પરિણીતાને ત્રાસ આપી મરી જવા મજબુર કર્યાની પતિ સહિત ત્રણ સામે ફરીયાદ

  • July 12, 2023 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાધના કોલોનીમાં એસીડ પી મહિલાના આપઘાત પ્રકરણમાં નવો વણાંક: મૃતકના સાસરીયા દ્વારા પોલીસ સામે આક્ષેપો કરી રાત્રે એસપી બંગલે ટોળું ઘસી ગયું : મૃતકની માતા દ્વારા કરેલી ફરીયાદમાં થયો ઘટસ્ફોટ : પોલીસ દ્વારા સધન તપાસ

જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ ગઇ સાંજે પોતાના ઘરે એસીડ પી લેતા જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ જયાં મૃત્યુ થયાનું જાહેર કરતા ભારે ચકચાર જાગી હતી. મૃતકના સાસરીયા પક્ષ દ્વારા પોલીસ ત્રાસના આક્ષેપો કરવામાં આવ્યા હતા, મોડી રાત્રે ટોળું એસપી બંગલે રજુઆત માટે દોડી ગયુ હતું, બનાવના પગલે પોલીસબેડામાં દોડધામ મચી હતી, દરમ્યાનમાં પોલીસના નહીં પરંતુ પતિના ત્રાસના કારણે તેણીએ આપઘાત કરી લીધાનું બહાર આવતા આ પ્રકરણમાં નવો વણાંક આવ્યો હતો, દરમ્યાનમાં મૃતકના માતા દ્વારા પોતાની પુત્રીને મરી જવા માટે મજબુર કર્યાની પતિ, સાસુ અને દિયર સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.
જામનગરની સાધના કોલોનીમાં રહેતી ભારતીબેન નામની પરિણીતાએ એસીડ પી લેતા જી.જી. હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવેલ જયાં તેણીનું મૃત્યુ નિપજયુ હતું, મૃતક મહિલાના પતિ બીપીન ચાવડાને અવારનવાર પોલીસ દ્વારા ધાકધમકીઓ આપવામાં આવતી હતી, જેના કારણે મૃતકના પતિએ તેની પત્ની સામે કહ્યું હતું કે હવે હું પોલીસના ત્રાસથી દવા પી અને મરી જવાનો છું. જેનું મહિલાએ મનમાં લઈ લીધું હતું, અને પોતે એસીડ પી લીધુ હતું એવો સનસનાટીજનક આક્ષેપ મૃતકના પરિજનો દ્વારા કરવામાં આવ્યો હતો આથી પોલીસ દ્વારા ખરાઇ સહીતની તપાસ હાથ ધરવામાં આવી હતી.
 જામનગરની જી.જી. હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં જામનગરનો સીટી એ. ડીવિઝનનો પોલીસ સ્ટાફ દોડી ગયો હતો, અને સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી હતી, બીજી બાજુ પોલીસ દ્વારા મહિલાના પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જો કે મામલો ગરમાયો હતો અને મૃતકના સાસરીયા પક્ષના લોકો યોગ્ય કાર્યવાહીની માંગણી કરી હતી અને મોડી રાત્રીના ટોળું એસપી બંગલે રજુઆત માટે દોડી ગયુ હતું જયાં પોલીસની ટુકડી પણ આવી પહોચી હતી.
આક્ષેપો અને પ્રતીઆક્ષેપો તથા આપઘાતના ચકચારી પ્રકરણમાં નવો વણાંક આવ્યો હતો, પરિણીતાએ પોલીસના નહીં પરંતુ પતિ સહિતના લોકોના ત્રાસથી પગલુ ભર્યાનો ખુલાશો થયો હતો દરમ્યાનમાં ભાણવડના આંબરડી ગામમાં રહેતા સાદીયા લાખીબેન હરદાસભાઇ (ઉ.વ.૫૮)એ સીટી-એમાં સાધના કોલોનીમાં રહેતા બીપીન સોમા ચાવડા, રામીબેન સોમા ચાવડા અને અનિલ સોમા ચાવડાની વિરુઘ્ધ આઇપીસી કલમ ૩૦૬, ૪૯૮(એ), ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા દહેજ પ્રતીબંધ અધિનીયમની કલમ ૪ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
જેની વિગત મુજબ ફરીયાદી લાખીબેનની દીકરી ભારતીબેનને તેના પતિ બીપીન તથા સાસુ અને દિયર અનિલ અવાર નવાર શારીરીક, માનસીક ત્રાસ આપતા હોય અને બિપીન બે વીઘા જમીન પોતાના નામે કરી આપવાની માંગણી કરી મારકુટ કરતો હોય, મેણા ટોણા મારીને દુ:ખ આપતો હોય આમ તેણીને મરી જવા માટે મજબુર કરેલ હોય જે દુ:ખ સહન નહી થતા ભારતીબેને એસીડ પી આપઘાત કરી લીધો હતો તેમજ બિપીને ફરીયાદીના પુત્ર દિપકને માર મારી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ફરીયાદના આધારે આગળની તપાસ સીટી-એ પીઆઇ એન.એ. ચાવડા ચલાવી રહયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે બિપીન દારુના જુદા જુદા કેસમાં સંડોવાયેલો છે, અગાઉ તેની સામે પ્રોહીબીશન મુજબ ફરીયાદ નોંધાઇ ચુકી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application