ખેડૂતો માટે CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, સતલાસણા અને ખેરાલુના જળાશયો ભરાશે

  • May 14, 2023 08:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફરી એકવાર ખેડૂતના હિત લક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ઉત્તર ગુજરાતના બે તાલુકા સતલાસણા અને ખેરાલુના ૫૩ ગામોનાં તળાવો અને ચેકડેમ મળીને કુલ ૭૪ તળાવો, ચેક ડેમ સાબરમતી જળાશય (ધરોઈ) યોજનાના પાણીથી ભરવાનો ખેડૂત હિતકારી નિર્ણય કરવામાં આવ્યો છે.


મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ધરોઈ ખાતે સાબરમતી નદી પર બાંધવામાં આવેલા ધરોઈ બંધના કમાન્ડ એરિયાની ભૌગોલિક સ્થિતિ મુજબ આ બે તાલુકાના ૩૭ ગામનો સમાવેશ  કમાંડ એરિયા માં થઈ શક્યો નથી. આ તાલુકાઓના ખેડૂતો  મુખ્યત્વે પશુપાલન અને ખેતી આધારિત રોજગારી મેળવે છે. આ વિસ્તારમાં વરસાદની અનિયમિતતાના કારણે ભૂગર્ભ જળસ્તર પણ ઊંડા ઊતરી ગયા છે. એટલું જ નહિ, સિંચાઇ અને પશુપાલન માટે તેમને પૂરતું પાણી મળી શકતું નથી.


ખેડૂતોએ કરી હતી રજૂઆત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ સમસ્યાના નિવારણ માટે આ વિસ્તારોના ખેડૂતો અને આગેવાનોએ કરેલી રજૂઆતોનો તેમણે સકારાત્મક અને સંવેદનાપૂર્ણ પ્રતિસાદ આપતાં આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ કરેલા આ નિર્ણય અનુસાર ધરોઈ બંધના પાણીના આ બે તાલુકાના ગામોમાં ઉપયોગ માટે નવીન પાઈપલાઈન નાખીને ખેરાલુ તથા સતલાસણા તાલુકાના તળાવો ભરીને ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ખેરાલુ અને સતલાસણા તાલુકાના આશરે ૫૩ ગામોના તળાવો અને ૮ ચેકડેમને સીધા જોડાણથી તથા ૮ તળાવો અને ૫ ચેકડેમને પરોક્ષ રીતે એમ કુલ ૭૪ તળાવો-ચેકડેમ દ્વારા ૫૮૦૮ હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી આપી શકાશે.


આ હેતુસર વિસ્તરણ પાઈપલાઈન સાથે કુલ ૧૧૮.૧૪ કિલોમીટર લાંબી પાઈપલાઈન નાખવામાં આવશે તથા બે તાલુકાના ૨૭૦૦ થી વધુ ખેડૂતોને સિંચાઈ સુવિધા આપવાના  આયોજન માટે રાજ્ય સરકાર ૩૧૭ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ તળાવો ધરોઈ બંધના પાણીથી તબક્કાવાર ભરવા માટે કુલ ૪૦૦ એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો આ જળાશયમાંથી લેવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application