જામકલ્યાણપુરમાં અનધિકૃત રીતે બોકસાઈટ ચોરી પ્રકરણના ઝડપાયેલા ત્રણ આરોપીઓના જામીન રદ

  • June 22, 2023 10:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એલસીબી પોલીસ તથા સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાંથી થોડા સમય પૂર્વે એલસીબી પોલીસ દ્વારા બોકસાઈટ ભરેલા ત્રણ ટ્રકો ઝડપી પાડી અને આ અંગેની ઊંડાણપૂર્વકની તપાસમાં મોટા પાયે બોકસાઈટ (ખનીજ) ચોરી પરથી પડદો ઊંચક્યો હતો. જે સંદર્ભે જે-તે સમયે પાંચ શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ પ્રકરણમાં તપાસનીસ એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંતર્ગત કલ્યાણપુર તાલુકાના વીરપર ગામના ભાવેશ ઉર્ફે ભીખુ પીઠા કાંબરીયા અને જગદીશ ઉર્ફે જગા પીઠા કાંબરીયા ઉપરાંત લીઝના સંચાલક નિશાંત નિર્મળભાઈ થાનકી (રહે. પોરબંદર) ની અટકાયત કરી અને ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ પ્રકરણ સંદર્ભે આરોપીઓ દ્વારા રેગ્યુલર જામીન મેળવવા માટે સ્પેશિયલ (સેશન્સ) કોર્ટમાં અરજી કરતા આ સામે સરકારી વકીલ લાખાભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલી વિવિધ દલીલો તેમજ એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ દ્વારા કરવામાં આવેલી કાયદાકીય કાર્યવાહી અને વિગતવારના મુદ્દાસરના સોગંદનામાને ધ્યાનમાં લઇ અને અદાલતે આરોપીઓના જામીન રદ્દ કરી, આ શખ્સોને જામનગર જિલ્લા જેલ ખાતે મોકલી આપવાનો હુકમ કર્યો છે.
આ સમગ્ર કાર્યવાહી જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની રાહબરી હેઠળ એલ.સી.બી.ના પી.આઈ. ગોહિલ, એએસઆઈ વિપુલભાઈ ડાંગર, દિનેશભાઈ માડમ, ગોવિંદભાઈ કરમુર, સચિનભાઈ નકુમ સાથે સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application