લોધીકાના પાળ ગામ ભરવાડના બે પરિવારો વચ્ચે મારામારી: ૩ને ઇજા

  • September 26, 2023 01:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોધીકા તાલુકાના પાળ ગામમાં તાવો કરવા બાબતે ભરવાડના બે પરિવાર વચ્ચે મારામારી થઈ હતી.જેમાં ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ મામલે સામસામી ફરિયાદના આધારે પોલીસે ૧૦ શખસો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવવાની જાણવા મળતી વિગતો મુજબ, લોધીકા તાલુકાના પાળ ગામે રહેતા જીતેન્દ્રભાઈ માંડણભાઈ ટારીયા (ઉ.વ ૩૫) નામના યુવાન દ્વારા લોધિકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે કોટડા સાંગાણીના રાજપરા ગામે રહેતા કાળુ ભનુભાઈ ટારીયા, ગોવિંદ ભાનુભાઈ ટારીયા તથા પાળ ગામે રહેતા રવિ આનંદભાઈ ટારીયા, નવઘણ આનંદભાઈ ટારીયા, અનિલ નારણભાઈ ટારીયા, રામ નારણભાઈ ટારીયા, પ્રવીણ ભાનુભાઈ ટારીયાના નામ આપ્યા છે.
યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તે તથા તેમના પરિવારજનો પોતાના ઘર બહાર બેઠક હોય ત્યાં હતા ત્યારે આરોપી કાળુ, રવિ અને નવઘણ બોલેરો ગાડીમાં અહીં આવ્યા હતા અને કાળુંએ કહ્યું હતું કે, અહીં માતાજીનો તાવો કેમ કરો છો? તેમ કહી ગાળો આપી હતી તથા ઉશ્કેરાઈ જઇ છરી વડે થોભણભાઈને ખંભામાં તથા બાવળામાં ત્રણે ઘા ઝીકી દીધા હતા તથા રવિએ પોતાની પાસે રહેલી છરી વડે ફરિયાદીને જમણા હાથના બાવળા ઉપર છરીનો એક ઘા મારી દીધો હતો. થોડીવાર બાદ અન્ય આરોપીઓ અલ્ટો કાર લઈને આવ્યા હતા અને ફરિયાદી યુવાન જીતેન્દ્ર તથા થોભણભાઈને ગાળો આપી ઝપાઝપી કરી મૂઢ મારમાર્યો હતો. આ મામલે યુવાનની ફરિયાદ પરથી પોલીસે સાતેય આરોપીઓ સામે આઇપીસીની કલમ ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા જીપીએકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
​​​​​​​
સામાપક્ષે કોટડા સાંગાણી તાલુકાના રાજપરા ગામે રહેતા કાળુ ભાનુભાઈ ટારીયા (ઉ.વ ૩૯) દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાળ ગામમાં રહેતા થોભણ ટારિયા, રામ થોભણભાઈ ટારીયા, મોમ કાનાભાઈ ટારીયાના નામ આપ્યા છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફરિયાદી તથા તેના પરિવારજનો અહીં પાળ ગામે ટારીયા પરિવારના સુરાપુરા દાદાના દર્શન કરવા માટે આવ્યા હતા. દરમિયાન આરોપીઓ પોતાના ઘર પાસે માતાજીનો તાવો કરતા હોય જેથી તેમને અહીં તાવો કેમ કરો છો તેમ કહેતા આ શખસે ઉશ્કેરાઈ જઈ ગાળો આપવા લાગ્યા હતા તેમજ ઝપાઝપી કરવા લાગ્યા હતા. દરમિયાન આરોપી રામ ટારિયાએ તીક્ષણ હથિયાર વડે ફરિયાદી પર હુમલો કરી તેમના હાથના ભાગે ઇજા પહોંચાડી હતી. જે અંગે પણ પોલીસે આરોપીઓ સામે આઇપીસી ની કલમ ૩૨૪,૩૨૩, ૫૦૪,૧૧૪ અને જીપીએકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application