પિતાના ઠપકાની બાબત મનમાં લાગી આવતા ચોખંડાની યુવતીએ આપઘાત કર્યો

  • September 18, 2023 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડ તાલુકાના ચોખંડા ગામની સીમમાં રહેતા જેસાભાઈ કરણાભાઈ ગોજીયાની 22 વર્ષની પુત્રી નીતુબેનને જેસાભાઈએ મોબાઈલ જોવા બાબતે ઠપકો આપતા આ બાબતે નીતુબેનને મનમાં લાગી આવ્યું હતું. જેના કારણે તેણીએ ખંભાળિયા તાલુકાના આંબરડી ગામે ગત તારીખ 7 ના રોજ એસિડ ગટગટાવી લેતા તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ હતું. આ બનાવની જાણ મૃતકના પિતા જેસાભાઈ કરણાભાઈ ગોજીયાએ અહીંની પોલીસને કરી છે. જે અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આરંભડાના યુવાન ઉપર હુમલો: ત્રણ શખ્સો સામે ફરિયાદ

ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા ગામે રહેતા અકરમભાઈ રહીમભાઈ ચાવડા નામના 26 વર્ષના ભડેલા મુસ્લિમ યુવાન પર તેના ભાઈ સાથે જમવા બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી, ઓખાના સીદીયાભા આસપારભા માણેક, જીતેશભા માંડણભા સુમણીયા અને શિવમભા કારાભા માણેક નામના ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા વડે ફરિયાદી અકરમભાઈ તથા તેમની સાથે સાહેદ આરીફ વલીમામદભાઈને બેફામ માર મારી, ઇજાઓ કર્યાની તથા બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ઓખા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ઓખાના પી.એસ.આઈ. આર.આર. ઝરુ દ્વારા હાથ ધરવામાં આવી છે.

ખંભાળિયા પંથકની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ગુનો

ખંભાળિયા તાલુકાના જુવાનગઢ ગામે હાલ રહેતી અને ફિમેલ હેલ્થ વર્કર તરીકેની સરકારી નોકરી કરતી જીવનભાઈ લખમણભાઈ પરમારની 28 વર્ષની પરણિત પુત્રી જ્યોત્સનાબેન રાણાભાઈ મકવાણાને તેણીના લગ્નજીવન દરમિયાન દ્વારકા તાલુકાના ધડકી ગામે રહેતા અને ટીઆરબીમાં નોકરી કરતા તેણીના પતિ રાણા નાથાભાઈ મકવાણા, સાસુ રાજીબેન, દેર જેન્તી તથા નણંદ ગીતાબેન દ્વારા તેણીના લગ્ન જીવન દરમિયાન અવારનવાર મેણા-ટોણા મારી, મારકૂટ કર્યાની તથા શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપ્યાની ફરિયાદ અહીંના મહિલા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસ સ્ત્રી અત્યાચારની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ખંભાળિયા: કારમાં દારૂ લઈને નીકળેલો શખ્સ ઝડપાયો

ખંભાળિયા તાલુકાના પરોડિયા ગામે રહેતા હમીર પાલા મશુરા નામના 39 વર્ષના ગઢવી શખ્સને શનિવારે રાત્રિના સમયે સલાયા ચેક પોસ્ટ પાસેથી પોલીસે તેની જી.જે. 08 એ.જે. 7623 નંબરની આઈ-20 મોટરકારમાં જતા અટકાવી ચેકિંગ કરતા આ કારમાંથી વિદેશી દારૂની બાટલી મળી આવી હતી. આથી પોલીસે રૂપિયા ચાર લાખની કિંમતની આઈ-20 મોટરકાર કબજે લઈ, તેની સામે સલાયા મરીન પોલીસ મથકમાં જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application