રાજકોટ જિલ્લા પંચાયતમાં ‘ઉઠતી બજારે’ ડાયરી છાપવાનો નિર્ણય: રજાના દિવસે પણ કામગીરી ચાલુ

  • August 17, 2023 10:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લા પંચાયતના વર્તમાન શાસકોની ટર્મ પૂરી થવા આડે હવે માત્ર એક મહિનો બાકી છે ત્યારે ડાયરી છાપવાનો નિર્ણય લેવાયો છે અને તે કામગીરીના અનુસંધાને આજે પતેતીની જાહેર રજા હોવા છતાં જિલ્લા પંચાયત કચેરીમાં અમુક વિભાગો ચાલુ રહ્યા હતા.
સામાન્ય રીતે ડાયરી વિક્રમ સંવત મુજબ અથવા નાણાકીય વર્ષ મુજબ છપાતી હોય છે. નવું વિક્રમ સંવત શરૂ થવા આડે હવે માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલા મહિના બાકી છે અને નાણાકીય વર્ષ શરૂ થયાને પાંચ મહિના જેટલો સમય પસાર થઈ ગયો છે. ત્યારે ડાયરી છાપવાની દિશામાં ચાલતી કામગીરી વધુ વેગવંતી બનાવી યુદ્ધના ધોરણે કામ શરૂ કરી દેવાયું છે.

જિલ્લા પંચાયતના સૂત્રોના જણાવ્યા મુજબ નાણાકીય વર્ષ મુજબ ડાયરી છાપવામાં આવશે પરંતુ તેનો ઉપયોગ કરનાર માટે એપ્રિલથી ઓગસ્ટ માસના પેજનો કોઈ ઉપયોગ રહેશે નહીં. કારણકે ડાયરી છપાઈને આવતા હજુ એકાદ બે સપ્તાહ થઈ જશે.
આગામી તારીખ 25 ના રોજ રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળવાની છે ત્યારે સભ્યોને ડાયરીનું વિતરણ થાય તે દિશામાં કામ થઈ રહ્યું છે.પરંતુ જો તેમ પણ શક્ય નહીં બને તો દરેકને અલગથી પોસ્ટમાં કે કુરિયર દ્વારા ડાયરી મોકલી દેવામાં આવશે.
પાંચ મહિના જેટલો વિલંબ થવા પાછળ જિલ્લા પંચાયતના શાસકો એવું કારણ આપે છે કે રાજકોટ જિલ્લા પંચાયત ક્યારેય એના ખર્ચે ડાયરી છપાવતી નથી. આ વર્ષે જાહેર ખબરનું મટીરીયલ મેળવવામાં વિલંબ થવાથી ડાયરી મોડી છપાઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application