મવડીમાં દિવાળી ટાણે પાણીની હોળી પ્રગટી હવે અરજી નહીં, આંદોલન કરશું-અલ્ટીમેટમ

  • November 03, 2023 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ શહેરના મવડી વોર્ડ નં.12માં મહાપાલિકા દ્વારા પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ નિર્મિત શિવ ટાઉનશીપમાં દિવાળી ટાણે પાણીની હોળી પ્રગટી છે. દરમિયાન આવાસધારકોનું ટોળું મહાપાલિકા કચેરીમાં ધસી આવ્યું હતું અને હવે પ્રશ્નો અંગે અરજી નહીં પરંતુ આંદોલન કરાશે તેવી ચીમકી મેયરને પાઠવેલા આવેદન પત્રમાં આવી હતી.વિશેષમાં શિવ ટાઉનશીપમાં પાણીની સગવડતા પુરી પાડવા મેયર નયનાબેન પેઢડિયા સહિતના પદાધિકારીને રહીશોએ પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે મવડી પાળ રોડ પર પ્રધાનમંત્રી આવાસ યોજના (શિવ ટાઉનશીપ) ફ્લેટમાં આશરે 300થી 350 ફ્લેટધારકો રહે છે પરંતુ અહીં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નળ કનેકશન આપવામાં આવ્યા નથી, વારંવાર અરજી કર્યા બાદ પણ જીવન જરૂરી સગવડ પૂરી પાડવામાં આવતી નથી. બિલ્ડર્સની તેમજ મનપાનાં અધિકારીઓની બેદરકારીનો ભોગ અનેક કુટુંબો ભોગવી રહ્યા છે. અમોને દર વખત અધિકારીઓ દ્વારાઆડા અવળા જવાબો આપી ને ચૂપ કરાવે છે. પાણી એ માણસની મુખ્ય અને પ્રાથમિક જરૂરિયાત હોવાથી અત્યારે જે 350 ફ્લેટ ધારકો રહેવા આવ્યા છે તે પાણીની અછતમાં ગુજરાન ચલાવી રહ્યા છે. તેમને રોજબરોજનાં જીવનમાં પાણીની અગવડતાને કારણે અત્યંત હાડમારીનો સામનો કરવો પડે છે. આવાસ યોજનામાં રહેતાં લોકો સ્વખર્ચે પાણીનાં મોંઘા ટેન્ડર મંગાવી શકે એટલા સક્ષમ ન હોય એ આપ પણ સમજી શકો એવી વ્યાજબી વાત છે. આમ તો લોકાર્પણ વખતે જ આ સમસ્યાનું નિવારણ થવું જોઇએ પરંતુ એને પણ આશરે એક વર્ષ થવા આવ્યું છે. રહીશોની ધીરજ ખૂટતાં હવે અરજીને બદલે આંદોલન કરીને સક્રિય કાર્યવાહી કરવા તરફ આગળ વધશે. તાત્કાલિક ધોરણે અમને પૂરતા પાણીની સગવડ કરી આપવામાં આવે તેવી અરજીના અંતમાં શિવ ટાઉનશિપ્નાં રહેવાસીઓએ માંગણી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application