આજે 300 કરોડના માલિકે એક સમયે તબુની સાડીને ઇસ્ત્રી કરી હતી

  • February 08, 2023 03:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • બોલીવૂડની એક્શન ફિલ્મોના બેતાજ બાદશાહની પ્રેરણાદાયી સંઘર્ષગથા
  • શૂટિંગને સેટ પર સ્પોટ બોયથી લઇ અક્ષયકુમારના બોડી ડબલનું કામ પણ કર્યું


એકશન-કોમેડી ફિલ્મોના નિર્માણના બેતાજ બાદશાહ રોહિત શેઠ્ઠીને આજે ઓળખની કોઇ જરૂર નથી. તેની મોટા ભાગની ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ટંકાશાળ પાડી છે. પરંતુ ઘણાને ખબર નહીં હોય. બોલીવૂડના ઘરાનાનો દીકરો હોવા છતાં રોહિતને ઘણું સહન કરવાનું આવ્યું. એટલે સુધી કે તેમનું ઘર પણ વેચાઇ ગયું હતું અને એક સમયે જરૂરિયાત માટે એક્ટ્રેસ તબુની સાડીને પણ ઇસ્ત્રી કરી હતી.


આજે રોહિત શેઠ્ઠીનો બોલીવૂડના સૌથી મોંઘા ડિરેક્ટરોમાં સમાવેશ થાય છે. તેના પિતા શેઠ્ઠી ફિલ્મોમાં એક્શન ડિરેક્ટર હતા. ધર્મન્દ્ર સાથેની તેમની ઘણી ફાઇટ આજે પણ લોકોને યાદ હશે.  પિતાના મૃત્યુ પછી તેનું ઘર વેચી દેવામાં આવ્યું હતું અને તેને અભ્યાસ મૂકી દેવો પડ્યો હતો. ત્યારે રોહિતને સ્પોટબોય અને બોડી ડબલ બનવા સુધીનું કામ કર્યું. એક સામાન્ય માણસ તેના પરિવારને બચાવવા માટે દરરોજ જેમાંથી પસાર થાય છે તે બધું તેણે સહન કર્યું છે અને અંતે સફળતા હાંસલ કરી અને આજે તે 300 કરોડની સંપત્તિનો માલિક છે.


રોહિતના પિતા એમબી શેટ્ટીનું નિધન થતાં પરિવારની જવાબદારી રોહિત પર આવી ગઈ. પિતાના અવસાન બાદ તેમનું ઘર વેચાઈ ગયું હતું. આવી સ્થિતિમાં 10મા સુધી અભ્યાસ કર્યા બાદ રોહિતે કામ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. જ્યારે રોહિત કુકુમાં કામ કરવા લાગ્યો ત્યારે તેનો પગાર રૂ. 35 હતો. આવી સ્થિતિમાં તે પૈસા બચાવવા માટે મલાડથી અંધેરીના નટરાજ સ્ટુડિયો સુધી ચાલતો જતો હતો.


એક ઈન્ટરવ્યૂમાં રોહિતે જણાવ્યું હતું કે... તેણે વર્ષ 1995માં આવેલી ફિલ્મ 'હકીકત'માં તબ્બુની સાડીઓને ઇસ્ત્રી કરવાનું કામ પણ કર્યું હતું. આ સિવાય તે અભિનેત્રી કાજોલનો સ્પોટબોય પણ રહી ચૂક્યો છે અને તે ફિલ્મ 'સુહાગ'માં અક્ષય કુમારનો બોડી ડબલ પણ બન્યો હતો. જ્યારે તેમનું ઘર વેચાઈ ગયું ત્યારે તેની માતા અમિતાભ બચ્ચનના ઘરે પૈસા ઉછીના લેવા ગઈ હતી. કારણ કે બિગ બી રોહિતના પિતાના મિત્ર હતા. સમય બદલાયો અને રોહિતે તબ્બુને પોતાની ફિલ્મ 'ગોલમાલ અગેન'માં અને કાજોલને 'દિલવાલે'માં અને અક્ષય કુમારને ફિલ્મ 'સૂર્યવંશી'માં કાસ્ટ કર્યા હતા. રોહિતની આ ત્રણેય ફિલ્મોએ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું.

રોહિતની ફિલ્મો બોક્સ ઓફિસ પર ધૂમ મચાવે છે. તેને એક્શનનો કિંગ કહેવામાં આવે છે. ફિલ્મો ઉપરાંત ટીવી પરના ખતરો કે ખિલાડી શો માટે પણ તે જાણીતો બન્યો છે. આ સાથે જ તે ઇન્ડસ્ટ્રીના સૌથી સુંદર અને આકર્ષક સ્ટાર્સમાંથી એક છે.

રોહિત શેઠ્ઠીનો જન્મ 14 માર્ચ 1973ના રોજ મુંબઈમાં થયો હતો. ડિરેક્ટર બનતા પહેલાં રોહિતે 17 વર્ષની ઉંમરે કુકુ કોહલી સાથે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે 'ફૂલ ઔર કાંટે'થી શરૂઆત કરી હતી. આ સાથે તેણે કુકુ સાથે 'કોહિનૂર' 'સુહાગ', 'હકીકત', 'ઝુલ્મી' જેવી ફિલ્મો પણ કરી. અનીસ બઝમી સાથે 'પ્યાર તો હોના હી થા', 'હિન્દુસ્તાન કી કસમ' અને 'રાજુ ચાચા' જેવી ફિલ્મો કરી હતી.

2003માં ફિલ્મ 'ઝમીન'થી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. તે સમયે રોહિત 30 વર્ષનો હતો. આ ફિલ્મ ભલે બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હોય, પરંતુ રોહિતનું ડિરેક્શન બધાને પસંદ આવ્યું હતું. આ ફિલ્મમાં અજય દેવગણ, અભિષેક બચ્ચન, બિપાશા બાસુ લીડ રોલમાં હતા.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application