જામનગરમાંથી ૧૦ બાઇક ચોરી કરનારની અટકાયત

  • August 11, 2023 12:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોપ અને સીસીટીવીફૂટેજના આધારે ભેદ ઉકેલાયો :  ૨.૮૦ લાખનો મુદામાલ કબ્જે

જામનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં તેમજ મીઠાપુરમાં થયેલી દસ જેટલી વાહન ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા સાંપડી છે, અને એક તસ્કરને ઝડપી લીધો છે. જેની પાસેથી  ચોરાઉ મોટરસાયકલ પણ કબજે કર્યા છે. જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં વાહન ચોરીનો ઉપદ્રવ વધી ગયો હોવાથી પોલીસ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
 જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી વાઘેલાના માર્ગદર્શન હેઠળ પંચકોશી બી. ડીવિઝનના પીએસઆઇ એન.એ મોરીની સુચના અનુસાર પોલીસ સ્ટાફ દ્વારા પોકેટકોપ તેમજ ઇ-ગુજકોપની મદદ લેવામાં આવી હતી, જ્યારે જામનગરના સીસીટીવી ના કમાન્ડ કંટ્રોલરૂમ :નેત્રમ’ની પણ મદદ લેવામાં આવી હતી, અને અલગ અલગ વિસ્તારના ફૂટેજ ચેક કર્યા પછી વાહન ચોર સુધી પહોંચવામાં પંચકોશી બી. ડિવિઝન પોલીસને સફળતા સાંપડી છે.
પંચ-બીના એએસઆઇ એમ.એલ. જાડેજા તથા વી.ડી. રાવલીયા તથા હેડ કોન્સ. હરદેવસિંહ જાડેજા, કોન્સ સુમિત શિયાળ, મેહુલ વિશાણી વિગેરે પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન મળેલ બાતમી આધારે  મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના હમુસર ગામનો વતન અને હાલ દરેડ ગામ પાસે બસ સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા ખીમજી ઉર્ફે ઘેલો રામજીભાઈ પરમાર નામના શખ્સને પોલીસે ઝડપી લીધો, જેની પૂછપરછ દરમિયાન તેણે જામનગર શહેરના અલગ અલગ વિસ્તારો જ્યારે  ઉદ્યોગ નગરના વિસ્તાર તેમજ મીઠાપુર માંથી કુલ ૧૦ જેટલી વાહન ની ચોરી કરી હોવાની કબુલાત આપી દીધી હતી. પોલીસ દ્વારા તેની પાસેથી ૧૦ ચોરાઉ વાહનો કબજે કર્યા છે.
પોલીસે પંચ-બી ડીવીઝન હેઠળના સાત મોટરસાયકલ ચોરીના ગુના ડીટેકટ થયા છે, જયારે ત્રણ બાઇક સીઆરપીસી ૧૦૨ મુજબ કબ્જે કરવામાં આવ્યા છે, પોલીસે કુલ ૨.૮૦ લાખનો મુદામાલ કબ્જે લઇને સાત વણશોધાયેલ ગુના શોધી કાઢયા છે અને આ મામલે વધુ પુછપરછ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application