જામનગરમાં નકલી પોલીસની વધુ એક પેતરાબાજી

  • May 30, 2023 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એરટીકીટો બુક કરવા ટ્રાવેલ એજન્ટને દાંટી મારી : લેપટોપની માંગણી બાદ ટીકીટો માટે ઠગાઇની કોશિષ

જામનગરમાં નકલી પોલીસના કારસ્તાનનો વધુ એક બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે, જેમાં ટ્રાવેલ એજન્ટને રાજકોટથી દિલ્હી ફલાઇટની ૧૧ ટીકીટ બુકીંગ કરવાનું કહીને એ પછી રકમ ટ્રાન્સફર નહીં કરી ફોન પર અપશબ્દો કહીને ધમકી આપવામાં આવી હતી, ઉલ્લેખનીય છે કે નકલી પોલીસ દ્વારા બે દિવસ પહેલા વેપારી પાસે બે લેપટોપની માંગણી કરી ઠગાઇનો પ્રયાસ કર્યો હતો, પોલીસ દ્વારા વિગતોના આધારે તેમજ મોબાઇલ નંબરની દીશામાં તપાસના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.
જામનગરના રણજીત રોડ, રતનબાઇ મસ્જીદની સામેની શેરીમાં રહેતા ટ્રાવેલ એજન્ટ ઓરંગઝેબ બશીરભાઇ એરંડીયા (ઉ.વ.૨૩)ને ગત તા. ૧૦-૫-૨૩ બપોરના સુમારે આરોપીએ પોતાના મોબાઇલ નં. ૭૯૮૪૭૩૫૮૫૮માંથી ફોન કરીને પોતે એસઓજી પોલીસ જામનગરવાળા મહેશ જાડેજા હોવાની ખોટી ઓળખ આપીને ટ્રાવેલ એજન્ટને રાજકોટથી દિલ્હી ફલાઇટની ૧૧ ટીકીટ બુકીંગ કરી આપવાનું કહયુ હતું.
આથી ટ્રાવેલ એજન્ટ ઓરંગઝેબભાઇએ આરોપીને ટીકીટના પૈસા કુલ ૧.૩૫ લાખ થાય છે તેમ કહેતા આરોપીએ ફરીયાદીને મે વોટસએપ કરેલ બારોકડ સ્કેનર સ્કેન કરી એકાઉન્ટમાં રુા. ૧.૩૫ ટ્રાન્સફર કરી દો બાદમાં હું તમારા એકાઉન્ટમાં ૧.૫૦ લાખ ટ્રાન્સફર કરી આપીશ.
આ પ્રકારની વાત કરતા ટ્રાવેલ એજન્ટે આ બાબતે ના પાડી હતી આથી આરોપીએ વોટસએપ મેસેજ તથા ટેલીફોનીક વાતચીતમાં જેમ ફાવે તેમ ફરીયાદીને અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ઠગાઇ કરવાની કોશિષ કરી હતી.
આ મામલો સીટી-એ પોલીસમાં પહોચ્યો હતો જયાં ટ્રાવેલ એજન્ટ ઓરંગઝેબ એરંડીયા દ્વારા ગઇકાલે ૭૯૮૪૭૩૫૮૫૮ના વપરાશકર્તાની વિરુઘ્ધ આઇપીસી કલમ ૫૧૧, ૪૧૯, ૧૭૦, ૫૦૪, ૫૦૭ મુજબ ફરીયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ જામનગરના તિરુપતીપાર્ક ખાતે રહેતા વેપારીને ફોન પર નકલી પોલીસની ઓળખ આપીને મહેશ જાડેજા નામના શખ્સ દ્વારા બે લેપટોપની માંગણી કરી છેતરપીંડીની કોશિષ કરવામાં આવતા ગુનો દાખલ થયો હતો જે ફરીયાદની તપાસ ચાલુ છે ત્યાં નકલી પોલીસની વધુ એક પેતરાબાજીનો બનાવ સામે આવ્યો છે આથી સધન તપાસ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application