આરંભડાની બે ફેકટરીમાંથી રુા.૨.૧૯ કરોડની વિજ ચોરી પકડાઇ

  • November 07, 2023 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બારાઇ ઈન્ડસ્ટ્રીયલમાંથી રુા.૧૧૮.૪૭ લાખ અને મોમાઇ આઇસ ફેકટરીમાંથી રુા.૧૦૧.૪૬ લાખની વિજ ચોરી ખુલતા ફફડાટ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ વિસ્તારમાં આરંભડા ગામમાં પીજીવીસીએલની ૧૩ ટીમ દ્વારા ચેકીંગ કરવામાં આવતાં એસેસમેન્ટ બાદ બે ફેકટરીમાંથી રુા.૨.૧૯ કરોડની વિજ ચોરી પકડાતા ભારે ચકચાર જાગી છે, અવારનવાર આ વિસ્તારમાં વિજ લોશ આવતો હોય આ ચોરી પકડવામાં પીજીવીસીએલના અધિકારીઓ સફળ રહ્યા હતાં.
પીજીવીસીએલના સુત્રોના જણાવ્યા અનુસાર તા.૩૦ના રોજ છ ટીમ દ્વારા વિજ ચોરી પકડવા અભિયાન હાથ ધરાયું હતું અને સર્વેક્ષણ બાદ મોમાઇ આઇસ ફેકટરી આરંભડામાં ચેકીંગ દરમ્યાન વિજ ચોરી અંગે એસેસમેન્ટ કરાયું હતું અને ત્યાંથી રુા.૧૦૧.૪૬ લાખની વિજ ચોરી હોવાનું ખુલતા ફેકટરીના સંચાલકોને બીલ ફટકારવામાં આવ્યા હતાં.
આ ઉપરાંત પીજીવીસીએલની સાત ટીમો દ્વારા સાત કનેકશન ચેક કરાયા હતાં, જેમાં બારાઇ ઇન્ડસ્ટ્રીઝ આરંભડામાંથી ૧૧૮.૪૭ લાખની વિજ ચોરી પકડી પાડવામાં આવી હતી. વિજ ચોરી પકડાયા બાદ આ મામલો રફેદફે કરવા પણ પ્રયત્નો કરવામાં આવ્યા હતાં, પરંતુ પીજીવીસીએલના કર્મચારીઓએ કોઇની પણ સેહ શરમ રાખ્યા વિના વિજ બીલ ફટકારી દીધું હતું.
જામનગર શહેરમાં પણ અઠવાડીયા પહેલા વિજ ચોરી પકડી પાડવામાં આવી હતી, ત્યારબાદ પીજીવીસીએલની ટીમે દ્વારકા જિલ્લામાં વિજ ચોરી પકડવા અભિયાન હાથ ધર્યુ હતું જેના ભાગરુપે માત્ર બે ફેકટરીમાંથી રુા.૨.૧૯ કરોડની વિજ ચોરી પકડી પાડવામાં તંત્ર સફળ થયું હતું, આ ચોરી પકડાતા કેટલાક કારખાનેદારોએ પોતાના કારખાના બંધ કરી દીધા હતાં અને કેટલાક લોકોએ ડાયરેકટ લંગરીયા નાખ્યા હતાં તે પણ કાઢી લીધા હતાં. પીજીવીસીએલના સુત્રોના જણાવ્યા અનુસાર દિવાળી દરમ્યાન પણ ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application