અમરેલી સિવિલની કેન્ટીનમાંથી ૨.૧૯ લાખની વીજચોરી પકડાઇ

  • July 11, 2023 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી સિવિલ હોસ્પિટલ શાન્તાબા ગજેરા ટ્રસ્ટ ના હવાલે કરાયા બાદ અનેક ચર્ચાના એરણે ચડેલ છે.શાન્તાબા જનરલ હોસ્પિટલ સાથે સરકારે કરેલ એમ.ઓ.યુ. ના નિયમોનો સરેઆમ ઉલાળિયો કરવામાં આવી રહ્યાની ઘટનાઓ અનેક વાર સામે આવી રહેલ છે.જેમાં વધુ એક ઘટનામાં સિવિલ હોસ્પિટલ કેમ્પસ માં ખાનગી કેન્ટીન ખોલી નાખી ગજેરા ટ્રસ્ટ દ્વારા આ કેન્ટીનમાં ગેરકાયદેસર વીજળી સપ્લાય કરવાની ઘટનામાં વીજ કંપની દ્વારા રૂ.૨.૧૯ લાખનો દંડ ફટકારવામાં આવેલ હતો.
પ્રાપ્ત વિગત મુજબ અમરેલી જિલ્લાની સત્તર લાખની જનતાની આરોગ્ય લક્ષી સારવાર જેમના શિરે છે.તેવી શાન્તાબા જનરલ હોસ્પિટલ ખુદ વિવાદના વંટોળ વચ્ચે માંદગીના બિછાને સપડાયેલ હોય તેવો ઘાટ ઘડાયેલ છે  ડમ ડમ ઢોલ માંહે પોલ  ની કહેવતને સાર્થક કરતી હાલત શાન્તાબા જનરલ હોસ્પિટલની સર્જાયેલ છે.આ હોસ્પિટલ ના કેમ્પસ માં સરકારી નિયમોનો સરેઆમ ઉલાળિયો કરી ઘરના નિયમો ઠોકી બેસાડી કેન્ટીન ધમધમતી કરી દીધેલ છે.આ કેન્ટીન ને શાન્તાબા જનરલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર માંથી વીજ પાવર આપવા અંગે અમરેલી વીજ કંપની દ્વારા ચેકીંગ હાથ ધરી વીજ ચોરી ઝડપી લેવામાં આવેલ હતી.સરકારી દવાખાનામાં વીજ યુનિટના દર નોર્મલ હોય છે.જયારે ખાનગી કેન્ટીન /રેસ્ટોરેન્ટ માં વીજ યુનિટના દર વધુ હોય છે.તેમજ નિયમાનુસાર સરકારી દવાખાનાના વીજ કનેક્શન માંથી કોઈ પણ ખાનગી વ્યક્તિને વીજ સપ્લાય આપી શકાય નહિ તેમ છતાં પણ શાન્તાબા જનરલ હોસ્પિટલ ના સંચાલકો દ્વારા આ ખાનગી કેન્ટીનમાં વીજ જોડાણ આપવામાં આવેલ હતું વીજ કંપની દ્વારા વીજ ચેકીંગ હાથ ધરી ગત તા.૩/૫/૨૦૨૩ ના રોજ રૂ.૧.૨૨.૨૭૯ તેમજ તા.૯/૬/૨૦૨૩ ના રોજ રૂ.૯૭૫૦૭ સહીત કુલ રૂ.૨.૧૯.૭૮૬ વીજ ચોરી અંગે શાન્તાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ તેમજ ટ્રોમા સેન્ટરને દંડ ફટકારવામાં આવેલ હતો.શાન્તાબા જનરલ હોસ્પિટલ માંજ  વાડ જ ચીભડાં ગળે  કહેવતને સાર્થક કરતી વીજ ચોરીની ઘટના ઝડપાતા મોટા માનવીના મોટા કારનામા જેવી ચર્ચા શહેર  ભરમાં ઉઠેલ હતી.ત્યારે વીજ કંપની દ્વારા આ વીજ ચોરીમાં મોટા માનવીની કેટલી વીજ ચોરીની રકમ માફ કરાય છે.તે દિશામાં સૌની મીટ મંડાયેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application