જામનગર જીલ્લા પંચાયત ફાઇલ ચોરી પ્રકરણના આરોપી સામે વધુ એક ફરીયાદ

  • June 02, 2023 09:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સીટની રચના : સસ્પેન્ડેડ કર્મચારી હરીસિંહે ધ્રોલ પંથકમાં બનાવટી કમ્પલીશન સર્ટીના આધારે ૮.૭૯ લાખનું ચુકવણું કરી ગુનો આચર્યો : ચકચારી પ્રકરણમાં તપાસનો ધમધમાટ

જામનગર જીલ્લા પંચાયતના બહુચર્ચીત ફાઇલોની ચોરીના પ્રકરણમાં ગુનો દાખલ થયા બાદ એસપી આકરાપાણીએ થયા હતા અને ગંભીરતા ઘ્યાને લઇને તપાસ માટે સીટની રચના કરી છે, બીજી બાજુ સસ્પેન્ડેડ કર્મચારી સામે ધ્રોલ પંથકમાં એલઇડી લાઇટના કામોમાં બનાવટી કમ્પ્લીશન સર્ટી અને અધિકારીની બોગસ સહી કરીને બીલો મંજુર કરાવી ૮.૭૯ લાખનું ચુકવણું કરી નાખ્યાનું બહાર આવતા તેની સામે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરીયાદ દાખલ થતા ચકચાર મચી જવા પામી છે.
જામનગર જીલ્લા પંચાયતમાં લાઇટશાખામાં આશરે અઢી મહીના પહેલા ફરજ મોકુફ કરાયેલ કર્મચારી હરીસિંહ પ્રતાપસિંહ ગોહિલએ ચાવીથી ઓફીસ ખોલીને ૧૫૮૨ ફાઇલો અને ૨૨૦ રજીસ્ટરોનો જથ્થો ટ્રેકટરટ્રોલીમાં ભરીને લઇ ગયો હતો જે મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો અને આખરે બે દિવસ પહેલા સીટી-એ ડીવીઝનમાં જીલ્લા પંચાયત નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ મકાન પંચાયત પેટા વિભાગના જયવીરસિંહ ચુડાસમા દ્વારા હરીસિંહ ગોહીલ સામે ફરીયાદ નોંધાવી હતી. જેના પગલે ભારે ચકચાર મચી ગઇ હતી.
ફાઇલ ચોરી પ્રકરણમાં જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ આકરાપાણીએ થયા છે અને બનાવની ગંભીરતા ઘ્યાને લઇ તાકીદે વિશિષ્ટ તપાસ માટે સીટની રચના કરી છે જેમાં એક ડીવાયએસપી, બે પીઆઇ, એક પીએસઆઇ, પોલીસકર્મીઓ સહિતની ટીમની નિમણુંક કરીને આ અંગેની ઉંડાણપૂર્વક તપાસ કરશે.
સીટ દ્વારા આ પ્રકરણની તપાસમાં ગુમ થયેલી ફાઇલો શોધવી અને જો નિકાલ થયો હતો તો પુરાવા મેળવવા, આરોપીની અટક બાદ આ પ્રકરણમાં અન્ય કોણ સંડોવાયેલ છે તેમજ એ અંગેના પુરાવા મેળવવા સીસીટીવી કેમેરાના ઉપયોગ તેમજ ફરીયાદ લાંબા સમય સુધી કેમ નોંધવામાં ન આવી વિગેરે જેવા મુદાઓ આવરી લેવામાં આવ્યા છે.
બીજી બાજુ સસ્પેન્ડેડ કર્મચારી સામે વધુ એક ગુનો ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ગઇકાલે દાખલ કરવામાં આવ્યો છે, જેમાં આરોપી જામનગર પંચાયત વિભાગ ઇલેકટ્રીક શાખાના ઇલેકટ્રીશ્યન હરીસિંહ પી. ગોહીલ પોતે રાજય સેવક હોય જે હોદાનો ફાયદો લઇને પોતાને આર્થીક લાભ મળી રહે તે માટે ધ્રોલ તાલુકાના ખેંગારકા, હમાપર, દેડકદડ તથા જાળીયા માનસર ગામ ખાતે એલઇડી સ્ટ્રીટલાઇટના કામોમાં તેમના દ્વારા આપવામાં આવતુ કમ્પ્લીશન સર્ટીફીકેટ પર તેમની સહી બાદ નાયબ કાર્યપાલક ઇજનેર ધ્રોલની સહી કરવાની હોય છે જે સહીના બદલે ના.કા.ઇ. કચેરી ધ્રોલના બનાવટી સિકકા બનાવી પોતાના કબ્જામાં રાખ્યા હતા.
જે સિકકા લગાવી તેના પર ના.કા.ઇ.ની સહી જેવી ભળતી અને બનાવટી સહી પોતે કે પોતાના કોઇ મળતીયા દ્વારા કરી-કરાવી ના.કા.ઇ. કચેરી ધ્રોલના જાવક નંબર કે ફોરવર્ડીંગ લેટર વગર બારોબાર તાલુકા પંચાયત કચેરી ધ્રોલ ખાતે બનાવટી અને બોગસ દસ્તાવેજને ખરા તરીકે રજુ કર્યા હતા.
આ રજુ કરેલ બનાવટી કમ્પ્લીશન સર્ટીફીકેટના આધારે ધ્રોલ તાલુકા પંચાયત કચેરી દ્વારા ઉપરોકત કામોના બીલો મંજુર કરી ગ્રામ પંચાયતોને રુા. ૮.૭૯.૮૩૨નું ચુકવણુ કરી આપતા ગુનો કર્યો હતો. આ વિગતોના આધારે જામનગરના સરસ્વતીપાર્કમાં રહેતા અધિકારી કૌશલકુમાર ભીમજીભાઇ છૈયા દ્વારા ગઇકાલે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જામનગર પંચાયત વિભાગ ઇલેકટ્રીક શાખાના ઇલેકટ્રીશ્યન હરીસિંહ પી. ગોહીલની વિરુઘ્ધ આઇપીસી કલમ ૪૬૫, ૪૬૬, ૪૬૭, ૪૭૧, ૪૭૨, ૪૭૫ મુજબ ફરીયાદ નોંધાવી હતી, આ બનાવ ગત તા. ૧-૧-૨૦૨૧ થી તા. ૩૧-૧-૨૦૨૩ દરમ્યાન તાલુકા પંચાયત ધ્રોલ ટાઉન ખાતે બન્યાનું ફરીયાદમાં જણાવવામાં આવ્યું છે. આ વિગતોના આધારે આગળની તપાસ ધ્રોલના પીએસઆઇ પી.જી. પનારા ચલાવી રહયા છે.
જામનગર જીલ્લા પંચાયતના ફાઇલ ચોરી પ્રકરણના આરોપી સસ્પેન્ડેડ કર્મચારી સામે વધુ એક ગુનો દાખલ થતા ચકચાર મચી છે. પોતાના ફરજના કાર્યકાળ દરમ્યાન કેટલી અને કેવા પ્રકારની ગોબાચારી કરવામાં આવી છે એ સહીતની વિગતો હાલની તપાસમાં આગામી દિવસોમાં બહાર આવશે ઉપરાંત પ્રકરણમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે એ બાબતે પણ પોલીસ ટુકડી દ્વારા સધન તપાસ આદરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application