જીતુ લાલ, ધરમશી ચનિયારા, લુણાભા સુંભણીયા, રાજુભાઇ વાદી, પી.એસ. જાડેજા: જામનગર જિલ્લા બેંકના ચેરમેન પદ માટે પાંચ દાવેદાર

  • December 26, 2023 01:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાનુભાઇ મહેતા દ્વારા અટલ ભવન ખાતે સેન્સ લેવામાં આવી: વાઇસ ચેરમેન, એમ.ડી. અને જીએસસી બેંકના પ્રતિનિધિ માટે ચૂંટણીની આડે બે દિવસ બાકી: પ્રદેશ કોના નામનું વ્હીપ આપશે ? તેને લઇને સહકારી ક્ષેત્રમાં અંદરખાને ભારે ચર્ચા

જામનગર જિલ્લા સહકારી બેંકના ચેરમેન પદ માટે પાંચ દાવેદારોના નામ સામે આવ્યા છે, ગઇકાલે ડીસ્ટ્રીક્ટ બેંકની આગામી ચૂંટણી પૂર્વે પૂર્ણ થયેલી સેન્સની પ્રક્રિયા બાદ નામ સપાટી પર આવ્યા છે અને હવે જોવાનું એ રહે છે કે, આ પૈકી ક્યાં નામ પર પ્રદેશ તરફથી મંજુરીની મ્હોર મારીને વ્હીપ આપવામાં આવે છે ?
તા. ર૯ ના રોજ જામનગર ડીસ્ટ્રીક્ટ કો.ઓપ. બેંકના ચેરમેન, વાઇસ ચેરમેન, એમ.ડી. અને જીએસસી બેંકના પ્રતિનિધિ જેવા ચાર હોદ્દા માટે ચૂંટણી થવાની છે અને સહકારી ક્ષેત્ર માટે આ બેંક મહત્વની હોવાથી ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર પરના પ્રભુત્વ માટે ઉપયોગી હોવાથી ચેરમેન પદને લઇને ભલે ખુલ્લંખુલ્લા નહીં તો અંદરખાને દર વખતે એડીચોટીનું જોર લગાવવામાં આવે છે, એ જ રીતે આ વખતે પણ તાકાત લગાડવામાં આવશે.
ગઇકાલે અટલ ભવન ખાતે જામનગરના પ્રભારી અને પ્રદેશ આગેવાન ભાનુભાઇ મહેતા દ્વારા ડીસ્ટ્રીક્ટ બેંકની ચૂંટણીના અનુસંધાને સેન્સ લેવામાં આવી હતી અને ત્યાં જે તે દાવેદારોના નામ મુકવામાં આવ્યા હતા, સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ પ્રભારી દ્વારા દરેક દાવેદારને વ્યક્તિગત રીતે સાંભળવામાં આવ્યા હતા.
બપોરે ૧ વાગ્યા બાદ સેન્સની પ્રક્રિયા શરુ થઇ હતી અને પૂર્ણ થયા બાદ જાણવા મળ્યા મુજબ જિલ્લા બેંકના ચેરમેન પદ માટે જે નામ સપાટી પર આવ્યા છે તેમાં જીતુ લાલ, ધરમશી ચનીયારા, રાજુભાઇ વાદી, લુણાભા સુમણીયા અને વર્તમાન ચેરમેન પી.એસ. જાડેજાનો સમાવેશ છે.
પ્રભારી તમામના દાવા સહિતની મહત્વની વિગતો પ્રદેશ સમક્ષ મૂકશે અને એ પછી કદાચ આગામી કલાકોમાં પ્રદેશમાં જામનગરની જિલ્લા બેંકના ચેરમેન પદ માટે નામ નક્કી થઇ જવાની ધારણા છે, જો કે ભાજપની નીતિરીતિ મુજબ કોન બનેગા ચેરમેન ? એ મુદ્દો તા. ર૯મી સુધી સસ્પેન્સ જ રહેશે, પ્રદેશ તરફથી વ્હીપ મોકલવામાં આવશે અને તેમાં ચેરમેન પદનું નામ તા. ર૯મીએ જ જાણવા મળશે, આ ઉપરાંત અન્ય ત્રણ હોદ્દાના નામ પણ સાથે આવી જશે.
અત્રે નોંધનીય છે કે, જામનગર ડીસ્ટ્રીક્ટ બેંક તરફથી ચાલુ વર્ષમાં જ જિલ્લામાં રુા. ૮૮૮ કરોડનું ધિરાણ આપવામાં આવ્યું છે, પાછલા વર્ષો કરતા બેંક મજબુત પણ બની છે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં આ બેંક તરફથી ધિરાણ અપાતું હોવાથી પરોક્ષ રીતે રાજકારણ ઉપર પર ડીસ્ટ્રીક્ટ બેંકની સત્તા ક્યાંકને ક્યાંક અસરકર્તા રહે છે.
એટલા માટે જ ચેરમેન પદનો તાજ મહત્વનો બની રહે છે અને તમામ લેખા જોખાં કર્યા બાદ નામ નક્કી કરવામાં આવતું હોય છે, ભૂતકાળમાં ચેરમેન પદને લઇને સારા એવા ખેલ ખેલાતા હતા, જો કે હવે તો પ્રદેશ ભાજપ તરફથી ચેરમેન પદનું નામ નક્કી થવાનું હોવાથી દાવો કરવા સિવાય બીજા કોઇ કરતબ, કોઇપણ ઇચ્છુક કરી શકે એવી કોઇ શક્યતા લાગતી નથી.
જિલ્લા બેંકનું સુકાન જામનગર અને દેવભૂમિ બે જિલ્લાના રાજકારણ પર પ્રતિબિંબ પાડતું હોવાથી અને લોકસભાની ચૂંટણી પણ નજીક હોવાથી નિમણુંક મહત્વની બની રહેશે. તા. ર૯મીએ પડદો ઉઠી જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application