જામનગર શહેર-જીલ્લામાં મોહર્રમની માતમ સાથે ઉજવણી: આજે ઝુલુસ

  • July 29, 2023 11:14 AM 

જામનગરમાં કલાત્મક તાજીયાઓનું ઝુલુસ....
જામનગરમાં મહોર્રમ નિમીતે ગઇ રાત્રે કલાત્મક તાજીયાઓ પડમાં આવ્યા હતા અને આજે પરંપરાગત રીતે તાજીયાનું ઝુલુસ યોજવામાં આવશે, ગત રાત્રીના કલાત્મક રોશનીથી શણગારેલા તાજીયા નિહાળવા હજારોની મેદની ઉમટી પડી હતી, ચાંદીના તાજીયાની માનતા ઘણાં લોકો માને છે અને તેના દીદાર માટે ભાઇઓ બહેનો ઉમટી પડે છે.

**
ગઇ મોડી સાંજે કલાત્મક તાજીયા પડમાં આવ્યા : ચાંદીના તાજીયાએ શ્રઘ્ધાળુઓએ માનતા પુરી કરી : પોલીસ દ્વારા બંદોબસ્ત : ઠેર ઠેર ન્યાઝ, સરબતનું વિતરણ

જામનગર, દ્વારકા સહિત સૌરાષ્ટ્રભરમાં મોહર્રમ પર્વની માતમ સાથે ઉજવણી કરવામાં આવી છે, ગઇ મોડી સાંજે કલાત્મક તાજીયાઓ પડમાં આવ્યા હતા, અને આજે શહેરમાં ઝુલુસ નીકળશે, ઠેર ઠેર ન્યાઝ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું, કોમી એખલાસ સાથે માતમ પર્વ મનાવવામાં આવ્યુ હતું અને પર્વ શાંતીપુર્ણ રીતે પુર્ણ થાય એ માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
હાલારમાં મોહર્રમ પર્વની માતમ સાથે ઉજવણી થઇ રહી છે, શહેરના મુખ્ય વિસ્તારોમાં રોશનીના શણગાર અને આકર્ષક ગેઇટ તથા શબીલો કરવામાં આવી હતી, જુદા જુદા વિસ્તારોમાં આમ ન્યાઝનું આયોજન કરાયુ હતું, ઉપરાંત વાએઝ, તકરીરો અને ચોકારામાં મુસ્લીમ બિરાદરોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો, દરમ્યાન મોહર્રમ પર્વ નિમીતે શુક્રવારે મોડી સાંજે કલાત્મક તાજીયાઓ પડમાં આવ્યા હતા અને આજે શહેરમાં જુદા જુદા વિસ્તારોમાંથી યા હુશેનના નાદ સાથે તાજીયાઓના ઝુલુસ નીકળ્યા હતા.
ઇમામ હુશેન અને કરબલાના શહીદોની યાદમાં મોહર્રમ પર્વને માતમ સાથે મુસ્લીમ સમાજ દ્વારા મનાવવામાં આવે છે, કોમી એકતાના માહોલ વચ્ચે મહોર્રમ પર્વની ઉજવણીમાં મોટી સંખ્યામાં મુસ્લીમ બિરાદરો જોડાયા હતા.
જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં મોહર્રમ પર્વ નિમીતે આજે બપોરથી મોડી રાત સુધી જુદા જુદા વિસ્તારોમાંથી કલાત્મક તાજીયાના ઝુલુસ નીકળીને દરબારગઢ ખાતે પરવાનાવાળા તાજીયાઓ એકત્ર થયા હતા, જામનગરના ખોજાનાકા, બેડી, શંકરટેકરી, ધરારનગર, વુલનમીલ, મીણાદાતાર, નવાગામ ઘેડ, શાક માર્કેટ વિસ્તાર,  ચાંદીબજાર, વાઘેરવાડો, જોડીયાભુંગા, પટ્ટણીવાડ, કાલાવડનાકા બહારનો વિસ્તાર, સુમરા ચાલી, દરબારગઢ, ગુલાબનગર વિગેરે વિસ્તારોમાંથી કલાત્મક તાજીયાના ઝુલુસ નીકળ્યા હતા અને લોકો જોવા માટે મોટી સંખ્યામાં જોડાયા હતા, જામનગરમાં અમી ધુળધોયા અને રાજાશાહી વખતના ચાંદીના તાજીયે લોકોએ આસ્થાભેર માનતાઓ પુરી કરી હતી.
જામનગર ઉપરાંત દ્વારકા જીલ્લામાં મોહર્રમ પર્વની ઉજવણી નિમીતે કલાત્મક તાજીયાઓને આજે ઝુલુસ શહેરના ચોકકસ વિસ્તારોમાં ફર્યા હતા, ઠેર ઠેર ન્યાઝ અને સરબતનું વિતરણ કરવામાં આવ્યુ હતું, મોહર્રમનું પર્વ શાંતીપુર્ણ રીતે માતમ સાથે ઉજવણી થાય એ માટે અગાઉ પોલીસ તંત્ર દ્વારા શહેર અને તાલુકા મથકો ખાતે શાંતી સમિતીની બેઠકો યોજવામાં આવી હતી જેમાં હિન્દુ મુસ્લીમ આગેવાનો સહિતના જોડાયા હતા અને મોહર્રમ પર્વ નિમીતે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેરના ખોજાનાકા વિસ્તાર, બેડેશ્ર્વર અને સલાયામાં ગઇ મોડી સાંજે તાજીયા પડમાં આવ્યા બાદ આજે ઝુલુસ નીકળ્યા હતા, મોટી સંખ્યામાં લોકો જોડાઇને માતમ પર્વને મનાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application