જામનગરમાં દૂધની ડેરી ચલાવતા વેપારી બે વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયા

  • October 23, 2023 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

4 લાખનું 10 ટકા રાક્ષસી વ્યાજ પેટે ચૂકવ્યા છતાં મકાન લખાવી લીધું : સતામણી કરીને 12 લાખ વસુલી ધાક ધમકી આપ્યાની બે સામે રાવ


જામનગરના બેડી વિસ્તારમાં દૂધની ડેરી અને પાનની દુકાન ચલાવતા એક વેપારી લોકડાઉન સમયે બે વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયા હતા, અને એક વ્યાજખોરને ચાર લાખનું 10 ટકા લેખે 46 લાખ ચૂકવી દીધા પછી પણ મુદ્દલ બાકી રહેતી હોવાથી 15 લાખ ની કિંમતના મકાનના કાગળો લખાવી લીધાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે, જ્યારે બીજા વ્યાજખોરે 4 લાખના બાર લાખ પડાવી લીધા પછી આશરે 7 લાખની કિંમતના મકાનનો કબજો કરી લીધો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે.



જામનગરમાં બેડી- ધરારનગર -1 માં રહેતા અને આ વિસ્તારમાં આરજુ પાન એન્ડ ડેરી નામથી દૂધની ડેરી તથા પાનની દુકાન ચલાવતા આરીફભાઈ કાદરભાઈ ધુંધા-સંધી (ઉ.વ.39) તેઓ જામનગરના બે વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયા છે, અને તેઓએ બેડેશ્વર વિસ્તારમાં રહેતા એજાજ ઉંમર સાયચા અને ઇકબાલ ઇબ્રાહીમ ધૂંધા રહે. ધરારનગર-1ની સામે પોતાની પાસેથી રાક્ષસી વ્યાજ વસૂલવા અંગેની ફરિયાદ નોંધાવી છે.



પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર સને 2018ની સાલમાં પોતાના ધંધા માટે  બેડીમાં રહેતા એઝાઝ સાઈચાએ ફરીયાદી આરીફભાઈ પાસેથી ચાર લાખ 10 ટકાના વ્યાજ ના દરે લીધા હતા. લોકડાઉનના સમયગાળા દરમિયાન નુક્શાની થઈ હોવાથી દુકાન બંધ કરવાનો વારો આવ્યો હતો, જેનું  10-ટકા લેખે  વ્યાજની રકમ ચડતી જતી હતી. અત્યાર સુધીમાં કુલ 46 લાખનું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં હજુ મુદ્દલ બાકી રહી છે, તેમ કહી એજાજે ફરિયાદી આરીફભાઈ જે મકાનમાં રહે છે, તે આશરે 15 લાખની કિંમતના મકાનના દસ્તાવેજો પોતાની નામે કરાવી લીધા હતા.



આઉપરાંત ફરિયાદીને વ્યાજની વધુ રકમ ચૂકવવા માટેની જરૂરિયાત ઊભી થઈ હોવાથી વધુ રકમ વ્યાજે લેવાનો વારો આવ્યો હતો, અને જામનગરના ધરાર નગર વિસ્તારમાં રહેતા ઈબ્રાહીમ ધુંધા પાસેથી બે કટકે 4 લાખ લીધા હોવાનું જણાવ્યું હતું, જે ચાર લાખની સામે અત્યાર સુધીમાં 12 લાખ વ્યાજ પેટે વસુલી લીધા હતા. તેમ છતાં પણ મુદ્દલ રકમ બાકી હોવાનું જણાવી આરીફભાઈ નું અંદાજે સાતેક લાખ રૂપિયાની કિંમતનું મકાન પચાવી પાડ્યું હતું, અને પોતાના કબજામાં લઈ લીધૂ છે.



 જે સમગ્ર મામલો સીટી બી. ડિવિઝન પોલીસમાં લઈ જવાતાં પોલીસે આઈપીસી કલમ 384,504 તથા ગુજરાત મની લેન્ડર્સ એકટની કલમ 5, 40, 42 મુજબ-ગુન્હો નોંધ્યો છે, અને આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application