ગુજરાતના ખેડૂતોને મળશે ડિજિટલ ઓળખ! દેશમાં સૌપ્રથમ ગુજરાતમાં 33% ખેડૂતોએ કરાવી નોંધણી

  • December 07, 2024 10:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આપણા દેશના ખેડૂતો હવે ડિજિટલ યુગમાં પ્રવેશી રહ્યા છે! વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરદર્શી વિઝન હેઠળ દેશના દરેક ખેડૂતને હવે એક અનોખી ઓળખ મળશે. ગુજરાતમાં આ દિશામાં એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના પ્રયાસોથી ગુજરાતમાં ફાર્મર રજિસ્ટ્રીમાં ૩૩% ખેડૂતોની નોંધણી પૂર્ણ થઈ છે. આ સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. આનો અર્થ એ થયો કે, આપણા રાજ્યના લાખો ખેડૂતો હવે સરકારી યોજનાઓનો સરળતાથી લાભ લઈ શકશે.


શું છે ફાર્મર આઈડી?
ફાર્મર આઈડી એ ખેડૂતો માટે એક ડિજિટલ ઓળખ છે. આ આઈડીના માધ્યમથી ખેડૂતોની જમીન, પાક, અને અન્ય વિગતો સરળતાથી ઉપલબ્ધ થશે. આનાથી ખેડૂતોને સરકારી યોજનાઓનો લાભ મેળવવામાં સરળતા રહેશે.


કેવા ફાયદા થશે?
સરળતાથી યોજનાનો લાભ: ખેડૂતોને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે લાંબી કતારોમાં ઊભા રહેવાની જરૂર રહેશે નહીં.
પારદર્શિતા: ફાર્મર આઈડીના કારણે સરકારી યોજનાઓનું વિતરણ પારદર્શક બનશે.
ઝડપી સેવા: ખેડૂતોને સરકારી સેવાઓ ઝડપથી મળશે.


શા માટે છે આટલું મહત્વનું?
આપણા ખેડૂતો દેશની કરોડરજ્જુ છે. તેમને સશક્ત બનાવવા માટે આવી ડિજિટલ પહેલો ખૂબ જ જરૂરી છે. ફાર્મર આઈડીથી ખેડૂતોને આત્મનિર્ભર બનવામાં મદદ મળશે.


વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશના દરેક ખેડૂતને હવે એક આગવી ઓળખ મળશે. એક વિશેષ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેંડ રેકર્ડને યુનિક આઈ.ડી સાથે લીંક કરવા માટે ગત તા. ૧૫ ઓક્ટોબરથી ફાર્મર રજીસ્ટ્રી શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં પી.એમ. કિસાન યોજનાના ૬૬ લાખ જેટલા ખેડૂત લાભાર્થીઓની ફાર્મર રજીસ્ટ્રી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. જેની સામે અત્યાર સુધીમાં રાજ્યના ૨૨ લાખ ખેડૂતો એટલે કે, ૩૩ ટકાથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ થઇ છે. 


ગુજરાત ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં સમગ્ર દેશમાં પ્રથમ છે. ફાર્મર રજીસ્ટ્રીને વેગવાન બનાવવા ભારત સરકારે વિવિધ પ્રોત્સાહનો પણ જાહેર કર્યા છે. જે મુજબ કુલ લક્ષ્યાંક સામે ૨૫ ટકાથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ કરી હોય, તેવા રાજ્યોને ભારત સરકાર તરફથી “સ્પેશિયલ સેન્ટ્રલ આસીસ્ટન્સ’ તરીકે રૂ. ૮૨ કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ આપવામાં આવશે. સમગ્ર દેશમાં ગુજરાતે સૌપ્રથમ ૨૫ ટકા નોંધણી પૂર્ણ કરતા, ભારત સરકાર તરફથી ગુજરાતને રૂ. ૮૨ કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ આપવામાં આવશે, જેનો ઉપયોગ ગુજરાતના વિવિધ ખેડૂત હિતલક્ષી પ્રોજેક્ટમાં થશે. 


આ ઉપરાંત કુલ લક્ષ્યાંક સામે ૫૦ ટકાથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ કરી હોય, તેવા રાજ્યોને રૂ. ૧૨૩ કરોડ સ્પેશિયલ સેન્ટ્રલ આસીસ્ટન્સ આપવામાં આવશે. રાજ્ય સરકારના પ્રયાસો થકી ફાર્મર રજીસ્ટ્રી વધુ વેગવાન બની છે. ગુજરાતમાં ૩૩ ટકાથી વધુ નોંધણી પૂર્ણ થઇ છે. ટૂંક સમયમાં રાજ્ય સરકાર ૫૦ ટકાનો લક્ષ્યાંક પણ પૂર્ણ કરશે અને ભારત સરકાર તરફથી રૂ. ૧૨૩ કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ મેળવવાને પાત્ર બનશે. 



અત્રે ઉલ્લેખનીય છે કે, ફાર્મર રજીસ્ટ્રી હેઠળ દરેક ખેડૂતને આધાર આઈ.ડી.ની જેમ એક ૧૧ ડિજિટની યુનિક ફાર્મર આઈ.ડી આપવામાં આવશે, જેમાં ખેડૂતોની જમીન સહિતની વિવિધ વિગતો ઉપલબ્ધ રહેશે. આ આઈ.ડી.ના માધ્યમથી ખેડૂતોને રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ હિતલક્ષી યોજનાઓનો લાભ સરળતાથી, પારદર્શકતાપૂર્વક અને સમયસર મળશે. ભારત સરકારની સૂચના અનુસાર ગુજરાતમાં ફાર્મર રજીસ્ટ્રી આગામી તા. ૨૫-૦૩-૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application