દિવાળી પછી પણ સસ્તા અનાજની 51% દુકાનોમાં માલ ન પહોંચતા એજન્સીને નોટિસ

  • November 17, 2023 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સમાજના ગરીબ અને નબળા વર્ગના લોકો પણ દિવાળીના તહેવારો સારી રીતે ઉજવી શકે તે માટે સરકાર દ્વારા નવેમ્બર માસનો જથ્થો ઓક્ટોબર માસના અંતિમ સપ્તાહમાં ફાળવી દીધો હોવા છતાં અને સસ્તા અનાજના વેપારીઓએ માલ પેટે નાણા જમા કરાવી પરમિટ મેળવી લીધી હોવા છતાં આજે પણ રાજકોટ શહેર અને જિલ્લાની 51% જેટલી દુકાનો એવી છે કે ત્યાં હજુ માલ પહોંચ્યો નથી.

ગરીબ વર્ગના લોકો માટે તો આ દિવાળીએ ઊલમાંથી ચુલમાં પડ્યા જેવું થયું છે. દિવાળીના તહેવારો દરમિયાન વિતરણ વ્યવસ્થા ખોરવી નાખવાની ચેતવણી સસ્તા અનાજના વેપારીઓએ આપી હડતાલની જાહેરાત કરી હતી પરંતુ સરકારની સમજાવટથી વેપારીઓએ હડતાલ પાછી ખેંચી હતી. પરંતુ આમ છતાં ગરીબોને દિવાળીના તહેવારોમાં માલ મળ્યો નથી તે વાસ્તવિકતા છે.

દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી સમયસર માલ પહોંચાડવા માટે ડોર સ્ટેપ ડિલિવરી નો કોન્ટ્રાક્ટ સંભાળનાર એજન્સીને તહેવારો પહેલા જ તાકીદ કરવામાં આવી હતી પરંતુ મજૂર મળતા નથી તેવું કહીને પૂરી વ્યવસથા ન કરાતા માત્ર 49 ટકા દુકાનોમાં માલ પહોંચ્યો છે અને 51% સસ્તા અનાજના દુકાનદારો પોતાને ક્યારે માલ મળશે તેની રાહ જોઈને બેઠા છે.
દિવાળીના તહેવારો પસાર થઈ ગયા છતાં હજુ સસ્તા અનાજના વેપારીઓને માલ ન મળતા ભારે દેકારો બોલી ગયો છે. આ સમગ્ર બાબત કલેકટરના ધ્યાન પર આવતા તેમણે એજન્સીને દિવાળીના તહેવારો દરમિયાન જ નોટિસ પાઠવી દીધી છે. નોટિસનો જવાબ પાઠવવા માટે જે સમયગાળો આપવામાં આવ્યો હતો તે પણ હવે પૂરો થવામાં છે અને એકાદ બે દિવસમાં નોટિસનો જવાબ નહીં મળે અથવા તો જવાબ યોગ્ય નહીં જણાય તો એજન્સી ને દંડ ફટકારવા સહિતની કાર્યવાહી કરીને ગાંધીનગર તેની જાણ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application