જોડિયાના સસ્પેન્ડેડ પીએસઆઈના પ્રકરણમાં કડાકા ભડાકા થવાના એંધાણ

  • December 28, 2023 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તપાસ રિપોર્ટ સોંપાયો: કૉલ ડિટેઈલમાં સાંઠગાંઠ સામે આવી: ટૂંક સમયમાં નિર્ણય લેવાશે

આશરે ત્રણ માસ પૂર્વે જોડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી જીઆરડીની એક મહિલાએ જાતિય સતામણી અંગેનો આક્ષેપ કરતી રજૂઆત કરતાં તાકિદની અસરથી પીએસઆઈ અને રાઈટરને સસ્પેન્ડ કરાયા હતાં. આ પ્રકરણની તપાસ દ્વારકાના એએસપીને સોંપવામાં આવી હતી, જે તપાસ રિપોર્ટ સુપ્રત કરવામાં આવ્યો છે અને કૉલ ડિટેઈલ સહિતની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે અને નજીકના દિવસોમાં આ અંગેની સત્તાવાર વિગતો સામે આવશે અને નિર્ણય લેવાશે તેમ જાણવા મળ્યું છે.
જોડિયા પોલીસ મથકમાં ફરજ બજાવતાં જીઆરડી મહિલાએ આશરે ત્રણે’ક મહિના પહેલાં જાતિય સતામણી કરાતી હોવાના આક્ષેપ સાથેની રજૂઆત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ કરી હતી, જેના આધારે પોલીસ બેડા સહિતમાં ચકચાર ફેલાઈ હતી અને એ પછી જોડિયા પીએસઆઈ ગોહિલ અને રાઈટરને તાકિદના ધોરણે સસ્પેન્ડ કરાયા હતાં, જ્યારે પાંચ પોલીસ કર્મીચારીઓની અન્ય સ્થળે બદલી કરવામાં આવી હતી.
આ ચકચારી પ્રકરણની તપાસ દ્વારકાના એએસપી રાઘવ જૈનને સોંપવામાં આવી હતી, આથી આ મામલામાં જીઆરડી મહિલા અન્ય પોલીસકર્મી સહિતની કૉલ ડિટેઈલ કઢાવવામાં આવી હતી. જેમાં અનેક વખત કૉલ થયાંનું સામે આવ્યું છે, જેના આધારે કેટલાંક પોલીસ કર્મી સહિતના શંકાના દાયરામાં આવ્યા હતાં. આ ઉપરાંત અન્ય જીઆરડી મહિલા સહિતના ડઝન જેટલાં લોકોના નિવેદનો લેવામાં આવ્યા હતાં, જેના આધારે એક-બીજાની સાંઠગાંઠ હોવાનું સામે આવ્યું છે.
એવી પણ વિગત જાણવા મળી છે કે, જોડિયા જીઆરડીમાં પગાર અને ઉઘરાણાંની વિગતો મળતાં જે તે વખતે પીએસઆઈ દ્વારા આ મામલે તપાસ શરુ કરવામાં આવી હતી, જે બાબત ખૂંચી હોવાથી એક-બીજાએ ષડયંત્ર રચ્યું હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. તપાસ સમિતિએ રિપોર્ટ એસપીને સુપ્રત કર્યો છે, જેના આધારે આગામી સમયમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થવાની સૂત્રો દ્વારા શક્યતાઓ વ્યકત કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application