દ્વારકામાં રીક્ષાની ઠોકરે બાઈક સવાર યુવાનનું મૃત્યુ

  • January 01, 2025 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા નજીકના પોરબંદર હાઈવે માર્ગ પર આવેલા એક પેટ્રોલ પંપ પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 08 એ.ટી. 6028 નંબરની એક રીક્ષાના ચાલકે આ માર્ગ પર જી.જે. 37 પી. 1619 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા હકુભા બનેસંગ પરમાર નામના 30 વર્ષના યુવાનને અડફેટે લેતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ નીરૂભા બનેસંગ પરમાર (ઉ.વ. 40, રહે. ચરકલા) ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે રીક્ષા ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એન.ડી. કલોતરા દ્વારા હાથ ધરવામાં આવી છે. 


કલ્યાણપુરમાં સરકારી જમીન પર અતિક્રમણ: ચાર શખ્સો સામે ગુનો

કલ્યાણપુર પંથકમાં સર્વે નંબર 1429 (જુના સર્વે નંબર 407 પૈકીની) સરકારી જમીન પર છેલ્લા આશરે 55 વર્ષથી અનધિકૃત રીતે દબાણ કરી અને આશરે એક વીઘા જમીનને ખેડીને ઉપયોગ કરવા તેમજ મકાનો બનાવીને ગેરકાયદેસર રીતે કબજો કરવા રહીશ રણમલભાઈ જીવાભાઈ કણજારીયા, જીવાભાઈ નારણભાઈ, રણમલ મુરજીભાઈ કણજારીયા અને ભીમાભાઈ જીવાભાઈ કણજારીયા સામે કલ્યાણપુરના મામલતદાર આર.એમ. સુવા દ્વારા ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઉપરોક્ત એક વીઘા જગ્યાની કિંમત આશરે રૂપિયા પાંચ લાખ જેટલી થતી હોવાનું જાહેર થયું છે. જે અંગે પોલીસે લેન્ડ ગ્રેબિંગની જુદી જુદી કલમ તથા ગુનો નોંધી, આગળની તપાસ ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારા હાથ ધરવામાં આવી છે.


મીઠાપુર પંથકની બે પરિણીતાઓને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ

દ્વારકા તાલુકાના મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતી અને ડોસાભાઈ ફફલની 36 વર્ષની પરિણીત પુત્રી પુષ્પાબેન નિલેશભાઈ મણવરને તેણીના લગ્ન જીવન દરમિયાન રાજકોટના રૈયા વિસ્તારમાં રહેતા તેણીના પતિ નિલેશ ડાયાભાઈ મણવર ,સાસુ અંજુબેન અને નણંદ મીનાબેન જીતુભાઈ સોલંકી દ્વારા શારીરિક તથા માનસિક દુઃખ ત્રાસ આપી, બિભત્સ ગાળો કાઢીને માર મારવા સબબ મીઠાપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. 

અન્ય એક ફરિયાદમાં મીઠાપુરમાં ટાટા ટાઉનશીપ ખાતે રહેતી અને દિનેશભાઈ સિંગરખીયાની 29 વર્ષની પરિણીત પુત્રી હેતલબેન વિજયભાઈ મકવાણાને વડોદરા ખાતે રહેતા તેણીના પતિ વિજયભાઈ અમૃતલાલ મકવાણા, સસરા અમૃતલાલ ઘેલાભાઈ મકવાણા, સાસુ મધુબેન, જેઠ યોગેન્દ્રભાઈ અને જેઠાણી સોનલબેન દ્વારા તેણીના લગ્ન જીવન દરમિયાન શારીરિક તથા માનસિક દુઃખ-ત્રાસ આપી, બિભત્સ ગાળો કાઢી, હેરાન પરેશાન કરવામાં આવતા આ અંગે મીઠાપુર પોલીસે તમામ પાંચ સાસરીયાઓ સામે સ્ત્રી અત્યાચારની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.


ખંભાળિયા, ભાણવડ, ઓખામાં જુગાર રમતા છ ઝડપાયા

ખંભાળિયાના ધીરજલાલ ઉર્ફે ગબ્બર નાનજીભાઈ પાઉં નામના 70 વર્ષના વૃદ્ધને પોલીસે વરલી મટકાનો જુગાર રમતા ઝડપી લીધો હતો. ભાણવડ ટાઉન વિસ્તારમાંથી રાજુ જીવરાજભાઈ સોલંકી, ઇમરાન ઉર્ફે બળો ઉમરમિયાં સૈયદ અને ઈનાયત શેરમામદ બ્લોચને ભાણવડ પોલીસે તેમજ ઓખાના રેલવે ગોડાઉન પાછળથી અલાના ભિખનભાઈ તુરક અને સહદેવસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાને પોલીસે તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લીધા હતા.

       

સલાયામાં માછીમાર સામે કાર્યવાહી

સલાયામાં રેલવે સ્ટેશન રોડ ઉપર રહેતા સાહેલ કરીમ ભગાડ નામના 32 વર્ષના માછીમાર યુવાને પોતાની ફિશીંગ બોટમાં સંદેશા વ્યવહારના સાધનો ન રાખી, ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમના જુદા જુદા નિયમોનું ઉલ્લંઘન કરતા આ અંગે સલાયા મરીન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application