આજે રાષ્ટ્રિય ડેંગ્યુ દિવસ: કેસ ન વધે તે માટે સાવચેતી રાખવા સલાહ

  • May 16, 2023 09:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચોમાસામાં ડેન્ગ્યુના કેસો ન વધે તે હેતુથી જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરાશે: જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે ડેન્ગ્યુના માત્ર ૫ કેસ નોંધાયા

દર વર્ષે ૧૬મે ના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દીવસ મનાવવામાં આવે છે. ડેન્ગ્યુ વિષે જાગૃતિ ફેલાવવા માટે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની ભલામણ પર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જામનગર જીલ્લામાં હાલમાં ડેન્ગ્યુના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે.
વર્ષ ૨૦૨૨માં જિલ્લામાં ડેન્ગ્યુના ૧૦૨ કેસ નોંધાય હતા. જેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં માત્ર ૫ કેસ નોંધાયા છે. આ સ્થિતિને વધુ સારી રીતે જાળવી શકાય તથા આગામી ચોમાસા દરમ્યાન ડેન્ગ્યુ કેસો વધવા ન પામે તેવા હેતુથી રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી સમગ્ર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવશે.
આ વર્ષની ડેન્ગ્યુ દિવસની થીમ ડેન્ગ્યુ અટકાવવા સહભાગી બનીએ  મુજબ ડેન્ગ્યુ-ચીકનગુનીયા જેવા વાહકજન્ય રોગોના અસરકારક નિયંત્રણ અને નાબુદી માટે વિવિધ આરોગ્ય શિક્ષણના માધ્યમથી જનજાગૃતિ કેળવવા જન-સમુદાયની સક્રિય ભાગીદારી મેળવવાની હોય છે. ઘરના સંગ્રહિત ચોખ્ખા અને બંધીયાર પાણીમાં પેદા થતો એડીસ ઈજીપ્તી પ્રકારના ચેપી માદા વાહક મચ્છર દ્રારા તંદુરસ્ત વ્યક્તિને દિવસે કરડવાથી આ રોગ ફેલાય છે.
જેથી મચ્છર ઉત્પતિ અટકાવા માટે ઘરમાં સંગ્રહિત કરેલ પાણીના તમામ ટાંકાઓં/પાત્રોને માત્ર હવાચુસ્ત ઢાંકવાથી તેમજ ઘરની આસપાસ/છત ઉપર ચોમાસા પહેલા કે બાદ બિનઉપયોગી કાટમાળ નિકાલ/નાશ કરવાથી મચ્છર તેમાં ઈંડા મૂકી શકતા નથી. આવી રીતે ડેન્ગ્યુથી બચી શકાય છે.
આજ રોજ જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય કર્મચારી મારફતે ફિલ્ડ મુલાકાત દરમ્યાન ગામના તમામ ઘરોમાં ફરીને ડેન્ગ્યું વિરોધી પોરાનાશક કામગીરી અને આરોગ્ય શિક્ષણ તથા બેનર-પોસ્ટર લગાવવા,પત્રીકા આપવી, ભીતસુત્રો લખવા, સોશિયલ મીડિયા મારફતે ડેન્ગ્યુ લગત જાહેરાત સંદેશાઓ મોકલવા,નોટીસ બોર્ડમાં સંદેશ લખવા અને બીજી અન્ય જરૂરી પ્રવૃત્તિઓ જેવી કે ગુરુશીબીર, લઘુશીબીર, નિબંધ, વક્તૃત્વ, પ્રદર્શન વગેરે દ્વારા સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ આરોગ્ય શિક્ષણની કામગીરી ઝુંબેશના રૂપમાં હાથ ધરવામાં આવશે.
રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ઉજવણીમાં ભાગ લઇ અભિયાનને સફળ બનાવવા જીલ્લાના તમામ આગેવાનો તથા નાગરિકોને સહકાર આપવા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એચ. ભાયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે તેમજ ૧૬મી-મે ૨૦૨૩ અનુસંધાને વાહકજન્ય રોગોનો ફેલાવો અટકાવવા માટે રાજ્ય સરકારના ઘનિષ્ઠ પ્રયત્નોને ત્યારે જ સફળતા મળે કે જ્યારે પ્રજાજનો સહકાર આપે.
લોકોની સુખાકારી એ સરકારની જવાબદારી છે, પરંતુ સહકાર મળવો એ અનિવાર્ય છે. ડેન્ગ્યુ, ચીકનગુનીયા રોગથી લોકોએ ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી જરૂરી છે. શંકાસ્પદ ડેન્ગ્યુ તાવના લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/સામુહિક આરોગ્ય કેન્દ્ર/સરકારી હોસ્પિટલો કે આરોગ્ય કાર્યકરનો તાત્કાલિક સંપર્ક કરીને લોહીની તપાસ કરાવી સારવાર લેવી જોઈએ. તે પ્રકારે સંદેશો આપવામાં આવ્યો છે.
**
ડેન્ગ્યું અટકાવવા આટલું કરીએ
* ઘરના પાણીના તમામ ટાંકાઓં/પાત્રોને ઢાંકી ને રાખીએ.
* બિનઉપયોગી કાટમાળ નિકાલ/નાશ કરીએ.
* સપ્તાહમાં એક દિવસ ડ્રાય ડે (સુકો દિવસ) નું આયોજન કરીએ.
* ફ્રીજ ની ટ્રે,પક્ષીકુંજ વગેરે ની નિયમિત સફાઈ કરીએ.
* મચ્છરદાની નો ઉપયોગ કરીએ.
* આરોગ્ય કાર્યકરને સહકાર આપીએ.
* વહેલું નિદાન, ત્વરિત સારવાર નું ધ્યાન રાખીએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application