આમિર ખાને એક સમયે  રોડ પર ફિલ્મના પોસ્ટર ચોંટાડ્યા હતા

  • March 15, 2023 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • હિરો તરીકેને પહેલી ફિલ્મમાં મિ. પરફેક્ટનીસને મળ્યા હતા માત્ર રૂ.1000 
  • ફિલ્મ સર્જક પિતાની ઇચ્છા આમિરને ડોક્ટર, એન્જીનિયર બનાવવાની હતી


આમિર ખાનને ઈન્ડસ્ટ્રીમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને આ નામ શાનદાર એક્ટિંગને કારણે મળ્યું છે. પરંતુ બોનીવૂડમાં જગ્યા બનાવવા માટે તેને ઘણી મહેનત કરવી પડી હતી. એટલે સુધી કે એક જમાનામાં તે રસ્તાઓ પર પોતાની ફિલ્મોના પોસ્ટર ચોંટાડતો હતો.


આ દિગ્ગજ અભિનેતા આમિર ખાને ગઇકાલે 14 માર્ચે  58મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો. આ ખાસ અવસર પર તેને સોશિયલ મીડિયા પર ચારે તરફથી શુભેચ્છાઓ મળી હતી. ફેન્સની સાથે સાથે અનેક સેલિબ્રિટીઓએ પણ શુભેચ્છા પાઠવી છે.

આમિર ખાને  1973માં ફિલ્મ યાદો કી બારાત'થી ચાઇલ્ડ એક્ટર તરીકે પોતાની ફિલ્મી સફર શરૂ કરી હતી. આ ફિલ્મ તેના કાકા નાસીર હુસૈને ડિરેક્ટ કરી હતી. જેમની આ સહિતની ઘણી મ્યુઝિકલ ફિલ્મો આજે પણ લોકોને યાદ છે. 



 હીરો તરીકે આમિરનું કરિયર 1988માં આવેલી ફિલ્મ કયામત સે કયામત તકથી શરુ થયું હતું, જેમાં તે એક્ટ્રેસ જુહી ચાવલા સાથે જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં આમિરે એક્ટિંગમાં જીવ રેડી દીધો હતો સાથે જ તે ફિલ્મને હિટ કરવામાં કોઈ કસર છોડવા માંગતો ન હતો. તેના માટે પ્રમોશન કરવા તેણે જાતે જ રસ્તાઓ પર ફરીને પોતાની ફિલ્મના પોસ્ટર ચોંટાડ્યા હતા. તે સમયે તે એટલો ફેમસ ન હતો, તેથી કોઈ તેને ઓળખી શક્યું ન હતું. તે સમયનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં એક ઓટો ડ્રાઈવરે તેને ફિલ્મનું પોસ્ટર લગાવવાની ના પાડી હતી. તે લોકોને કહેતો હતો કે આ ફિલ્મમાં તે પોતે જ હીરો છે, પરંતુ ઘણા લોકો આ વાત સ્વીકારવા પણ તૈયાર નહતા.

આમીર ખાનની આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. પરંતુ નવાઇ લાગશે કે આ ફિલ્મ માટે તેને માત્ર 1000 રૂપિયા જ મળ્યા હતા. આ પછી તેણે ઘણી વધુ હિટ ફિલ્મો પણ આપી. તેણે પછીના વર્ષોમાં 'દિલ', 'જો જીતા વોહી સિકંદર' અને 'હમ હૈ રાહી પ્યાર' જેવી ફિલ્મો કરી અને આ ફિલ્મોમાં આમિરને ખૂબ પસંદ કરવામાં આવ્યો. થ્રી ઇડિયેટ્સ અને પીકે જેવી ફિલ્મોમાં તેનો જાદૂ જોવા મળ્યો

આમિરને તે જમાનાનો ચોકલેટ બોય કહેવામાં આવતો હતો, પરંતુ તેણે પોતાની કરિયરને ઊપર લઈ જવા માટે આ ઈમેજથી અલગ સિરિયસ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેણે 'ગુલામ', 'સરફરોશ' અને 'લગાન' જેવી ફિલ્મો કરી અને આ ફિલ્મો હિટ પણ રહી. 

આમિરે પછી તારે જમીન પર જેવી અદભૂત ફિલ્મનું નિર્માણ અને દિગ્દર્શન પણ કર્યું. પછી તેની દબંગ અને સિક્રેટ રોકસ્ટાર જેવી બ્લક બસ્ટર ફિલ્મોમાં કામ કર્યું. જેણે ચીનમાં આમીરની ઇમેજ શોમેન રાજકપૂર જેવી બનાવી દીધી. પરંતુ ચાર વર્ષોથી આમિર સફળતાની તલાશમાં છે. તેની છેલ્લે આવેલી બંને ફિલ્મો ઠગ્સ ઓફ હિન્દોસ્તાન અને લાલ સિંહ ચઢ્ઢા બહુ ખરાબ રીતે ફ્લોપ ગઇ.

આમિરના પિતા તાહિર હુસૈન પણ બોલીવૂડના જાણીતા ફિલ્મ સર્જક હતા. પરંતુ તેમને ભાઇ નાસિર જેટલી સફળતા મળી નહીં. ઉલ્ટાનું એક પછી એક ફિલ્મો ફ્લોપ થતાં તેઓ દેવામાં ડૂબી ગયા હતા. એક સમય એવો પણ આવ્યો હતો કે 40 વર્ષની વયે નોકરી કરવા માટે તેમણે ઘરમાં સર્ટીફિકેટ્સ ફંગોળ્યા હતા.

બોલીવૂડમાં તે સમયની અનિશ્ચત્તાનો લીધે તાહિર હુસૈન ઇચ્છતા નહતા કે આમિર ખાન ફિલ્મ દુનિયામાં કામ કરે. બલકે તેમની ઇચ્છા એવી હતી કે આમિર ડોક્ટર કે એન્જીનિયર બની જીંદગીમાં સફળ થાય. પરંતુ બીજી બાજુ એવી સ્થિતિ હતી કે આમિરને ડર લાગતો હતો કે ક્યાંક સ્કૂલમાં ફી નહીં ભરવાને કારણે તેને કાઢી મૂકવામાં ન આવે. જો કે વિધાતાને કંઇક ઔર મંજૂર હતું અને આજે આમિર બોલીવૂડનો જાણીતો ખાન છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application