ઘર ખર્ચના પૈસા માગતા પતિએ ધોકો ફટકારી પત્નીનો પગ ભાંગી નાખ્યા

  • October 21, 2023 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના 40 ફૂટ રોડ પર આવેલા ધરમનગરમાં રહેતી પરિણીતાએ પતિ પાસે ઘર ખર્ચના પૈસા માંગતા પતિએ ઉશ્કેરાઈ લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. જેમાં પરિણીતાનો પગ ભાંગી ગયો હતો.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, 40 ફૂટ રોડ પર ઓમનગર પાસે ધરમનગર શેરી નંબર એકમાં રહેતી અને બીઆરટીએસમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરનાર લક્ષ્મીબેન(ઉ.વ 31) દ્વારા તાલુકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પતિ જયેશ નથુભાઈ જાદવનું નામ આપ્યું છે. પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ સાંજના પાંચેક વાગ્યે તેનો પતિ જયેશ ઘરે આવતા તેણે પતિ પાસે ઘર ખર્ચ માટે રૂપિયા માંગ્યા હતા. જેથી પતિ ઉશ્કેરાઇ ગાળો આપવા લાગ્યો હતો. ગાળો આપવાની ના કહેતા તે વધુ ઉશ્કેરાયો હતો અને ફળિયામાં રહેલ ધોકો લઈ પત્નીને પગનાભાગે ફટકારી દીધો હતો. દરમિયાન પરિણીતાએ દેકારો કરતા પાડોશમાં રહેતી તેની બહેન સહિતનાઓ અહીં આવી જતા પતિ નાસી ગયો હતો. ત્યારબાદ પરણીતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જેમાં પરિણીતાને પગમાં ફ્રેક્ચર થઈ ગયું હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારબાદ તેણે આ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ફરિયાદના આધારે જયેશ જાદવ સામે મારકૂટ અને શારીરિક માનસિક ત્રાસ આપવા અંગેનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી છે.

જ્યારે અન્ય એક બનાવમાં ચોટીલાના મેવાસા ગામે રહેતા દેવરાજ ગોબરભાઇ ગોવાણી(ઉ.વ 43) દ્વારા એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગઈકાલ બપોરના એકાદ વાગ્યા આસપાસ તેમના ગામના વિરમ જગસી કેની જે હાલ બેટી ગામ પાસે ઝૂંપડામાં રહેતો હોય તેનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તું મારા ઘરે આવ મારે કામ છે જેથી દેવરાજ અહીં તેના ઘરે ગયો હતો ત્યારે વિરમ તથા તેનો પુત્ર લાલો અને અન્ય એક પુત્ર સહિત અગાઉના પૈસાની લેતીદેતી બાબતે ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ વીરમે યુવાનને પગમાં ધોકો ફટકારી દીધો હતો હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે ફરિયાદ નોંધાવતા પોલીસે પિતા પુત્ર સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application