સતત દિશા બદલતુ વાવાઝોડું ફરી ગુજરાત ભણી વળ્યું: ચિંતાના વાદળો ઘેરાયા

  • June 10, 2023 12:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સતત દિશા બદલતા વાવાઝોડાએ ગુજરાત માટે ચિંતા વધારી છે. હાલ વાવાઝોડુ પોરબંદરથી620 કિમી દૂર છે.અરબ સાગરમાં ઉદ્દભવેલું બિપોરજોય વાવાઝોડાની તીવ્રતા પહેલા કરતા વધી છે. અગાઉ વાવાઝોડું 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું હતુ, જે હવે 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે.બિપોરજોય વાવાઝોડું હાલ પોરબંદરના દરિયાકાંઠેથી 760 કિલોમીટર દૂર છે.

બિપોરજોય વાવાઝોડાની અસરને પગલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગનું માનીએ તો આગામી 5 દિવસમાં વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાય તેવી કોઇ જ શક્યતા નથી. વાવાઝોડું અરબી સમુદ્રમાં ઉત્તરથી પશ્ચિમ ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે.





વાવાઝોડું બિપરજોય પોરબંદરના દરિયાકાંઠાથી માત્ર 760 કિમી જ દૂર છે અને હાલ વાવાઝોડાની દિશા ગુજરાત તરફ છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દરિયાકાંઠાના જિલ્લાઓના ક્લેક્ટરઓ સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે આપત્તિ વ્યવસ્થાપન-ડિઝાસ્ટર મેનેજમેન્ટ સજ્જતાની સમીક્ષા કરી હતી. આ વિસ્તારોમાં બીપરજોય વાવાઝોડાની સંભવિત અસરો સામે ઝિરો કેઝ્યુઆલિટીના એપ્રોચથી બધા જ જિલ્લાઓએ કરેલા આયોજનની વિગતો મુખ્યમંત્રીએ આ બેઠકમાં મેળવી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે દરિયાકાંઠાના 13 જિલ્લાઓના કલેક્ટરઓને સતર્કતા અને તકેદારી રાખવા માર્ગદર્શન આપ્યું હતું. 





બિપરજોયને લઈને ગુજરાતના દરિયા કાંઠાના જિલ્લાઓમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. ત્યારે  વડોદરાના જરોદ ખાતે આવેલી NDRFની 6 બટાલિયનને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું હતું. આજે જરોદ ખાતેથી NDRFની 6 બટાલિયનની બે ટીમો રેસ્ક્યૂ સામગ્રી સાથે પોરબંદર, ગીર-સોમનાથ અને વલસાડ જવા રવાના થઇ હતી. જયારે એક ટીમ આરઆરસી ગાંધીનગર ખાતેથી રવાના થઇ હતી. 

સુરતના ડુમસ અને સુંવાલી બીચ પણ હવામાનને જોતા  બંધ કરી દેવાયો છે. આજથી 13 જૂન સુધી પર્યટકોને બીચ માટે બંધ કરી દેવાયો છે.  પોલીસનો  ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.ચક્રવાત બિપરજોય પહેલા વલસાડના તિથલ બીચ પર ઊંચા મોજા જોવા મળ્યા. જેને પગલે વલસાડ વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના પગલા તરીકે તિથલ બીચ પ્રવાસીઓ માટે 14 જૂન સુધી બંધ કરવામાં આવ્યો છે. 

ભારતીય હવામાન વિભાગે આજે જણાવ્યું હતું કે, ચક્રવાતી તોફાન બિપરજોય આગામી 24 કલાકમાં વધુ તીવ્ર સ્વરૂપ ધારણ કરી શકે  છે. આ ચક્રવાતી તોફાન ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે. IMDએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 9મી જૂને ભારતીય સમય અનુસાર 23.30 કલાકે 16.0N અને 67.4E લાંબા અક્ષાંશ નજીક પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન BIPARJOY વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે. અને આગામી 24 કલાક દરમિયાન ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ આગળ વધે તેવી સંભાવના છે. 





અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપોરજોય વાવાઝોડાને લઈને ગિરનાર પર્વત પર રોપવે સેવા બંધ કરી દેવામાં આવી છે. હાલ પર્વત પર 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.ગુજરાતના અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય નામના ચક્રવાતને લઈને હવામાન વિભાગ દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે કે વાવાઝોડું ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને આગામી બે દિવસ સુધી આ દિશામાં જ આગળ વધતું રહેશે તેવી શક્યતા છે. 12 જૂન સુધી ગોવા, કર્ણાટક, કેરળના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન તોફાની થવાની શક્યતા છે, સાથે જ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બિપોરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારે પવન વરસાદની આગાહી કરી છે. આગામી 11 અને 12 જૂન એમ બે દિવસ રોરોફેરી સેવા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

હાલ વાવાઝોડાની દિશા ગુજરાત તરફ છે. ત્યારે હજુ બે દિવસ વાવાઝોડાની દિશા ગુજરાત તરફ જ રહેશે. તેમજ આગામી 36 કલાક સતત વાવાઝોડું તીવ્ર બનશે. હજુ 3 દિવસ બાદ વાવાઝોડાની દિશા બદલાઈ શકે છે. હાલ વાવાઝોડું પોરબંદરથી 810 કિમી દૂર છે. જેનાથી બંગાળની ખાડીમાં વેલમાર્ક લો-પ્રેશર સર્જાયું છે.

ગુજરાતના વિવિધ ભાગોમાં બિપોરજોય વાવાઝોડાના પૂર્વે  તંત્રએ તૈયારીઓ હાથ ધરી છે. વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. વડોદરા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તલાટીઓને સ્ટેન્ડબાય રહેવાનો આદેશ અપાયો છે. જિલ્લા અને તમામ તાલુકામાં કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે. કંટ્રોલ રૂમનો ટોલ ફ્રી નંબર '1077' જાહેર કરવામાં આવ્યો છે. 8 તાલુકામાં લાયઝન ઓફિસરની નિમણૂક કરાઈ છે.





સંભવિત બિપોરજોય વાવાઝોડાની આગાહીને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. તમામ કર્મચારીઓની રજા રદ કરી હાજર થવા આદેશ કરાયો છે. તબીબી કારણોસર મંજુર થયેલ રજા સિવાય અન્ય રજાઓ રદ્દ કરવામાં આવી છે. શહેર-જિલ્લાના અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે. સુરત જિલ્લા કલેક્ટરે વાવાઝોડું શાંત ન થાય ત્યાં સુધી સાવચેતી અને સલામતીના પગલાં લેવા સૂચના આપી છે. ઇન્ચાર્જ કલેકટર બી.કે.વસાવા દ્વારા પણ પૂર્વ મંજૂરી સિવાય હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરાયો છે.  

અરબી સમુદ્રમાં ઉદભવેલું બિપરજોય વાવાઝોડું માંડવી બંદર તરફ ફંટાય એવી આગાહી વચ્ચે તંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યું છે. માંડવી બીચને 9થી 12 તારીખ સુધી બંધ કરાયો છે. દરિયાકિનારા પર ખાણીપીણી સહિતનો વેપાર કરતા લોકોને માલસામાન સાથે ત્યાંથી સ્થાનાંતર થવા તંત્રએ સૂચના આપી દીધી છે. આ ઉપરાંત કચ્છ વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના સાતેય બંદર પર બહાર લોકોની અવર જવર બંધ કરાવી છે.



ભાવનગરમાં આજથી ચાર દિવસ વાવાઝોડાને પગલે વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાં ભેજનું પ્રમાણ 41 ટકા નોંધાયું છે અને પ્રતિ કલાક 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જ્યારે અલંગના દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે.

વલસાડના તિથલ બીચને બંધ કરી દેવામાં આવ્યો વનગર, અમરેલી, જામનગર, માંગરોળ, પોરબંદર, ઉના, વસસાડ, નવસારી અને દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે. વલસાડના તિથલ બીચને બંધ કરીને ત્રણ કિલોમીટર સુધી કડક પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત દરિયાકાંઠાનાં 42 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.


બિપરજોયની અસરના પગલે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે.તો બિપરજોય વાવાઝોડાને પગલે રાજ્યમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ રહેશે.

આ સ્થિતિને જોતા માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.તો 5 દિવસની આગાહીમાં વાવાઝોડાની અસરને પગલે પ્રથમ બે દિવસ 35થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે.જ્યારે છેલ્લા દિવસે 70 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application