સચાણામાં વધુ એક ડીગ્રી વિનાનો ડોકટર ઝપટે ચડયો

  • November 29, 2023 12:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એસઓજીનો દરોડો : દવા સહિતનો સામાન કબ્જે : માત્ર ૧૨ ચોપડી ભણેલો બિહારી શખ્સ દવા અને ઇન્જેકશન આપતો

જામનગરના સચાણા અને મોટી ખાવડીમાં તાજેતરમાં જ બોગસ તબીબોને એસઓજીએ પકડી લીધા બાદ ગઇકાલે સચાણા ગામમાંથી વધુ એક ડીગ્રી વગરનો ડોકટર ઝપટમાં આવ્યો હતો, દવા સહિતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે, માત્ર ૧૨ ચોપડી ભણેલો બિહારી શખ્સ દવાખાનું ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો.
એસપી પ્રેમસુખ ડેલુની સુચનાથી એસઓજી પીઆઇ બી.એન. ચૌધરી, પીએસઆઇ જે.ડી. પરમાર, પીએસઆઇ આર.એચ. બારા માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો.
દરમ્યાન એસઓજીના હર્ષદભાઇ, સી.એન. જાડેજા, દિનેશભાઇ, અનિરુઘ્ધસિંહને બાતમી મળેલ કે, જામનગર નજીક સચાણા ગામમાં મચ્છીપીઠમાં આવેલ શકીનાબેનના મકાનમાં ભાડેથી રહેતો બિહારી શેખ દવાખાનું ખોલી દર્દીઓને તપાસી અને કોઇપણ પ્રકારની મેડીકલની ડીગ્રી ન હોવા છતા દવા આપીને પૈસા વસુલે છે.
આ હકીકત આધારે રેઇડ પાડીને મુળ બિહારના કિશનગઢ, સાતભીટાના વતની અને હાલ સચાણામાં રહેતા ઇસ્માઇલ આલમરાહી શેખ (ઉ.વ.૪૫)ને પકડી લીધો હતો. કોઇપણ મેડીકલની ડ્રીગ્રી વગર દર્દીઓને તપાસી દવા, ઇન્જેકશન આપી ફી લેતો હતો, પોલીસે તેના કબ્જામાંથી અલગ અલગ કંપનીની દવાઓ, સ્ટેથોસ્કોપ, અન્ય મશીન સહિતનો ૨૨૦૬નો મુદામાલ કબ્જે લીધો હતો. તેના વિરુઘ્ધ ગુજરાત મેડીકલ પ્રેકટીશનર્સ એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી, ઇસ્માઇલ માત્ર ૧૨ સુધી ભણેલો છે.
તાજેતરમાં સચાણા ઉપરાંત મોટી ખાવડીમાં બે મળી કુલ ૩ બોગસ તબીબોને દબોચી લીધા હતા અને વધુ એક મુન્નાભાઇ એમબીબીએસ સચાણામાથી મળી આવતા જીલ્લામાં બોગસ ડોકટરો કેટલા છે એ દિશામાં સધન તપાસ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application