પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનાના કાર્ડ રિન્યુઅલની પ્રક્રિયા સમગ્ર દેશમાં બંધ

  • November 28, 2023 12:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સમાજના ગરીબ અને નબળા વર્ગના લોકોને આરોગ્યને લગતી શ્રેષ્ઠતમ સારવાર સરકારના ખર્ચે વિના મૂલ્ય મળી રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ છેલ્લા એકાદ મહિનાથી રીન્યુ થતા નથી અને હજુ એકાદ સપ્તાહ સુધી રીન્યુઅલ ની પ્રક્રિયા શરૂ થાય તેવી કોઈ શક્યતા ન હોવાથી લાખો દર્દીઓ અને તેના પરિવારજનો પારાવાર હેરાન પરેશાન થઈ રહ્યા છે.
જ્યાં સુધી રિન્યુઅલ નહીં થાય ત્યાં સુધી અમે દર્દીઓને દાખલ નહીં કરીએ અને સારવાર નહીં આપીએ. તેવો જવાબ મોટા ભાગની હોસ્પિટલના સંચાલકો આપી રહ્યા છે. જ્યારે બીજી બાજુ સરકારી તંત્રનો સંપર્ક સાધતા તેમના તરફથી એવો જવાબ આપવામાં આવે છે કે રીન્યુઅલની સમગ્ર પ્રક્રિયામાં મોટા ફેરફારો આવી રહ્યા છે. આ માટે નવો સોફ્ટવેર બની રહ્યો છે અને તેના કારણે છેલ્લા એક મહિનાથી આ કામગીરી સ્થગિત કરવામાં આવી છે. એક સપ્તાહ સુધી હજુ કામ ચાલે તેવું લાગે છે અને ત્યાર પછી રીન્યુઅલનું કામ ચાલુ થઈ જશે. પીએમજેએવાયનું કાર્ડ ધરાવનાર વ્યક્તિએ તેમની પોતાની અને પરિવારની આવક માટે સરકારી કચેરીમાંથી પ્રાપ્ત કરેલો આવકનો દાખલો મેળવવાનો હોય છે. આવા દાખલાની વેલીડીટી ત્રણ વર્ષની હોય છે અને ત્રણ વર્ષ પૂરા થયા પછી નવેસરથી આવકનો દાખલો કઢાવવો પડે છે. કાર્ડની મુદતને ત્રણ વર્ષ પુરા થયા હોય તેવા લાખો અરજદારો અત્યારે રીન્યુઅલ માટે આવકનો દાખલો સિસ્ટમમાં અપડેટ કરે છે પરંતુ તે સ્વીકારાતો નથી અને કાર્ડ રીન્યુ થતું નથી.
લાભાર્થી પરિવાર અને દર્દીઓના જણાવ્યા મુજબ જો માત્ર એક -સવા મહિનાની જ વાત હોય તો વચગાળાના આ સમય માટે કોઈક એવી ઓથોરિટી હોવી જોઈએ કે જે આ માટે કામચલાવ મંજૂરી આપી શકે. પરંતુ અત્યારે તો દર્દીઓ ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application