અંધાશ્રમ આવાસમાં બે જુથ વચ્ચે ધિંગાણું: પાંચ ઘાયલ

  • June 30, 2023 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેડતીના મામલે છરીઓ ઉડી : હત્યાની કોશિષ સહિતની કલમો મુજબ  સામસામી ફરીયાદ : સારવારમાં જતા હોસ્પીટલ ખાતે બબાલ : પોલીસ કાફલો દોડયો : મકાન અને વાહનમાં તોડફોડ : ભારે ચકચાર

જામનગરના અંધાશ્રમ આવાસમાં ગત રાત્રીના બે જુથ વચ્ચે હથીયારો સાથે ધીંગાણુ થતા ભારે ચકચાર મચી જવા પામી હતી, દરમ્યાનમાં સારવાર માટે હોસ્પીટલ જતા ત્યાં પણ બબાલ થઇ હતી અને પોલીસ કાફલો ઘટના સ્થળ તથા હોસ્પીટલ ખાતે તાકીદે દોડી જઇ પરિસ્થીતી નિયંત્રણમાં કરી હતી બંને પક્ષ દ્વારા હત્યાની કોશિષ સહિતની કલમ મુજબ ગુના દાખલ કરવામાં આવ્યા છે. યુવતીની છેડતી અને અપશબ્દોના મામલે ધીંગાણુ થયુ હતું બંને પક્ષે ચારથી પાંચ વ્યકિતને ઇજા થઇ છે મકાનમાં તોડફોડ કરવામાં આવી હતી આમ બનાવના પગલે શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
જામનગરના અંધાશ્રમ આવાસ કોલોની બ્લોક નં. ૩૮ રુમ નં. ૫માં રહેતા અને જમીન મકાન લે વેચનો ધંધો કરતા રણજીતસિંહ પોપટભા જાડેજા (ઉ.વ.૫૦)નો પુત્ર કુલદીપસિંહ ગઇકાલે ઘર સામે હનુમાન ડેરી પાસે બેઠો હતો ત્યારે આરોપી સંજયસિંહ, મેહુલ અને એક અજાણ્યા શખ્સોએ અપશબ્દો બોલતા કુલદીપસિંહે ઘરે જઇને ફરીયાદીને વાત કરી હતી આથી ફરીયાદીએ આરોપી સંજયસિંહને ફોન કરતા અને ગાળો આપતા ફરીયાદી પોતાના ઘરે હતા ત્યારે આરોપી મનુ તલવાર સાથે ઘરે જઇ તલવાર પછાડી હતી.
આથી રણજીતસિંહ તેને પડકારતા આરોપી નાશી ગયો હતો અને ત્યારબાદ અન્ય આરોપીઓ મોટરસાયકલમાં આવી અપશબ્દો કહી રણજીતસિંહને મારી નાખવાના ઇરાદે આરોપી પ્રવિણે છરી વડે હુમલો કરી પેટના ભાગે મારવા જતા ફરીયાદીએ આડો હાથ રાખી દેતા પંજામાં ગંભીર ઇજા થઇ હતી જયારે બીજો ઘા છરીનો ફરીયાદીને માથાના ભાગે મારવા જતા નાકના ભાગે ગંભીર ઇજા થઇ હતી.
અન્ય આરોપીઓએ ધોકા વડે કુલદીપસિંહને આડેધડ ઘા ઝીંકી ઇજા પહોચાડી હતી. દરમ્યાન ફરીયાદી અને તેનો પુત્ર હોસ્પીટલ સારવાર માટે જતા આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી હથીયારો ધારણ કરી ફરીયાદીના ઘરે જઇ ટીવી, ફ્રીજ અને રીક્ષામાં તોડફોડ કરી નુકશાની કરી હતી.
આ બનાવ અંગે રણજીતસિંહ જાડેજા દ્વારા સીટી-સી ડીવીઝનમાં સંજયસિંહ ભરતસિંહ વાઢેર, મેહુલ દરબાર, મનુ ભાનુશાળી, પ્રવિણ ઉર્ફે પવી લક્ષ્મીદાસ ગજરા, મનિષ લક્ષ્મીદાસ ગજરા અને એક અજાણ્યા શખ્સ રહે. બધા જામનગરની વિરુઘ્ધ આઇપીસી કલમ ૩૦૭, ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૪૨૭ તથા જીપીએકટ ૧૩૫(૧) મુજબ ફરીયાદ નોંધાવી હતી.
સામા પક્ષે દિ.પ્લોટ ૫૮, કેળાની વખાર પાછળ પુષ્પમ એપાર્ટમેન્ટ બ્લોક ૩૦૪ ખાતે રહેતા પ્રવિણ ઉર્ફે પવી લક્ષ્મીદાસ ગજરા (ઉ.વ.૩૫)એ વળતી ફરીયાદ સીટી-સીમાં રણજીતસિંહ પોપટભા જાડેજા, કુલદીપસિંહ રણજીતસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા, અભિરાજસિંહ નવુભા જાડેજા રહે. બધા અંધાશ્રમ આવાસની વિરુઘ્ધ આઇપીસી કલમ ૩૦૭, ૩૨૩, ૫૦૪, ૧૧૪, જીપીએકટ ૧૩૫(૧) મુજબ ફરીયાદ નોંધાવી હતી.
આ ફરીયાદમાં જણાવ્યુ હતું કે ફરીયાદીની સાળીને આરોપી કુલદીપસિંહ હેરાન પરેશાન કરતો હોય જેથી ફરીયાદી તેને સમજાવવા જતા આરોપીઓએ જેમ ફાવે તેમ અપશબ્દો બોલી આરોપી રણજીતસિંહે ફરીયાદી સાથે બાથમબાથ અને ઝઘડો કર્યો હતો.
ઉપરાંત આરોપીઓએ છરી વડે પ્રવિણને મારી નાખવાના ઇરાદે ઘા ઝીંકી ગંભીર જીવલેણ ઇજા પહોચાડી હતી, અન્ય આરોપીએ ઢીકાપાટુનો માર મારી એકબીજાને મદદગારી કરી હતી.
આવાસમાં ગત રાત્રીના બે જુથ વચ્ચે બધડાટી બોલતા સીટી-સી ડીવીઝન પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો, ઇજાગ્રસ્તોને સારવાર માટે જી.જી. હોસ્પીટલ લઇ જવામાં આવ્યો હતો જયાં ફરી બબાલ અને મામલો ઉગ્ર બનતા સીટી-બી પીઆઇ ઝાલા પોતાની ટીમ સાથે દોડી જતા મામલો શાંત થયો હતો, હોસ્પીટલ ખાતે પણ માથાકુટના પગલે પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો અને મોડી રાત સુધી ધમધમાટ જોવા મળ્યો હતો બંને પક્ષની ફરીયાદના આધારે આગળની તપાસ સીટી-સી પીઆઇ પી.એલ. વાઘેલા ચલાવી રહયા છે.
**
કલ્યાણપુરના ખીરસરાના વૃદ્ધ પર હુમલો
કલ્યાણપુર તાલુકાના જામ ખીરસરા ગામે રહેતા ડાયાભાઈ જેઠાભાઈ પિપરોતર નામના ૬૦ વર્ષના સગર વૃદ્ધ પોતાના સમાજની વાડીએથી પોતાના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે મેઈન બજાર વિસ્તારમાં આ જ ગામના કેશુર દેવા કરમુર નામના શખ્સે તેમને અટકાવી અને "તું મેલી વિદ્યા વારો માણસ છો અને અહીંથી કેમ નીકળો છો."- તેમ કહી અને પથ્થરના ઘા મારીને ઈજાઓ કર્યાની ફરિયાદ સ્થાનિક પોલીસ મથકના નોંધાવવામાં આવી છે. જે સંદર્ભે પોલીસે જુદી જુદી કલમ હેઠળ આરોપી કેશુર દેવાભાઈ સામે કાર્યવાહી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application