ખંભાળિયાના ખ્યાતનામ શિરેશ્વર લોકમેળાને ખુલ્લો મુકતા કેબિનેટ મંત્રી

  • September 19, 2023 12:08 PM 

વરસાદના વિઘ્ન વચ્ચે શોખીનોએ મેળાની મોજ માણી



ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં આવેલા શ્રી શિરેશ્વર મહાદેવ મંદિરના વિશાળ પટાંગણમાં યોજાતા ભાદરવી લોકમેળાનો શુભારંભ ગઈકાલે સોમવારે સાંજથી કરવામાં આવ્યો છે. ચાર દિવસના આ લોકમેળાને જિલ્લા કલેકટર સહિતના આગેવાનો, મહાનુભાવોની ઉપસ્થિતિમાં કેબિનેટ મંત્રીએ ખુલ્લો મૂક્યો હતો.


ખંભાળિયામાં શક્તિનગર ગ્રામ પંચાયત દ્વારા દર વર્ષે ભાદરવા સુદ ત્રીજ, ચોથ અને પાંચમના યોજાતા લોકમેળા આ વખતે પણ સોમવાર તારીખ 18 થી ગુરુવાર તા. 21મી સુધી યોજવામાં આવ્યા છે. "રખ પાંચમ" ના મેળા તરીકે ઓળખાતા આ લોકમેળાને મીની તરણેતરની પણ ઉપમા આપવામાં આવી છે. ત્યારે આ લોકમેળાને ગઈકાલે અહીંના જિલ્લા કલેકટર અશોક શર્માની ખાસ ઉપસ્થિતિમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તથા જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ રીધ્ધીબા શક્તિસિંહ જાડેજાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે શક્તિનગર ગ્રામ પંચાયત દ્વારા આયોજનબદ્ધ રીતે યોજવામાં આવેલા આ લોકમેળામાં લોકો મન ભરીને મેળાની મોજ માણી શકે તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. ગઈકાલે હળવા વરસાદના કારણે મેળા શોખીનો માટે મેળાની મોજ અધુરી બની રહી હતી.


આ લોકમેળાના ઉદ્ઘાટન પ્રસંગે ડીડીઓ એસ.ડી. ધાનાણી, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, અગ્રણી પી.એસ. જાડેજા, નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી, હરિભાઈ નકુમ સહિતના આગેવાનો, હોદ્દેદારો તેમજ પદાધિકારીઓ ખાસ જોડાયા હતા. આ પ્રસંગે મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ તકે સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ યોજવામાં આવ્યા હતા.

આ લોકમેળાને લોકો નિર્વિઘ્ને માણી શકે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સમગ્ર આયોજન માટે ગ્રામ પંચાયતના સરપંચ પૂનમબેન મયુરભાઈ નકુમ, ઉપસરપંચ હેતલબા ચંદ્રસિંહ જાડેજા, તલાટી કમ મંત્રી પી.ડી. વિંઝુડા તથા સદસ્યો અને સ્ટાફ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application