અંગૂરી ભાભી એટલે શુભાંગી અત્રેનું લગ્નજીવન 19 વર્ષે ભંગાણના આરે

  • March 10, 2023 04:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અંગૂરી ભાભી એટલે શુભાંગી અત્રેનું લગ્નજીવન ભંગાણના આરે

ભાભી જી ઘર પર હૈંના સહી પકડેં હૈં ડાયલોગથી શુભાંગી વધુ ફેમસ થઇ

 19 વર્ષનું દામ્પત્યજીવન હવે કોઇ સંજોગોમાં ટકવાની સંભાવના નથીઃ શુભાંગી

લોકપ્રિય સીરિયલ ભાભીજી ઘર પર હૈની એક્ટ્રેસ શુભાંગી અત્રેનું લગ્નજીવન તૂટવાની અણીએ છે. સહી પકડે હૈં સંવાદને કારણે લોકોના દિલોમાં એકદમ સાદગીપૂર્ણ મહિલાના પાત્ર તરીકે ઘર કરનારી અંગૂરી ભાભી એટલે શુભાંગી અત્રે પોતાના પતિ પિયૂષ પુરીથી અલગ થઈ ગઈ છે. શુભાંગી અને પિયૂષ લગભગ છેલ્લા એક વર્ષથી સાથે નથી રહેતા. બંને વચ્ચે સમાધાન થાય તેવા કોઈ એંધાણ હાલ દેખાતા નથી. ડિજિટલ માર્કેટિંગના ક્ષેત્રે કાર્યરત પિયૂષ સાથે શુભાંગીએ 2003માં પોતાના વતન ઈન્દોરમાં લગ્ન કર્યા હતા. લગ્નના બે વર્ષ બાદ કપલ દીકરીનું પેરેન્ટ્સ બન્યું હતું.

શુભાંગીએ પતિ સાથે ડિવોર્સની પુષ્ટિ કરી છે. શુભાંગીએ કહ્યું કે....

 છેલ્લા એક વર્ષથી અમે સાથે નથી રહેતા. મેં અને પિયૂષે અમારા લગ્નજીવનને ટકાવવાના બનતા બધા જ પ્રયત્ન કર્યા છે. પરસ્પર માન, સાઝીદારી, વિશ્વાસ અને મિત્રતા એ મજબૂત લગ્નજીવનના પાયા છે. જોકે, અમને છેવટે લાગ્યું કે, અમે અમારા મતભેદો દૂર નહીં કરી શકીએ એટલે જ અમે એકબીજાથી દૂર થવાનો નિર્ણય કરીને વ્યક્તિગત વિકાસ અને કરિયર પર ધ્યાન કેંદ્રીત કરવાનો નિર્ણય કર્યો.

શુભાંગીનું કહેવું છે કે...

 આ નિર્ણય લેવો સરળ નહોતું. હજી પણ આ વાત મુશ્કેલ લાગે છે. મારો પરિવાર મારી પ્રાથમિકતા છે અને આપણે બધા જ ઈચ્છીએ છીએને કે પરિવાર આપણી સાથે રહે. જોકે, કેટલાક ઘા એવા હોય છે જે ભરાતા નથી. જ્યારે વર્ષો જૂનો સંબંધ તૂટે છે ત્યારે માનસિક અને ભાવનાત્મક રીતે તમને પણ તોડે છે. મારા પર પણ અસર થઈ હતી પરંતુ આ નિર્ણય જરૂરી હતો. માનસિક સ્થિરતા સર્વોપરી છે. હું હંમેશાથી માનતી આવી છું કે વિપરીત પરિસ્થિતિ તમને ઘણું શીખવે છે.

હૈલ તો શુભાંગી અને પિયૂષ તેમની 18 વર્ષની દીકરી આશી માટે થઈને મૈત્રીપૂર્ણ સંબંધ રાખી રહ્યા છે. શુભાંગીએ આગળ કહ્યું... અમારી દીકરી માતા અને પિતા બંનેનો પ્રેમ મેળવવાની હકદાર છે. પિયૂષ દર રવિવારે તેને મળવા આવે છે. હું નથી ઈચ્છતી કે તે પિતાના પ્રેમથી વંચિત રહે.

 ઉલ્લેખનીય છે કે, શુભાંગીએ પોતાના ટીવી કરિયરની શરૂઆત 2006માં સીરિયલ 'કસૌટી જિંદગી કી' સાથે કરી હતી. 'કસ્તૂરી', 'ચીડિયા ઘર' સહિત કેટલીય સીરિયલોમાં તે જોવા મળી ચૂકી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application