિક્ષિકા સહિત ત્રણ આસામીઓના રહેણાંક મકાનમાં તસ્કરોએ ત્રાટકી, કુલ ૧.૨૦ લાખના મુદ્દામાલની ચોરી થયાના બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણ અંગે મીઠાપુરની ટાટા ટાઉનશિપના ક્વાર્ટરમાં રહેતા અને શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હીનાબેન કિરણભાઈ ગોંડલીયા (ઉ.વ. ૫૨) એ મીઠાપુર પોલીસ મથકમાં જાહેર કરેલી વિગત મુજબ ગત તારીખ ૨૦ નવેમ્બરથી તારીખ ૨૩ સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરોએ તેમના રહેણાંક મકાનમાં અનધિકૃત રીતે પ્રવેશ કરી અહીં રૂમના દરવાજાનો નકુચો તોડી અને રૂમમાં રહેલા કબાટનું તાળું તોડી, તેમાં રાખવામાં આવેલા રાખવામાં આવેલા રૂપિયા ૧૬,૧૫૩ ની કિંમતના સોનાના પેન્ડલ તથા રૂપિયા ૨,૧૪૭ ની કિંમતની સોનાની વીંટી ઉપરાંત ૭૯,૭૦૦ મળી કુલ રૂપિયા ૯૮,૦૦૦ ના મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું છે.
આટલું જ નહીં, આ વિસ્તારમાં તસ્કરોએ વધુ એક આસામી એવા વિનોદભાઈ અબ્રાહમભાઈના ટાઉનશીપ ક્વાર્ટરમાંથી સોનાની એક જોડી બુટી, ગોલ્ડ કોઇન તથા ૯,૦૦૦ રૂપિયા રોકડા મળી કુલ રૂપિયા ૧૭,૦૦૦ તેમજ અન્ય એક આસામી જીગરભાઈ દિલીપભાઈના કવાર્ટરમાંથી પણ રૂપિયા ૨,૦૦૦ રોકડા, ચાંદીની બંગડી મળી કુલ રૂપિયા ૫,૦૦૦ નો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયા હોવાનું પણ આ ફરિયાદમાં જાહેર થયું છે.
આમ, તસ્કરોએ ત્રણ સ્થળેથી મળી કુલ રૂપિયા ૨૯,૩૦૦ રોકડા તેમજ ૯૦,૭૦૦ ની કિંમતના દાગીના મળી, કુલ રૂપિયા ૧.૨૦ લાખના મુદ્દામાલની ચોરી કરીને લઈ ગયા હોવાનો બનાવ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાયો છે. આ  મામલે પોલીસે આઈપીસી કલમ ૩૮૦, ૪૫૪ તથા ૪૫૬ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ઇન્ચાર્જ પી.આઈ. એમ.ડી. મકવાણા દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application