ખંડવામાં મશાલ સરઘસ દરમિયાન લાગી આગ, 50 દાઝ્યા, 12 ગંભીર

  • November 29, 2024 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મધ્યપ્રદેશના ખંડવામાં યોજાયેલા મશાલ સરઘસ દરમિયાન એક માંશાલ્માંથી અચાનક જ તેલ ઢોળાવાને લીધે ભયંકર આગ ફાટી નીકળી હતી, જેમાં 50 લોકો દાઝી ગયા હતા, જેમાંથી 12ની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. 26/11ના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે ખાસ સભા યોજવામાં આવી હતી જેમાં આ દુર્ઘટના ઘટી હતી. ખંડવાના ઘંટાઘર ચોક ખાતે મશાલ સરઘસ દરમિયાન આ આગ ફાટી નીકળી હતી. ઘાયલોને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું અને તેમની સારવાર ચાલી રહી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતા અને જરૂરી કાર્યવાહી શરુ કરી હતી. ખંડવાના એસપી મનોજ રાયે જણાવ્યું કે આ એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ હતો. જ્યારે ક્લોક ટાવર પર કાર્યક્રમ પૂરો થઈ રહ્યો હતો ત્યારે કેટલીક મશાલ મૂકતી વખતે ઊંધી પડી ગઈ હતી, જેના કારણે તેમાં રહેલ લાકડાંનો વહેર અને તેલના કારણે આસપાસની મશાલ જોરથી સળગી ગઈ હતી. જેના કારણે ત્યાં એક વર્તુળમાં ઉભેલા લોકો દાઝી ગયા હતા. જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. મોટાભાગના લોકોના ચહેરા અને હાથ દાઝી ગયા છે. 50 લોકોને જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જેમાંથી 12 લોકોની હાલત વધુ ગંભીર છે. બાકીનાને પ્રાથમિક સારવાર બાદ ઘરે મોકલી દેવામાં આવ્યા છે.
ખંડવામાં અગાઉ થયેલી ત્રિપલ હત્યા અને આતંકવાદના વિરોધમાં રાષ્ટ્રભક્ત વીર યુવા મંચ દ્વારા મશાલ માર્ચ કાઢવામાં આવી હતી. હૈદરાબાદના ગોશામહલ વિધાનસભાના ધારાસભ્ય ટી રાજા અને ભાજપ્ના મહિલા નેતા નાઝિયા ઈલાહી ખાને પણ આ કાર્યક્રમના સ્ટેજ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો.જો કે તેઓ સમયસર નીકળી ગયા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application