ખંભાળીયા પોલીસની જીણવટ તપાસ અને રીપોર્ટ પરથી આયુર્વેદિક સીરપનું ગુજરાતમાં વેચાણ કરતા શખ્સ સામે પંજાબ પોલીસમાં ગુનો નોંધાયો

  • August 29, 2023 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પંજાબની ફેક્ટરીમાં આલ્કોહોલ મિશ્રિત આયુર્વેદિક સીરપનું ઉત્પાદન કરી અને ગુજરાતમાં મોકલી, વેચાણ કરવા સંદર્ભે ખંભાળિયા પોલીસ મથકમાં પંજાબના સંગરૂર તાલુકામાં રહેતા એક શખ્સ સામે નોંધાયેલી ફરિયાદ બાદ તેની અટકાયત અને રિમાન્ડ બાદ પછી તેના જામીન નામંજૂર થવા સહિતના પ્રકરણ વચ્ચે ખંભાળિયા પોલીસે પંજાબ પોલીસને કરેલા રિપોર્ટના આધારે સામે પંજાબ પોલીસ મથકમાં પણ તેની સામે ગુનો નોંધાયો છે.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયામાંથી થોડા સમય પૂર્વે ઝડપાયેલી ૧૫,૬૨૪ બોટલ આલ્કોહોલ મિશ્રિત આયુર્વેદિક સીરપ કે જે શરીરને નુકસાનકર્તા હોવાથી ખંભાળિયા પોલીસે અહીંના આરોપીઓ સાથે આ સીરપના ઉત્પાદનનું મૂળ એવા પંજાબ ખાતે પહોંચી અને અહીંના સંગરૂર તાલુકાના પ્રતાપનગર ખાતે રહેતા પંકજ બ્રિજમોહન ખોસલા નામના ૫૦ વર્ષના શખ્સને દબોચી લઈ, અહીં લાવી અને તેને રિમાન્ડ પર લીધો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તથા એ.એસ.પી. રાઘવ જૈનના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી આ કાર્યવાહીમાં આયુર્વેદિક પ્રોડક્ટની આડમાં નશાયુક્ત સીરપનું ગેરકાયદેસર રીતે ઉત્પાદન કરી અને વ્યાપક પ્રમાણમાં આર્થિક લાભ મેળવવાના હેતુથી આવી સીરપ અહીં વેચાણ અર્થે મોકલવામાં આવતી હોવાનું ખુલતા આ પીણું બનાવવા માટે ઇથેનોલ તથા અન્ય સામગ્રીનો ઉપયોગ થતો હોવા અંગેનો સવિસ્તૃત રિપોર્ટ સી.પી.આઈ. ટી.સી. પટેલ દ્વારા પંજાબના એક્સાઇઝ વિભાગને કરવામાં આવ્યો હતો.
આ રિપોર્ટને ધ્યાને લઈ અને પંજાબના એક્સાઇઝ વિભાગ દ્વારા આ અંગેની પ્રાથમિક તપાસ કરી અને ગુનાહિત પ્રવૃત્તિ જણાતા આરોપી પંકજ ખોસલા વિરુદ્ધ સંગરૂર જિલ્લા સીટી ૧ પોલીસ મથક (પંજાબ) ખાતે પંજાબ એક્સાઈઝ એક્ટ ૧૯૧૪ ની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ સાથે પંજાબ પોલીસ દ્વારા પણ આગળની કામગીરી કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી અહીંના સી.પી.આઈ. તુષાર પટેલ, પી.એસ.આઈ. ડી.જે. પરમાર અને શક્તિસિંહ જાડેજા, સર્વેલન્સ સ્ટાફના ખીમાભાઈ કરમુર તથા શક્તિસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application