વ્યાજમાં ફસાયેલા બંગાળી બંધુએ વેપારીઓનું બે કિલો સોનું ઓહિયા કર્યું...!!

  • August 31, 2023 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટની સોનીબજારમાં સોનીકામમાં જાણે અધિપત્ય જમાવી બેઠા હોય તેવા બંગાળી પરપ્રાંતીય કારીગરો વારંવાર સોની વેપારીઓનું સોનુ લઈને રફુચકકર થઈ જતાં હોવાના કિસ્સાઓ બનતા જ રહે છે. વધુ એક આવી ઘટનામાં બંગાળી બંધુ કારીગર વ્યાજના ચકકરમાં ફસાતા સોની વેપારીઓનું બે કિલો જેટલું સોનુ ઓળવી જતા બન્ને ફરાર થાય એ પુર્વે સોની વેપારીઓ જ બન્નેને પકડીને એ–ડીવીઝન પોલીસના હવાલે કરતા સમગ્ર પ્રકરણમાં સત્ય શું છે તે ચકાસવા પોલીસે તપાસના ઘોડા દોડાવ્યા હોવાનું જાણવા મળે છે.


આધારભુત સુત્રોમાંથી મળેલી માહિતી મુજબ સોનીબજારમાં સોનાના ઘરેણા બનાવવાની પેઢી ધરાવતી કેવીએમ તથા ડીજીએમ એન્ડ સન્સ નામની બે ફર્મ દ્રારા રાબેતા મુજબ બંગાળી બંધુ અશરફઅલી તથા અફઝલ અલીને સોનાના ઘરેણા બનાવવા આપ્યા હતા અને બન્ને સોનુ ઘરેણા બનાવીને પરત આપી જતા હતા. જે ક્રમ મુજબ બે દિવસ પહેલા મંગળવારે બન્ને ભાઈને અંદાજે બન્ને પેઢી દ્રારા બે કિલો જેવું સોનુ ઘરેણા ઘાટ ઘડવા માટે આપ્યું હતું.


નિયત સમયે બન્નેએ સોનાના ઘરેણા પરત નહીં આપતા બન્ને પેઢી દ્રારા બંગાળી બંધુનો સંપર્ક કરાયો હતો. સોની વેપારીઓને એવું જાણવા મળ્યું કે, બન્ને બંગાળી દોઢથી બે કરોડનું સોનુ અન્યને આપી દઈને નાસી જવાની ફીરાકમાં છે. વેપારીઓએ સતર્કતા દાખવી બન્નેને પકડી લીધા હતા. અશરફ તથા અફઝલે એવો રાગ આલાપ્યો કે સોનુ વ્યાજે નાણા લીધા હતા તેને નાણા આપવાના બદલે ઉઘરાણી ધમકી વધતા તે વ્યકિતને આપી દીધું છે. હાલ સોનુ વ્યાજે નાણા દેનાર પાસે હશે.


બેબાકળા બની ચુકેલા સોની વેપારી એ–ડીવીઝન પોલીસ મથકે દોડી ગયા હતા. બંગાળી બંધુ કારીગર નાસી છૂટે તે પહેલા જ બન્નેને પોલીસ મથકે લઈ આવ્યા હોવાનું જાણવા મળે છે. બન્નેએ જે રીતે વ્યાજે નાણા લીધા અને એ વ્યકિત દ્રારા દબાણ વધતા સોનુ તેને આપી દીધાનું રટણ કયુ છે તે તથ્ય ચકાસવા પોલીસે જે વ્યકિતનું નામ આપ્યું હતું તેને પણ ગતરાત્રે પોલીસ મથકે બોલાવ્યો હતો તેમ જાણવા મળે છે.


વ્યાજે જેને નાણા આપ્યા છે અને સોનુ લઈ લીધું છે તે વ્યકિત પોલીસ મથકે આવ્યા બાદ થોડી ક્ષણો બાદ તેને જવા દેવાતા અથવા તે પોલીસ મથકે નીકળી જતા હાજર વેપારીઓમાં આર્ય સર્જાયું હતું. ખરેખર બંગાળી બંધુએ વ્યાજે નાણા લીધા હતા તેને જ સોનુ આપી દીધુ કે બન્નેએ પોતે ફસાય નહીં તે માટે વ્યાજના ચકકરમાં સોનુ ચાલ્યા ગયાનું કહી હાથ ખંખેરી કે ઉંચા કરી નાખવા પ્રયાસ કર્યેા તે બાબતે પણ પોલીસ તે દિશામાં તપાસ કરી રહ્યાનું જાણવા મળે છે. બન્ને બંગાળીને પોલીસ મથકે બેસાડીને અરજી નોંધી છે.

સોનીબજારમાં કારીગરના રૂપમાં રહી આતંકી પ્રવૃતિ કરતા ત્રણ–ત્રણ બંગાળી આતંકી ઝડપાયા હતા જેને લઈને સોનીબજારમાં હજી વેપારીઓનો બંગાળી કારીગરો પ્રત્યે ઉચાટ હશે ત્યાં જ ફરી બંગાળી બંધુએ વેપારીઓના કહેવાય છે કે, અંદાજે ત્રણેક કિલોથી વધુ બે કરોડની ઉપરની કિંમતનું સોનુ બારોબાર હજમ કરી નાખ્યું છે. જો કે, સાચો આકં અને સાચી વાત કારણ પોલીસના ચોપડે જે આવે તે જ રહેશે એવું દેખાઈ રહ્યંું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application