ખાડા-ખડબાં, વરસાદી પાણીના નિકાલ બાબતે ધ્રોલવાસીઓ આકરા પાણીએ: ચક્કાજામ

  • July 06, 2023 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જો ૨૪ કલાકમાં સમસ્યાનો નિકાલ કરવામાં ન આવે તો રસ્તો બંધ કરવાની અપાતી ચીમકી

ધ્રોલમાં જોડીયા રોડ પર વર્ષોથી વરસાદી પાણીના નિકાલની સમસ્યા વચ્ચે દુકાનોમાં પાણી ધુસી જતા ભારે નુકશાનીના આક્રોશ સાથે દુકાનદારોએ પાલિકાને રજુઆતમાં ગટર લાઇનથી પાણી નિકાલ કરી રોડ બનાવવા માંગણી કરી હતી. જો ૨૪ કલાકમાં સમસ્યાનો નિકાલ કરવામાં નહી આવે તો રસ્તો બંધ કરવાની ચિમકી બાદ બુધવારે સવારે વેપારીઓએ જોડીયા રોડ પર દુકાનો બંધ રાખી ચક્કાજામ કર્યો હતો. વાહનોની બંને બાજુ મોટી કતારો થઇ ગઇ હતી. પોણો કલાક સુધી તંત્રનાં અધિકારીઓ ન ફરકતા પીએસઆઇની સમજાવટથી રસ્તો ખુલ્લો કરાવાયો હતો. ત્યારબાદ મામલતદારે ચીફ ઓફીસર અને માર્ગ-મકાન વિભાગનાં અધિકારીઓને સાથે મળી સમસ્યાનો નિકાલ કરવા સુચના આપી હતી. જોડીયા રોડના દુકાનદારો દ્વારા પાલિકાને રજુઆતમાં જણાવ્યા મુજબ અત્રે ઘણા સમયથી વરસાદી પાણીનો નિકાલ ન થવાની સમસ્યાથી ગ્રસિત છે. અવારનવાર દુકાનદારો દ્વારા રજુઆત છતા હજુ સુધી તેનો ઉકેલ આવ્યો નથી. તાજેતરના વરસાદમાં જળભરાવ વચ્ચે દુકાનોમાં પાણી ધુસી જતા દુકાનદારોને નુકશાન થયુ હતું.
ભારે વાહનોની અવરજવરથી રોડ પર મસમોટા ખાડા થયા છે. દર ચોમાસામાં વરસાદી પાણીના કારણે માર્ગ પર ખાડા પડી ગયા છે સાથે પાણીની સમસ્યા પણ વર્ષે સર્જાય છે. આથી નવો રોડ બનાવવા અને ગટર લાઇથી પાણીનો નિકાલ કરવા માંગણી કરાઇ હતી.જેમાં ૨૪ કલાકમાં આ સમસ્યાનો નિકાલ કરવામાં નહી આવે તો જોડીયા રોડના દુકાનધારકોને રસ્તો બંધ કરવાની ફરજ પડશે એવી ચિમકી પણ અંતમાં ઉચ્ચારાઇ હતી.
જે દરમ્યાન રાત્રે માર્ગ મકાન વિભાગ દ્વારા માટી નાંખી ખાડા બુરવામાં આવ્યા હતા. પરંતુ પાણી નિકાલના પ્રશ્નનો સંતોષ ન થતા સવારથી વેપારીઓ દુકાનો બંધ કરી જોડીયા રોડ જામ કરી દઇ રસ્તા ઉપર બેસી ગયા હતા. પોણો કલાક સુધી ટ્રાફિક જામ થયો હતો. ચીફ ઓફીસર કે માર્ગ મકાન વિભાગના કોઇ અધિકારી ફરક્યા ન હતા. અંતે પીએસઆઇ પી.જી. પનારાએ વેપારીઓને સમજાવટથી ટ્રાફિક ક્લીયર કરાવી વેપારીઓ મામતદારને રજુઆત કરવા દોડી ગયા હતા. મામલતદારે ચીફ ઓફીસર અને માર્ગ મકાનનાં અધિકારીઓને તાત્કાલીક પ્રશ્નનું નિરાકરણ કરવા સુચના આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application