મુસીબતના ૨૧ દિવસ

  • December 20, 2023 11:21 AM 

અંબર ચોકડીનો માર્ગ બંધ: સમસ્યાનો દ્વાર ખુલ્યો...
અંબર ચોકડીનો માર્ગ આજથી ૨૧ દિવસ માટે બંધ કરાતા જી.જી.હોસ્પિટલથી ગુરુદ્વારા તરફના માર્ગ પર ભયંકર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતાં અને આ પરિસ્થિતિ વચ્ચે કેટલાક વાહન ચાલકો અકસ્માતના ભયના ઓથાર તળે સમયસર પહોંચવા માટે રીસ્ક લેતા નજરે પડયા હતાં, આસપાસની ગલીના પગથીયા પરથી વાહન ઉતારીને જતાં જોવા મળ્યા હતાં. ટુંકમાં જે વાતનો ખૌફ હતો એ થયું છે અને લોકો પરેશાન થઇ રહ્યા છે.

***
ફલાઇઓવરના કામ કેનાલ અને પીજીવીસીએલના અન્ડર ગ્રાઉન્ડ કેબલ વાયરની કામગીરીનો પ્રારંભ: અંબર ચોકડી તરફનો માર્ગ આજથી બંધ કરાતા ગુરુદ્વારા સર્કલ સહિતના માર્ગો પર ચક્કાજામ: જી.જી.હોસ્પિટલથી અંબર ચોકડી અને ત્રણબતી તરફ જઇ શકાશે નહીં: ટ્રાફિક ડાઇવર્ટ થતાં સવારના ૯ વાગ્યાથી વાહનોની કતારનો જમેલો લાગ્યો

જામનગરમાં રુા.૧૯૬ કરોડના ખર્ચે સૌરાષ્ટ્રનો લાંબામાં લાંબો ફલાય ઓવરબ્રિજ બની રહ્યો છે ત્યારે કેનાલનું કામ તેમજ પીજીવીસીએલની અન્ડર ગ્રાઉન્ડ લાઇન હટાવવાની હોવાથી આજથી ૨૧ દિવસ માટે જી.જી.હોસ્પિટલથી અંબર ચોકડી અને ત્રણબતી તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવતાં આ રસ્તા ઉપર વાહનોની કતારો જામી હતી અને સવારના ૯ વાગ્યાથી છેક લીમડાલાઇન સુધી ટ્રાફિક જામ થઇ ગયો હતો.
મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ એક જાહેર નોટીસ પાઠવીને જણાવ્યું હતું કે, નાગનાથ જંકશન તથા ડીએસપી બંગલાવાળા રોડથી દાંડીયા હનુમાનવાળા મંદિર જઇ અંબર જંકશન તરફ જવાનો રસ્તો ચાલું રહેશે પરંતુ કેટલાક વાહનોને વાલ્કેશ્ર્વરી તરફ આજે વાળી દેવામાં આવ્યા હતાં.
જામનગર મહાપાલીકાની હદમાં સાતરસ્તાથી લઇ સુભાષબ્રિજ સુધીના માર્ગ પર ફોરલેન એલીવેટેડ ફલાય ઓવરબ્રિજ બનાવવાની કામગીરી અંતર્ગત અંબર જંકશનવાળા રોડ ક્રોસીંગ કેનાલ અને વોટર વર્કસ શાખાની મેઇન લાઇન ટ્રાન્સફર કરવાની કામગીરીને કારણે તેમજ પીજીવીસીએલની લાઇન સીફટીંગ કરવાના કારણે ત્રણ અઠવાડીયા સુધી રસ્તાઓ બંધ કરવા જાહેરનામું બહાર પાડતા આજ સવારથી જ હો દેકારો થઇ ગયો છે અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીમાંથી પસાર થવું પડયું છે. તા.૨૦ થી તા.૧૦-૧-૨૦૨૪ સુધી આ રસ્તા પરનો વાહન વ્યવહાર બંધ રહેશે.
જી.જી.હોસ્પિટલથી અંબર જંકશન તરફ જવાના માર્ગથી ગુરુદ્વારા, નાગનાથ ગેઇટ, તીનબતી જવાનો રસ્તો બંધ રહેશે જેની વૈકલ્પીક વ્યવસ્થા માટે દાંડીયા હનુમાન મંદિરથી નાગનાથ જંકશન તથા તીનબતી તરફ જવાનો રસ્તો ચાલું રહેશે. આમ આજથી રસ્તો બંધ થઇ જતાં કેટલાક વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને લાંબી-લાંબી વાહનોની કતારો પણ જોવા મળી હતી.
મ્યુ. કમિશ્નરની જાહેર નોટીસ અપાયા બાદ વાહનચાલકોને હવે શેરી, ગલીઓમાંથી પસાર થવાનો વારો આવ્યો છે, લગભગ ૩ અઠવાડીયા સુધી આ પ્રકારની મુશ્કેલી બની રહેશે તેમ જણાય છે, આજ સવારથી જ ટ્રાફિકની સમસ્યા જોવા મળતા વાહનચાલકો પણ પરેશાન થઇ રહયા છે.
***
કેનાલ, ઓવરબ્રિજ અને પીજીવીસીએલનું કામ ઝડપથી થાય તો જ લોકોની તકલીફ ઘટશે
જામનગરમાં ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે ત્યારે તેને સંબંધીત કેનાલ, પીજીવીસીએલની લાઇન રીપેરીંગ કરવાની હોય ૨૧ દિવસ સુધી શહેરનો મુખ્ય માર્ગ મ્યુ.કમિશ્નરે જાહેર નોટીસ આપીને બંધ કરી દીધો છે ત્યારે આજથી જ ટ્રાફિક સમસ્યા શરુ થઇ ચૂકી છે, ૨૧ દિવસમાં જ આ કામ ઝડપથી પૂર્ણ થાય તેવું અધિકારીઓએ પણ વિચારવું પડશે અને કામમાં ઝડપ લાવવી પડશે,  આમ આજથી જ માર્ગ બંધ થઇ જતાં લોકોની યાતના શરુ થઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application