"આ ઘરને સરકારનું નહિ પરંતુ તમારું પોતાનું સમજજો", પોલીસ આવસનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

  • May 18, 2023 07:11 PM 

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે રાજકોટ શહેર પોલીસ મુખ્ય મથક ખાતે રૂ.૨૫૪૫.૨૨ લાખના ખર્ચે તૈયાર થયેલા ૧૨૦ પોલીસ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ લાભાર્થી પરિવારોને સુવિધાસભર આવાસોની ચાવી સોંપીને પ્રગતિની શુભકામના પાઠવી હતી.


આ તકે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ‘‘આ ઘરને સરકારનું નહિ પરંતુ તમારું પોતાનું સમજજો અને આ ઘરમાં આપ ખૂબ ખૂબ પ્રગતિ કરો તેવી શુભકામના પાઠવું છું.’’

મંત્રી સંઘવીએ ‘‘સી’’ તથા ‘‘બી’’ શ્રેણીના મકાનોનું લોકાર્પણ કર્યું હતું અને આવાસોમાં જઈને સુવિધાઓનું નિરીક્ષણ પણ કર્યું હતું.


આવાસોના લોકાર્પણ બાદ મંત્રી સંઘવીએ પોલીસ મુખ્ય મથકના સમગ્ર પરિસરની મુલાકાત લઈને પોલીસ સ્ટાફને મળતી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ક્રિકેટ ગ્રાઉન્ડ નિહાળ્યા બાદ મંદિર ખાતે દર્શન કર્યા હતા, પરિસરમાં પોલીસ સ્ટાફ તેમજ પરિવાર માટેના જીમ્નેશિયમ તેમજ પોલીસ કેન્ટીનની પણ તેમણે મુલાકાત લીધી હતી.
નોંધનીય છે કે, ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા શહેર પોલીસના મુખ્ય મથક ખાતે ૯૧.૮૬ ચોરસ મીટરના ‘‘સી’’ કક્ષાના ૪૦ આવાસો તથા ૭૮.૮૫૫ ચોરસ મીટરના ‘‘બી’’ કક્ષાના ૮૦ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ અંગે પોલીસ આવાસના નાયબ કાર્યપાલક ઇજનેર એમ.જી. પાનસુરીયાએ જણાવ્યું હતું કે, બે બેડરૂમ ફર્નિચર સાથે, ડ્રોઈંગ રૂમ, બાલ્કની અને કિચન ફર્નિચર સાથેના આ સુવિધાયુક્ત આવાસોના બાંધકામમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત, અદ્યતન ટાઇલ્સ, આંતરિક પ્લાસ્ટિક પેઇન્ટ તથા બાહ્ય વેધર પ્રૂફ એક્રેલિક ઈમલ્સન પેઇન્ટ સહિતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમામ આવાસોમાં લાઈટિંગ, એટેચ ટોઇલેટ બાથરૂમ, અદ્યતન ડોર, સ્લાઇડર વિંડોમાં મચ્છર જાળી સહિતની સુવિધા છે. ‘‘સી’’ કક્ષાના આવાસોમાં કુલ ૨૯ કાર પાર્કિંગ જ્યારે ‘‘બી’’ કક્ષાના આવાસોમાં ૨૫ કાર પાર્કિંગની સુવિધા છે. ઉપરાંત ગાર્ડનમાં લોન, બાળકો માટે રમતગમતનાં સાધનો તથા જીમ ઇક્વિપમેન્ટ એરીયાની સુવિધા તેમજ મકાનોની ચારે બાજુ પેવર બ્લોક લગાવવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application