જામજોધપુરમાં ફસાયેલા પતંગ લેવા જતા વીજ કરંટથી તરૂણનું મોત

  • January 15, 2025 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મકરસંક્રાંતિના પર્વે પતંગના દોરાથી એક મહિલા અને ત્રણ બાળકો સહિત 14 વ્યક્તિઓ ઘાયલ: ખેતરની ફરતે વાયરથી વિજ પ્રવાહ મુકનાર વાડી માલિક સામે ફરીયાદ : જામનગરમાં સાંઢિયા પુલ પરથી પસાર થઈ રહેલા એક બાઈક સવાર યુવાનનું ગળું કપાયું: રક્કા ગામમાં કિશોર પતંગ ઉડાવતાં છત પરથી નીચે પટકાતા ઇજા


જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં મકરસંક્રાંતિના પર્વને અનુલક્ષીને લોકોએ મન ભરીને પતંગ ઉડાવી ને પતંગોત્સવ મનાવ્યો હતો, પરંતુ પતંગના દોરા ના કારણે 14 વ્યક્તિઓ ઘાયલ થઈ છે, અને તમામને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે. જયારે જામજોધપુરના પાટણ રોડ પર એક કણ બનાવ સામે આવ્યો હતો જેમાં શેઢે ફસાયેલી પતંગ લેવા ગયેલા તણને વાડી ફરતે ગોઠવેલા વિજ પ્રવાહમાંથી કરન્ટ લાગતા મૃત્યુ થયુ હતું. દરમ્યાન ગેરકાયદે વાડી ફરતે ઇલેકટ્રીક પ્રવાહ ચાલુ રાખનાર વાડી માલિક સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે.


જામનગર શહેર, જીલ્લામાં ઉત્તરાયણના પર્વ નિમીતે લોકો દ્વારા પતંગ ઉડાડવાની મજા માણવામાં આવી હતી, દરમ્યાનમાં એક તણનું મૃત્યુ અને અન્ય સ્થળોએ 14 જેટલી વ્યકિત પતંગના કારણે ઇજાગ્રસ્ત બની હોવાનું જાણવા મળ્યું છે.


જામજોધપુરના પાટણ રોડ પર મીલ પાસે રહેતા રામાભાઇ કાનાભાઇ મુસાર (ઉ.વ.45) નામના રબારી યુવાને ગઇકાલે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં મોટી હવેલી શેરી જામજોધપુર ખાતે રહેતા ચંદુ ઠાકરશીભાઇ બંકોરી (ઉ.વ.75)ની વિરુઘ્ધ ભારતીય ન્યાય સંહીતા કલમ 105 મુજબ ફરીયાદ નોંધાવી હતી.


જે મુજબ ચંદુભાઇએ પોતાની વાડીની ફરતે કોઇની જીંદગી જોખમાય, મોત નિપજે તેવુ પોતે જાણતા હોવા છતા વાડીની ફરતે વાયર ગોઠવી ઇલેકટ્રીક પ્રવાહ ચાલુ રાખ્યો હતો, દરમ્યાન ગઇકાલે સંક્રાતના દિવસે ફરીયાદીના પુત્ર વિજય રામાભાઇ (ઉ.વ.14) ફસાયેલી પતંગ લેવા એ તરફ ગયો હતો દરમ્યાન વાડીની બાજુના શેઢા પર રાખેલ વાયરને અડકી જતા ઇલેકટ્રીક શોક લાગવાથી તણનું મૃત્યુ થયુ હતું જેના કારણે પરિવારમાં શોકની લાગણી ફેલાઇ હતી.


અન્ય બનાવમાં પતંગના દોરાથી સમગ્ર દિવસ દરમિયાન ગ્રીન સીટી વિસ્તારમાં રહેતી એક 22 વર્ષની યુવતી, ઉપરાંત બે બાળકો તથા 11 પુરુષો સહિત કુલ 14 વ્યક્તિઓ ઘાયલ થયા હતા, અને તમામને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી, અને ટાંકા અપાયા બાદ તમામને રજા આપી દેવાઇ છે. એક યુવાન સારવાર હેઠળ છે.


જામનગરના સાંઢીયા પુલ પરથી પસાર થઈ રહેલા એક બાઈક ચાલક યુવાન મહિપતસિંહ જાડેજા કે તેના ગળામાં પતંગની દોરી ફસાઈ હતી, અને તેનું ગળું કપાયું હતું, અને ગંભીર ઇજા થઇ હતી, આ બનાવ અંગે 108ની ટીમને જાણ કરાતાં 108 ની ટુકડી તાબડતોબ સાંઢીયા પુલ પર દોડી આવી હતી, અને ઇજાગ્રસ્ત યુવાનને સારવાર આપ્યા બાદ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં સારવાર બાદ રજા આપી દેવાઇ હતી.


આ ઉપરાંત જામનગર નજીક રણજીતસાગર ડેમ પાસે આવેલા રક્કા ગામમાં એક કિશોર પોતાના મકાનની છત પર પતંગ ઉડાવતો હતો, જે દરમિયાન અકસ્માતે નીચે પટકાયો હતો, અને તેને પણ ઇજાગ્રસ્ત હાલતમાં 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે, જેને ગળાના ભાગે તેમજ હાથ અને પીઠના ભાગે ઇજા થઈ છે. ગઇકાલે દિવસ દરમિયાન કુલ 14 વ્યક્તિઓ પતંગના દોરાથી ઈજાગ્રસ્ત બની હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application