ન્યારા ચેક પોસ્ટ પાસેથી ઝડપાયેલા ૮૦૦૦ બોટલ આયુર્વેદિક સિરપમાં નશાકારક દ્રવ્ય હોવાનું ખુલ્યું

  • November 23, 2023 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પડધરીના ન્યારા ચેક પોસ્ટ પાસે ચાર માસ પૂર્વે પડધરી પોલીસ મથકના સ્ટાફે ચેકિંગ દરમિયાન અશોક લેલન ગાડીમાંથી શંકાસ્પદ આયુર્વેદિક સીરપનો ૮૦૦૦ બોટલનો જથ્થો કબજે કર્યો હતો અને સેમ્પલ એફએસએલ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યું હતું. દરમિયાન સેમ્પલમાં નશાકારક દ્રવ્યની હાજરી મળી આવતા આ મામલે પડધરી પોલીસે અમદાવાદના વાહન ચાલક સહિત બે શખસો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.


જાણવા મળતી વિગતો મુજબ, પડધરી પોલીસ મથકના પીએસઆઇ જી.જે. ઝાલા તથા તેમની ટીમે ગત તારીખ ૨૭/ ૭/ ૨૦૨૩ ના રાત્રીના ન્યારા ચેક પોસ્ટ પાસે ચેકિંગ દરમિયાન અશોક લેલન બડા દોસ્ત ગાડીને અટકાવી હતી અને તેમાં ચેકિંગ કરતા તેમાંથી આયુર્વેદિક સીરપ ભરેલા બોક્સ મળી આવ્યા હતા. પોલીસે આ વાહનમાંથી સ્ટોનઅરિસ્ટા આસવ અરિષ્ટાની ૪૦૦૦ બોટલો તથા સુનેન્દ્રા આસવ અરિષ્ઠાની ૪૦૦૦ બોટલ મળી કુલ ૮૦૦૦ બોટલ કિંમત રૂપિયા ૨.૫ લાખનો જથ્થો તથા ટ્રક સહિત કુલ રૂપિયા ૫.૫ લાખનો મુદ્દામાન શક પડતી મિલકત તરીકે જે તે સમયે કબજે કર્યો હતો.
​​​​​​​
શંકાસ્પદ આયુર્વેદિક સીરપના આ જથ્થા સાથે વાહન ચાલક અમદાવાદના પાલડીમાં રહેતા અમિત સાબીરભાઈ મલેક તથા સાદીક યાસીનભાઈ મોમાણી સામે જરૂરી કાર્યવાહી કરી હતી.પોલીસે કબજે કરેલ આ જથ્થામાંથી સેમ્પલ રાજકોટ એફએસએલ માટે મોકલ્યું હતું. જેનો રિપોર્ટ આવી જતા તેમાં નશાકારક દ્રવ્યની હાજરી મળી આવતા આ મામલે પડધરી પોલીસ મથકમાં વાહન ચાલક અમિત મલેક અને સાદિક મોમાણી સામે પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application