જામનગર જિલ્લાના ૯ ડેમ ફરી ઓવરફલો: વાંસજાળીયામાં અનરાધાર ત્રણ ઇંચ

  • July 10, 2023 01:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રણજીતસાગર, ફુલઝર કો.બા., કંકાવટી, કોટડા બાવીસી, સપડા, વોડીશાંગ, ઉમીયાસાગર, ઉંડ-૨ અને ફુલઝર-૧ ઓવરફલો થતાં નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા ચેતવણી

જામનગર જિલ્લા ઉપર મેઘરાજા પ્રથમ રાઉન્ડમાં જ ભારે ઓળઘોળ થઇ ગયા છે, જામનગર જિલ્લાના ૨૫ ડેમોમાંથી ૯ ડેમ ઓવરફલો થઇ ગયા છે, જયારે ચાર ડેમો ૭૫ ટકા ઉપર ભરાયા છે, ગ્રામ્ય વિસ્તારમાં એક થી ત્રણ ઇંચ વરસાદ પડયાના વાવડ સામે આવ્યા છે.
ઉપરવાસ ભારે વરસાદના કારણે જામનગરને પીવાનું પાણી પુરુ પાડતા રણજીતસાગર ડેમમાં પાણી આવક થતાં ગઇકાલે ફરીથી ઓવરફલો થયો હતો જયારે ફુલઝર કો.બા., કંકાવટી, કોટડા બાવીસી, સપડા, વોડીશાંગ, ઉમીયાસાગર, ઉંડ-૨ અને ફુલઝર-૧ ઓવરફલો થઇ રહ્યા છે, જામનગરને પીવાનું પાણી પુરુ પાડતા ઉંડ-૧ ડેમ ૭૮ ટકા ભરાઇ ગયો છે, જયારે સસોઇ ૩૩.૦૩ ટકા, પન્ના ૭૫.૨૬, ફુલઝર-૨માં ૧૪, વિજરખી ૫૨.૫૦, ડાયમીણસર ૪૪.૭૮, ફોફળ-૨માં ૯.૫૪, ઉંડ-૩માં ૧૮.૩૨, આજી-૩માં ૪.૯૪, રંગમતી ૭૭.૬૦, રુપાવટી ૧૩.૨૩, સસોઇ-૨માં ૪૨.૨૪, વનાણા ૨૦.૭૫, બાલંભડી ૭૭.૨૭, ઉંડ-૪માં ૨૨.૧૩ ફુટ ભરાયા છે જયારે ખંભાળીયાને પીવાનું પુરુ પાડતા ઘી ડેમમાં પાણીની આવક સારી હોય નવ ફુટ ભરાઇ ગયો છે. આમ બે મહીના ચાલે તેટલું પાણી એક જ દિવસમાં આવી ગયું છે.
ગ્રામ્ય વિસ્તારમાં થયેલા વરસાદની વાત લઇએ તો જામનગર તાલુકામાં વસઇ ૧૪, લાખાબાવળ ૧૫, મોટી બાણુગાર ૪૨, ફલ્લા ૧૬, વંથલી ૧૨, મોટી ભલસાણ ૯, અલીયાબાડા ૧૦ અને દરેડ ૫ મીમી વરસાદ પડયો છે. જયારે જોડીયા તાલુકાના હડીયાણામાં ૮, બાલંભા ૧૫, ધ્રોલ તાલુકાના લતીપુરમાં ૩, જાલીયા દેવાણીમાં ૧૦૪, કાલાવડ તાલુકાના નિકાવામાં ૩૭, ખરેડી ૧૫, મોટા વડાળા ૨૨, ભલસાણ બેરાજા ૨૫, નવાગામ ૩૦, મોટા પાંચદેવડા ૨૪ મીમી વરસાદ થયો છે.
આ ઉપરાંત જામજોધપુર પંથક ઉપર ગઇકાલે મેઘરાજા વધુ મહેરબાન થયા હતાં, ખાસ કરીને વાંસજાળીયામાં ૭૧, સમાણા ૨૫, શેઠવડાળા ૨૫, જામવાડી ૩૩, ઘુનડા ૧૪, ધ્રાફા ૩૦, પરડવા ૩૫ તેમજ લાલપુર તાલુકામાં પીપરટોડા ૫, મોડપરમાં ધોધમાર ૬૭, પડાણા ૩૦, ભણગોર ૨૫, મોટા ખડબા ૧૨ અને હરીપરમાં ૨૪ મીમી વરસાદ થયો છે. આમ જામનગર જિલ્લાના ડેમો ઉપર અને ગામડાઓમાં મેઘ મહેર યથાવત રહી છે, હજુ બે દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે, ત્યારે જામનગર જિલ્લાનો કુલ વરસાદ ૧૧૩ ટકાએ પહોંચી ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application