ચેક રીટર્ન કેસમાં ૫૦ હજારનો દંડ : પાંચ માસની જેલ

  • December 20, 2023 01:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ચાવડાનો ડેલો, અંબાજીના ચોક ખાતે વસવાટ કરતા તથા ટ્રાન્સપોર્ટનો વ્યાવસાય કરતા વિજયભાઇ હરીશભાઇ ચાવડા પાસેથી બ્લોક નં. ૮, ફલેટ નં. ૨૦૪, મોહનનગર આવાસ કોલોની, ગુલાબનગર જામનગર ખાતે વસવાટ કરતા તથા ધોબીકામ કરતા રશ્મિનભાઇ હસમુખભાઇ ગણાત્રાએ પોતાની અંગત જરુરીયાત અર્થે નાણાકીય જરુરીયાત ઉભી થતા ફરીયાદી વિજયભાઇ હરીશભાઇ ચાવડા પાસેથી ૬ માસ માટે સંબંધદાવે હાથઉછીની રુા. ૫૦.૦૦૦ અંકે રુપીયા પચાસ હજારની માંગણી કરતા ફરીયાદી વિજયભાઇ હરીશભાઇ ચાવડાએ આરોપીને મદદરુપ થવાના શુભ આશયથી તેઓની જરુરીયાત મુજબના રુા. ૫૦ હજાર રોકડા આપેલ હતા, આરોપી રશ્મિન હસમુખભાઇ ગણાત્રાએ ફરીયાદીની કાયદેસર લેણી નીકળતી રકમ અંગે તેઓના બેંક ઓફ બરોડા, લાલ બંગલા શાખા, જામનગરમાં આવેલ ખાતામાંથી તા. ૫-૯-૨૨નો ૫૦ હજારનો ચેક લખી આપેલ હતો.
જે ચેક તેની પાકતી મુદતે ફરીયાદી દ્વારા પોતાની બેંક મારફતે વસુલાત માટે ભરતા ચેક ફન્ડસ ઇન્શફીસીયન્ટના કારણે પરત ફરેલ હતો જેથી ફરીયાદીએ આરોપી વિરુઘ્ધ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ અન્વયેની ફરીયાદ દાખલ કરી હતી, આ કેસ ચાલી જતા આરોપી પક્ષ દ્વારા આ કામે એવો બચાવ લેવામાં આવેલ કે આ કામમાં પ્રથમ નોટીસ આપ્યા બાદ સમય મર્યાદામાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ નથી અને ત્યારબાદ ફરી નોટીસ આપવામાં આવેલ છે. જેથી બે વાર નોટીસ આપેલ હોય ફરીયાદીનો કેસ ટકવા પાત્ર રહેતો નથી જયારે ફરીયાદી દ્વારા રજુ કરવામાં આવેલ પુરાવાઓ, જુબાની વિગેરે તથા બે વાર નોટીસ આપી શકાય તે બાબતે કોર્ટના ચુકાદાઓ રજુ રાખેલ જે ઘ્યાને લઇ જામનગરના જયુડી મેજી. આર.બી. ગોસાઇએ કેસમાં આરોપી રશ્મિનભાઇ હસમુખભાઇ ગણાત્રાને તકસીરવાન ઠરાવી પાંચ માસની સાદી કેદની સજા તથા ચેકની રકમનો દંડ ભરવા હુકમ કરેલ તથા દંડની રકમ આરોપી ભરે તે તમામ રકમ ફરીયાદીને વળતર સ્વરુપે ચુકવી આપવા તથા આરોપી દંડ ન ભરે તો વધુ ૧૫ દિવસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે, આ કેસમાં ફરીયાદી તરફે વકિલ ઉદયસિંહ ડી. ચાવડા, બેનઝીર એ. જુણેજા તથા કપિલ એસ. તીર્થાણી રોકાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application